Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ચારને ઈજાઃ ખીજડિયા બાસે મોટરને અકસ્માતઃ
જામનગર તા.૫ : જામનગરના દરેડ પાસે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢાને રિક્ષાએ ઠોકર મારતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ફલ્લા પાસે એક મોટરે અકસ્માત સર્જતા પિતા-પુત્ર ઘવાયા છે. ઉપરાંત ભાતેલ પાટીયા નજીક બાઈકને ટ્રેક્ટરે હડફેટે લેતા વડત્રા ગામના પ્રૌઢનું મૃત્યુ થયું છે. ઉપરાંત નયારા કંપનીના ગેઈટ તથા કજુરડા પાટિયા પાસે બે અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. ખીજડિયા બાયપાસ પાસે એક મોટર ડિવાઈડર પર ચઢી જતાં મોટરમાં નુકસાન થયું હતુંં.
જામનગર નજીકના દરેડ ગામમાં મંદિર પાસે એક ખોલીમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના ચોપરા ગામના વતની ઉમાબેન જમનાપ્રસાદ કુરમી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢા બુધવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘર પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે જીજે-૧૦-ટીઝેડ ૧૫૦૫ નંબરની રિક્ષા ધસી આવી હતી. તે રિક્ષાના ચાલકે ઉમાબેનને હડફેટે લેતાં આ પ્રૌઢાને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ઉમાબેનનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મૃતકના પુત્ર રાકેશ કુરમીએ રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના નાની લાખાણી ગામના ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેમના પુત્ર લક્કીરાજસિંહ (ઉ.વ.૧૫) ગઈ તા.૩૧ની સાંજે ફલ્લા પાસે મોટરસાયકલ સાથે ઉભા હતા. આ વેળાએ જીજે-૩-જેસી ૧૮૩૯ નંબરની મોટર ફૂલ સ્પીડમાં ધસી આવી હતી. તેના ચાલકે પિતા-પુત્રને હડફેટે લેતાં હેમરેજ સહિતની ઈજાઓ પામેલા ધર્મેન્દ્રસિંહ તથા તેમના પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. નાની લાખાણી ગામના પ્રદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ મોટર ચાલક સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૪પ) નામના પ્રૌઢ બુધવારે રાત્રે નવેક વાગ્યે ભાતેલ ગામના પાટિયા પાસેથી જીજે-૩૭-ઈ ૫૫૧ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે સામેથી ધસી આવેલા એક ટ્રેકટરે તેઓને ઠોકર મારી દીધી હતી. કપાળ, ખભ્ભામાં ઈજા પામેલા દિલીપસિંહને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ભાતેલ ગામના ટ્રેક્ટરચાલક જટુભા અજીતસિંહ જાડેજા સામે મૃતકના પુત્ર ગિરીરાજ સિંહે ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયામાં શક્તિ નગરમાં રહેતા કલ્પેશ કારાભાઈ પરમાર બુધવારે રાત્રે નવેક વાગ્યે નયારા કંપનીના મટીરીયલ ગેઈટ સામે રોડ પર વાહનની રાહ જોઈને ઉભા હતા ત્યારે ખંભાળિયા તરફથી ધસી આવેલી સફેદ રંગની એક મોટરે તેઓને હડફેટે લીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા કલ્પેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના રામશીભાઈ લાલાભાઈ ગાગીયાના મામા કાનાભાઈ રામાભાઈ છુછર (ઉ.વ.૬૦) મંગળવારે સવારે જીજે-૧૦-આર ૯૬૫૧ નંબરના બાઈકમાં કજુરડા ગામના પાટિયા પાસેથી પસાર થતાં હતા. ત્યારે જીજે-રપ-જે ૮૫૪૯ નંબરની મોટરના ચાલકે તેઓને હડફેટે લઈ પછાડતા ફ્રેક્ચર થઈ જવાથી કાનાભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રામશીભાઈએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મોટરચાલક સામે રાવ કરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે ગઈકાલે સાંજે જીજે-૧૦-ડીએન ૩૮૧ નંબરની આઈ-૧૦ મોટર કોઈ રીતે તેના ચાલકના કાબુ બહાર ગયા પછી ડિવાઈડર ચઢી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસની ટ્રાફિક ઈન્ટર સેક્ટર વાન ધસી ગઈ હતી. આ અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને ૧૦૮માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial