Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણી માટે પાંચ ન્યાય અને રપ ગેરંટી સાથે કોંગ્રેસનું 'ન્યાયપત્ર' જાહેર

ચૂંટણી ઢંઢેરાનું નવું નામકરણઃ વર્ક, વેલ્થ, વેલ્ફેરનો ઉલ્લેખઃ દિગ્ગજો ઉપસ્થિત

નવી દિલ્હી તા. પઃ કોંગ્રેસનો લોકસભા ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો 'ન્યાય પત્ર' તરીકે જાહેર થયો છે. જેમાં પ ન્યાય અને રપ ગેરન્ટીનો વાયદો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે ચૂંટણી ઢંઢેરો મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓની હાજરીમાં જાહેર કરી દીધો છે. તેમણે પાર્ટીના મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરા) ને 'ન્યાય પત્ર' નામ આપ્યું હતું. કોંગ્રેસના 'ન્યાય પત્ર'માં ત્રણ શબ્દો વર્ક, વેલ્થ અને વેલ્ફેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂર્વ નાણામંત્રી પી. ચિદન્મબરમ્ે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ત્રણ મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ. તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમારા ચૂંટણી ઢંઢેરાને દેશના રાજકીય ઈતિહાસમાં 'ન્યાયના દસ્તાવેજ' તરીકે યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલતી 'ભારત જોડો ન્યાય યાત્રા' આના પર કેન્દ્રિત હતી. યાત્રા દરમિયાન પાંચ સ્તંભો- યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને ભાગીદારીના ન્યાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સ્તંભોમાંથી રપ ગેરન્ટી બહાર આવે છે અને દરેક રપ ગેરન્ટીમાંથી કોઈને કોઈ ફાયદો થાય છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિક્લાંગોના પેન્શનમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગ લોકો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન દર મહિને રૂ.  ર૦૦ થી રૂ.  પ૦૦ સુધીનું છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રકમ વધારીને ૧૦૦૦ રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે.

આ ઉપરાંત સ્વાસ્થ્ય સંભાળ માટે રપ લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે. કોંગ્રેસ વચન આપે છે કે પક્ષ તેમની ફરજો નિભાવતી વખતે ડોક્ટરો અને અન્ય આરોગ્ય વ્યાવસાયિકો સામે હિંસાના કૃત્યોને ગુનાહિત બનાવવા માટે કાયદો પસાર કરશે.

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટેના ઢંઢેરામાં પાંચ ન્યાયનો સમાવેશ કર્યો છે. જેમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ કરાયો છે. કોંગ્રેસ કહે છે કે અમે સાથે મળીને આ અન્યાયી સમયના અંધધારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્યનો માર્ગ મોકળો કરીશું.

ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરન્ટી અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકરો આ ગેરન્ટી કાર્ડસનું વિતરણ કરશે, જે ૧૪ અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે. આગામી થોડા અઠવાડિયા સુધી ભારતના આઠ કરોડ પરિવારોને આ ગેરન્ટી આપવામાં આવશે. નોંધનીય છે કે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ પાંચ ન્યાય અને રપ ગેરન્ટી વિશે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભા ર૦ર૪ ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.

પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ મી એપ્રિલે થવાનું છે અને લોકસભાની ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે.

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાની હાઈલાઈટ્સ

જાતિઓ અને પેટા જાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક અને જાતી વસ્તિ ગણતરી હાથ ધરવામાં આવશે. ડેટાના આધારે સકારાત્મક એક્શન એજન્ડાને મજબૂત બનાવવામાં આવશે.

એસસી, એસટી અને ઓબીસી માટે અનામત મર્યાદા પ૦ ટકા સુધી વધારાશે.

આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબલ્યુએસ) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે.

એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી.

કોંગ્રેસ સરકારી અને જાહેર ક્ષેત્રના સાહસોમાં નિયમિત નોકરીઓની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરશે.

ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે એસસી અને એસટીને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે.

જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે.

એસસી અને એસટી સમુદાયોના કોન્ટ્રાક્ટરોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે.

ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે ઓબીસી, એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે.

ગરીબ, એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સ્કૂલનું નેટવર્ક બનાવવામાં આવશે અને દરેક બ્લોક સુધી તેને વિસ્તારવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh