Advertisement
Author: નોબત સમાચાર

મોદી સરકારના નવા મંત્રી મંડળને લઈને અટકળો તેજઃ જામનગરને મળશે સ્થાન ?

બંધારણીય જોગવાઈ મુજબ ૭૮ મંત્રીઓ બનાવી શકાયઃ કોણ કપાશે ? કોણ જળવાશે ?

નવી દિલ્હી તા. ૬ : મોદી સરકારની શપથવિધિ શનિવારે યોજાય, તેવી શકયતા વચ્ચે આ વખતે ગઠબંધન સરકાર હોવાથી મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોનું પતુ કપાશે, તેની અટકળો તેજ થઈ ગઈ છે, જેમાં જામનગરના પ્રતિનિધિત્વની ચર્ચા પણ થઈ રહી છે.

લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જેમાં આ વખતે સરકાર પણ બનશે અને મજબૂત વિપક્ષ પણ બનશે. દેશમાં ત્રીજીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનશે. પરંતુ આ વખતે બહુમત ખૂબ જ ઓછી મળી છે. જેમાં એનડીએને ર૯૩ બેઠક મળી છે, જેમાં ભાજપને ર૪૦ બેઠક જ મળી છે. એવામાં સત્તાની ચાવી એનડીએના બે મોટા ભાગીદાર નિતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડૂના હાથમાં રહેશે. ઈન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા ચહેરા ર૩ર બેઠક સાથે વિપક્ષમાં છે.

બુધવારે સાંજે વડાપ્રધાન મોદીએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યુ હતું. આ સાથે લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી છે. સંભવતઃ વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ૮ જૂને યોજાશે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પછી નરેન્દ્ર મોદી ૫ણ એવા પ્રથમ નેતા હશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આ દરમિયાન નરેન્દ્ર મોદીની સરકાર ૩.૦ માં કોને મંત્રી પણ મળી શકે તે અંગેની અટકળો ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર, રાજનાથસિંહ, લખનઉ, નીતિન ગડકરીએ નાગપુર (મહારાષ્ટ્ર), પિયુષ ગોપાલ મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર), ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુર (રાજસ્થાન), ભૂપેન્દ્ર યાદવ અલવર (રાજસ્થાન)થી જીત્યા છે. આવી સ્થિતિમાં તે ફરીથી નરેન્દ્ર મોદીની ટીમમાં જોવા મળી શકે છે. જો કે એનડીએમાં પોર્ટફોલિયોની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બંધારણીય જોગવાઈ અનુસાર, સરકારના મંત્રી પરિષદમાં લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના ૧પ ટકા સુધી મંત્રીઓ હોઈ શકે છે, એટલે કે તેમની ટીમમાં વડાપ્રધાન સિવાય ૭૮ મંત્રીઓ સામેલ થઈ શકે છે. લોકસભામાં ભાજપને બહુમત ન મળવાના કારણે નવી કેબિનેટની રચના કરવી નરેન્દ્ર મોદી માટે પડકાર છે.

એવામાં એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે નવી સરકારમાં કેટલાક મંત્રીઓનું પુનરાવર્તન નહીં થાય. તેમજ કેટલાક નેતાઓ હાર્યા હોવા છતાં પણ તેમને કેબિનેટમાં સ્થાન મળશે. તો કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળશે. નવા ચહેરાઓમાં સતત ત્રીજી વખત અવરોધો છતાં જંગી લીડથી જીતેલા જાનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમનું નામ પણ ચર્ચામાં છે.

મોદી સરકારની ત્રીજી ઈનિંગમાં બુધવારે પાસ થયેલા એનડીએના ઠરાવમાં કુલ ર૧ લોકોના નામ છે. જેમાં ચંદ્રબાબુ નાયડૂનું નામ પાંચમાં નંબર પર અને નિતીશ કુમારનું નામ છઠ્ઠા નંબર પર નોંધાયેલું છે. એનડીએના સહયોગી ટીડીપીએ ચૂંટણીમાં ૧પ બેઠકો જીતી છે, જ્યારે  જેડીયુએ ૧ર બેઠકો જીતી છે. બીજેપી પછી એનડીએમાં આ બંને પક્ષો સંખ્યાત્મક તાકાતમાં સૌથી મોટા છે. એવું માનવામાં આવે છે કે બંને પક્ષો પોતાના માટે કેટલીક મોટી માંગ કરી શકે છે. સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પહેલાથી જ સંસદમાં છે. એસ.જયશંકર અને નિર્મલા સીતારમણની જેમ આ બંને પણ રાજ્યસભાના સભ્ય છે.

મોદી સરકારની ત્રીજી ઈનિંગ માટે જે કેબિનેટ બનાવવામાં આવી રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થઈ શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ટીમ મોદીમાં સામેલ કરવામાં આવી શકે છે. બાય ધ વે, ભાજપના સહયોગી 'હમ'ના નેતા જીતન રામ માંઝીનો પણ ચૂંટણી જીતેલા પૂર્વ મુખ્યમંત્રીઓમાં સમાવેશ થાય છે. દેખીતી રીતે તે પોતાનો દાવો પણ આગળ ધપાવશે.

નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલાં જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો છે. તેમણે પરિણામો બાદ પોતાના ભાષણમાં પણ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરિણામો પહેલા જ વડાપ્રધાને એક પછી એક બેઠકો યોજી હતી., જેમાં નવી સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ગુરૂવારે સાંજે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને મળશે અને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી તેમને સોંપાશે. જે બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

સુત્રોના જણાવ્યા મુજબ શનિવારે થનારી સંભવિત શપથવિધિ માટે તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે.

લોકસભામાં ભાજપને બહુમતી ન મળવાને કારણે નવી કેબિનેટની રચના કરવી પીએમ મોદી માટે પડકાર છે. એવા પણ સમાચાર છે કે નવી સરકારમાં કેટલાક મંત્રીઓનું પુનરાવર્તન નહીં થાય, જ્યારે કેટલાક પરાજિત નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અમેઠીથી હારેલી સ્મૃતિ ઈરાનીને ફરી મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે, તેને ૬ મહિનામાં સાંસદ તરીકે દેશમાં કોઈપણ સ્થાનેથી કે રાજ્યસભામાં ચૂંટાવું પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh