Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિંગ મેકરની ભૂમિકામાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ શું ઈચ્છે છે? કેટલાક મંત્રાલયો પર નજર?
નવી દિલ્હી તા. ૬: એનડીએની સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદી શપથગ્રહણ કરે તે પહેલા જ કિંગ મેકરની ભૂમિકામાં આવેલી નીતિશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ કેટલીક માંગણીઓ રજૂ કરી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પરિણામો પછી હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. હવે જેડીયુ પાર્ટી ભાજપ સાથે જોરદાર સોદો કરવા જઈ રહી છે. જેડીયુએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવા અને બિહારને વિશેષ દરજ્જો આપવા સાથે કેન્દ્રિય મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા પાંચ મંત્રી પદની માંગ કરી છે. જેડીયુના નેતા કે.સી. ત્યાગીએ તો અગ્નિવીર યોજનાની પુનઃ સમીક્ષા, યુ.સી. મુદ્દે સૌની સાથે ચર્ચા અને વન નેશન-વન ઈલેક્શન વિષે પણ પોતાના વિચારો રજૂ કરી દીધા છે.
સૂત્રો જણાવે છે કે નીતિશ કુમાર કેન્દ્રિય કેબિનેટમાં રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયો પર નજર રાખી રહ્યા છે. એમાં પણ રેલવે મંત્રાલયને પ્રાથમિક્તા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એનડીએની બેઠકમાં ભાગ લેવા તેઓ બુધવારે દિલ્હી પહોંચ્યા હતાં. ત્યારે જ આ પ્રકારની વાતચીત થઈ હોવાની સંભાવના દર્શાવાઈ રહી છે.
વર્ષ ર૦ર૪ ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને ર૯ર બેઠકો મળી છે, જો કે આ વખતે ભાજપ બહુમતી અંક ર૭ર થી દૂર રહી અને માત્ર ર૪૦ બેઠકો જીતી શકી છે. આવી સ્થિતિમાં દેશમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે પીએમ મોદીને તમેના સહયોગીઓના સમર્થનની જરૂર છે. આ સ્થિતિમાં ૧ર બેઠકો જીતનાર જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.
જેડીયુના એક નેતાએ જણાવ્યું હતું કે નીતિશ કુમારે બિહારના વિકાસને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં કેટલાક મંત્રાલયોની માંગ કરી છે. જેથી બિહારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ક્ષેત્રમાં ઝડપથી કામ થઈ શકે. મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહારની જાતી ગણતરી મોડ્યુલને સમગ્ર દેશમાં લાગુ કરવા માગે છે. જેડીયુ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જાતિ ગણતરી કરાવવાનો આગ્રહ કરી રહી છે. ગત્ વર્ષે બિહારમાં જાતિ ગણતરીના રિપોર્ટના આધારે અનામતનો વિસ્તાર વધારીને ૭પ ટકા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીતિશ કુમાર ગરીબ પરિવારોને ર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના પણ લાવી હતી.
આ ઉપરાંત જેડીયુના કેટલાક નેતાઓએ પણ બિહારમાં વહેલી વિધાનસભા ચૂંટણી કરાવવાની ઈચ્છા સીએમ નીતિશ સમક્ષ વ્યક્ત કરી છે, જેથી કરીને જેડીયુ લોકસભા ચૂંટણીમાં મળેલી જીતનો લાભ ઊઠાવી શકે અને વિધાનસભમામાં સારી સ્થિતિમાં પહોંચી શકે. જેડીયુ પાસે હાલમાં બિહારમાં માત્ર ૪પ ધારાસભ્યો છે જ્યારે સહયોગી ભાજપના ૭૮ ધારાસભ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પછી એનડીએને ટેકો આપવા માટે જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાનો આગ્રહ કરી રહી છે. જેડીયુ એમએલસી ખાલિદ અનવરે કહ્યું કે બિહારના સામાજિક અને આર્થિક વિકાસ માટે મોટી રકમની જરૂર છે. આ કારણે જેડીયુ કેન્દ્ર પાસેથી બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો અને મોટું ભંડોળ ઈચ્છે છે.
લોકસભામાં સૌથી શક્તિશાળી પદ સ્પીકર ધરાવે છે, આથી ટીડીપી સ્પીકરનું પદ ઈચ્છે છે. એટલું જ નહીં, પરંતુ ત્રિશંકુ સંસદની સ્થિતિમાં સ્પીકર મહત્ત્વની ભૂમિકા ભજવશે. પાર્ટીના દિવંગત નેતા જીએમસી બાલયોગીએ ૧૯૯૮ થી ર૦૦ર સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં સ્પીકર તરીકે પણ સેવા આપી હતી.
ટીડીપીના એક સાંસદે કહ્યું કે પાર્ટી ગ્રામીણ વિકાસ, આવાસ અને શહેરી બાબતો, બંદરો અને શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે અને જલ શક્તિ મંત્રાલયો ઈચ્છે છે. તેઓ નાણા મંત્રાલયમાં જુનિયર પ્રધાન રાખવા પણ ઉત્સુક છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ ટીડીપીને બહુમતી મળી છે અને ત્યાં પણ અત્યારે ભંડોળની સખત જરૂર છે.
અહેવાલો મુજબ આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ સહિત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓને જવાબદારી સુપ્રત કરી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial