Advertisement
Author: નોબત સમાચાર

ફક્ત નાના કર્મચારીઓ સસ્પેન્ડ થયા, પણ મ્યુનિસિપલ કમિશનર બાકાત કેમ?: હાઈકોર્ટ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની સુનાવણી દરમિયાન વડી અદાલત લાલધુમઃ રાજ્ય સરકારને તતડાવીઃ

અમદાવાદ તા. ૬: રાજકોટના અગ્નિકાંડ મુદ્દે સુનાવણી દરમિયાન વડી અદાલતે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી નાખી હતી અને મોટા માથાઓ સામે કાર્યવાહી કેમ ન થઈ, તેવા સવાલો કર્યા હતાં.

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં ર૭ લોકોના મોત થયા હતાં, ત્યારે આજે આ મુદ્દે ફરી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચાર મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઈલ કર્યા હતાં. હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, 'એસઆઈટી બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.'

હાઈકોર્ટમાં વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારને ઘેરીને આકરા સવાલો કર્યા હતાં. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે 'આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરને કેમ નહીં. શું સરકાર દ્વારા મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે? શું સરકાર આવી બીજી અગ્નિકાંડની રાહ જોઈ રહી છે ત્યારપછી અધિકારીઓ સામે પગલાં લેવાશે.'

નોંધનિય છે કે, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને આજે દસ દિવસ પૂરા થયા છે, પરંતુ આ અગ્નિકાંડમાં અનેક પુરાવા મેળવવાના હજુ બાકી હોય, એસઆઈટી દ્વારા સરકાર પાસે વધુ બે મહિના જેટલો સમય માગ્યો હતો. ત્યારે સરકારે ર૮ જૂન સુધીમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. અગાઉ એસઆઈટીની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અર્ધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી. ઉપરાંત અન્ય દસ્તાવેજી પુરાવાઓની પણ સિટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે. આ કેસમાં હવે આગામી સુનાવણી ૧૩ મી જૂને થશે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ અગ્નિકાંડને લઈ રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ એસઆઈટી દ્વારા અલગ અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ ઘણાં અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીને લઈ ટીમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે. રાજ્ય સરકાર દ્વારા૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ રિપોર્ટ ૧૦ દિવસ કરતા વધુ સમય માંગી શકે છે કેમ કે જે રીતે તપાસ ચાલે છે તેમાં કોઈપણ છેડછાડ ચલાવી લેવામાં આવશે નહીં.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયરબ્રિગેડ અને પોલીસ વિભાગના આ ૬ અધિકારીઓની એસઆઈટી દ્વારા વિગતવાર પૂછપરછ કરી તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં રાજ્ય પોલીસના સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની કચેરીમાં બંધ બારણે ચાલી રહેલી પૂછપરછ અને નિવેદન પ્રક્રિયા દરમિયાન જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે તેને લઈને કેટલાક અધિકારીઓની બીજી વખત ઉલટ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

ટીઆરપી ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજુરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજુરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસના એકપણ અધિકારી સામે ગુનો નહીં નોંધાયા તેમજ પોલીસ અધિકારીઓના નિવેદન લઈને જવા દેવાયા છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી તેમજ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી તેમજ બેઠક દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતાં.

મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. એસઆઈટી તપાસમાં કોઈ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઈ છે. ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બાબતે બદલી પામનારા આઈએએસ અને આપીએસની પૂછપરછ કરાઈ છે. ડીજીપી વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh