Advertisement
Author: નોબત સમાચાર

પરાવલંબી વનવાસ ભોગવતા વડીલોની લાચારી કાયમ સંતાનોને કારણે નથી હોતી!

આરોગ્ય, સ્વભાવ અને સંપત્તિ ૫૫ વર્ષ પછીની ત્રણ મોટી સમસ્યા છે

વૃદ્ધાવસ્થા વણ ઉકેલ્યો કોયડો છે. લાચારી, મુંઝવણ, અશક્તિ, નિવૃત્તિ ઘેરી વળે છે. કેટલાક વૃદ્ધો ટટ્ટાર ચાલે છે, પરંતુ  અંદરથી તૂટી ગયા હોય છે. આજના જમાનામાં અચાનક એક્ઝિટ કરનાર લોકોને નસીબદાર માનવામાં આવે છે. કેમ?

તાજેતરમાં નાના પાટેકરની ફિલ્મ વનવાસ જોઈ, અને મનમાં ફરી વૃદ્ધાવસ્થાનો કીડો સળવળવા લાગ્યો! યુવાનીની પ્રેમ કથા, સંઘર્ષ અને વનવાસનો વસવસો, બહુ યાદ આવે છે. તેના ઉપર અનેક ફિલ્મો પણ બની ચૂકી છે. આજે મોટા ભાગના ઘરમાં વનવાસ કે બાગબાનની કથા છે. દીકરાઓ સાચવે છે, તેવા પણ કરોડો કુટુંબો છે. દરેક સમાજ, ગામ, જ્ઞાતિ, દેશ અને દુનિયામાં વૃદ્ધોની અલગ દુનિયા અને કથા હોય છે. જામનગરમાં જોગર્સ પાર્ક ખૂલવાથી અનેક પ્રૌઢ લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. ઉંમર વધવા સાથે જરૂરિયાતો ઘટવા લાગે છે. રોગોના ભોગ બનવાથી ખોરાક ઉપર પણ પ્રતિબંધ આવે છે, પગ અને આંખ નબળા પડવાથી અવરજવર બાધિત બને છે. સંતાનો ડૉકટર પાસે સમયસર લઈ જાય તેટલી જ અપેક્ષા રહે છે.

વનવાસ

નાના પાટેકરની આ ફિલ્મ આમ તો સામાન્ય કથાનક ધરાવે છે. ત્રણ દીકરા અને તેની પત્નીઓ ઘરના વડીલ દીપક ત્યાગીના સ્વભાવથી કંટાળી ગયા હોય છે. સીમલામાં રહેતા દીપકને મોટી ઉમરે થતી નબળી યાદશક્તિની બીમારી લાગુ પડે છે. પરિવારમાં દીપક સામે રોષ પણ રહે છે. ત્રણ પુત્ર અને તેની પત્ની દીપકને વારાણસી લઈને જાય છે, દરેક વૃદ્ધાશ્રમ સંચાલકો સંતાનોના ઓળખ પત્રો માંગે છે, જે આપવાની તૈયારી નથી. અંતે દીપકને વારાણસીમાં અનાથ હાલતમાં છોડી દેવામાં આવે છે. નબળી યાદશક્તિને કારણે તે અટવાતો રહે છે અને નાટકીય ઘટનાઓ પછી તે કીડની રેકેટમાં  ફસાઈ જાય છે. તેની મદદે વીર નામનો લંપટ, ખિસ્સા કાતરૂ આવે છે અને દીપકનું સરનામું શોધે છે. સમગ્ર ફિલ્મમાં  વૃદ્ધ દીપકની લાચારી જ તરફડે છે. ફિલ્મમાં વીરની પ્રેમકથા અડધો સમય ખાઈ જાય છે. જો કે તેની પ્રેમકથાને પરિણામે જ વાર્તાનો અંત આવે છે. દીપક ત્યાગીને નામે જમીન હોય છે, જેનું ૪૦ કરોડનું જંગી વળતર મળવાની ઘટનાથી તેના ત્રણ પુત્ર ડેથ સર્ટિફિકેટ પણ બનાવી નાખે છે!

વનવાસ જેવો મુદ્દો ધરાવનારી અનેક ફિલ્મો આવી. જેમાં અમિતાભ બચ્ચનની બાગબાન યાદગાર છે. ૧૯૮૦ ના સમયમાં ફિલ્મ શ્રદ્ધાંજલિ અને બંધન કચ્ચે ધાગોકાનું કથાનક પણ આ સામાજિક સમસ્યા ઉપર આધારીત હતું. વનવાસ માત્ર નાના પાટેકરના અભિનય પૂરતી સીમિત છે, જો કે બાગબાનના અમિતાભ સુધી પહોંચી શકતી નથી.  ૨૦૧૫ માં રજૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ પિકુ પણ સફળ રહી હતી. જેમાં કબજીયાતથી પીડાતા ૭૦ વર્ષના ભાષ્કર બેનરજીની કથા હતી.

વડીલોએ ઊંચાઈ ફિલ્મ પણ જોવી જોઈએ. અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અનુપમ ખેર અભિનીત, આ ફિલ્મ આપણને ત્રણ વૃદ્ધ મિત્રોના જીવનમાં લઈ જાય છે. મિત્રોએ તેમના મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવાનો નિર્ણય કર્યો. ટ્રેક દરમિયાન, આ મિત્રો તેમના જીવનના અંગત, ભાવનાત્મક અને આધ્યાત્મિક પાસાઓ વિશે ખુલે છે. તેઓ તેમની શારીરિક મર્યાદાઓ સામે લડે છે અને સ્વતંત્રતાનો સાચો અર્થ શું છે તે શોધે છે. આવી ફિલ્મો જોવાથી આપણામાં હકારાત્મક શક્તિ અને વિચારોનું સિંચન થાય છે. ઉમરને આપણે શક્તિ સાથે સાંકળવી ન જોઈએ.

સ્વભાવ અને સંપત્તિ

૫૫ વર્ષ પછીની આ બે મોટી સમસ્યા કહેવાય છે. સ્ત્રી કે પુરુષે જીવનના અંતિમ ભાગમાં સ્વભાવ સાથે બાંધછોડ કરવી જોઈએ. ચાલશે, ફાવશે અને ભાવશે.. જીભ ઉપર રાખવા જોઈએ. જો કે, આ તબક્કે એક હાથે તાલી પડતી નથી, સંતાનોના સ્વભાવ ઉપર પણ વૃદ્ધત્વ નિર્ભર રહે છે. પુત્રવધૂઓ પણ કૌટુંબિક શાંતિ અને ઝગડાઓમાં કારણભૂત બની શકે છે. વનવાસ ફિલ્મમાં પણ પુત્રવધૂઓ સસરાના નિકાલ માટે કાવાદાવા અને ઝગડા કરતી જણાય છે.

કુટુંબમાં બહુ ઓછી મિલકત અને વધુ પડતી મિલકત પણ કારણ બની શકે છે. જામનગરમાં પણ એક નામાંકિત પરિવારમાં વહુના આગમન અને સ્વભાવને કારણે તાજેતરમાં ભાગલા પડ્યા છે. અહીં, સંપત્તિનો સવાલ નહીં, પરંતુ સ્વભાવની સમસ્યા હતી. વૃદ્ધાવસ્થા દરેક માટે કમજોર કડી છે. ઘર છોડીને જવું પણ ક્યાં?

વૃદ્ધાશ્રમ

આ વ્યવસ્થા આવકારદાયક તો નથી જ, પરંતુ અનિવાર્ય છે. દુનિયાના બધા દેશોમાં ઓલ્ડ એઇજ હોમનો કોન્સેપ્ટ સ્વીકાર્ય છે. અનેક વિકસિત દેશોમાં કેર હોમ પ્રચલિત છે. ત્યાં લોકો પ્રામાણિકતાથી કરવેરા ભરે છે અને સરકાર વૃદ્ધાવસ્થા પેન્શન આપે છે. કેર હોમ સંચાલકોને પણ મદદ કરે છે. બ્રિટનમાં કેર યુકે એ વૃદ્ધ લોકો માટે રહેણાક સંભાળ પ્રદાતા છે. તેઓ આવાસ જરૂરિત, ડિમેન્શિયા કેર અને નર્સિંગ કેર ઓફર કરતા ૫૦૦થી વધુ ઘરનું સંચાલન કરે છે. કંપનીએ અગાઉ ૨૦૨૧ સુધી આરોગ્ય સંભાળ સેવાઓની વ્યાપક શ્રેણીનું સંચાલન પણ કર્યું હતું. ૨૦૦૨માં બ્રિટન સરકારે ઓલ્ડ એઇજ હોમને સત્તાવાર રીતે નર્સિંગ સાથે કેર હોમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, અને રહેણાક ઘર કેર હોમ્સ તરીકે જાણીતા બન્યા હતા. બ્રિટનમાં કેર હોમ્સ અને નર્સિંગ સાથે કેર હોમ્સ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં અલગ સંસ્થાઓ દ્વારા સંચાલન થાય છે. કેર હોમમાં દાખલ થવા માટે, ઉમેદવાર દર્દીને તેમની સ્થાનિક કાઉન્સિલ પાસેથી જરૂરિયાતો અને તેમની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. દર્દીને નર્સિંગ સંભાળની જરૂર હોય તો ઉમેદવારનું નર્સ દ્વારા મૂલ્યાંકન પણ થઈ શકે છે.

ગુજરાતઃ ગુજરાતમાં રાજ્ય સરકારના સમાજ સેવા વિભાગ દ્વારા વૃદ્ધોની સમસ્યા ઉપર ધ્યાન આપવામાં આવે છે. આ ઉપરાંત ખાનગી સંચાલકો અને ટ્રસ્ટ દ્વારા પણ વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. મોટાભાગના આવા સંકુલો આર્થિક સમસ્યાઓથી પીડાતા હોવાનું જણાય છે.

મારા મતે ગુજરાતની કુલ વસ્તીના બહુ ઓછા ટકા વૃદ્ધો એકલતા અને લાચારી ભોગવે છે. વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને પુત્રો કે પુત્રવધૂઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવું નથી. અનેક વડીલોને સંતાન ન હોવાથી પણ લાચારી ભોગવવી પડે છે. બીજા કેટલાકને સંતાનમાં માત્ર પુત્રી જ હોવાથી અને તે સાસરે ચાલી ગઈ હોવાથી તકલીફો ભોગવવી પડે છે. ગણ્યાગાંઠીયા વૃદ્ધોને જ સંતાનો તરફથી ત્રાસ મળતો હોય તેવું બની શકે છે.

મોટાભાગના સંતાનો વડીલોની ખૂબ સારી સંભાળ રાખે છે, છેલ્લા શ્વાસ સુધી સેવા કરે છે. ગુજરાતની સામાજિક રચના જ પ્રેમ અને લાગણી ઉપર રચાયેલી છે.

ગુજરાતમાં વૃદ્ધોના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કાર્યરત છે. આ વિભાગની વેબસાઇટ ઉપર જણાવ્યા અનુસાર તે વૃદ્ધ કલ્યાણ યોજના હેઠળ (૧) વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનો માટે રૂા.૫૦૦૦ની સહાય માટેની અંત્યેષ્ઠી સહાય યોજના (૨) ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (૩) રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (નેશનલ ફેમિલી બેનીફીટ સ્કીમ) અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (રાજ્ય સરકારની યોજના) ચલાવે છે. ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગની વેબસાઇટ અનુસાર રાજ્યમાં ૨૮ વૃદ્ધાશ્રમ તેમની યાદીમાં છે જેમાં જામનગરમાં (૧) શ્રી આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત મહિલા વૃદ્ધાશ્રમ, લીમડાલેન, જામનગર અને (૨) એમ.પી. શાહ, મ્યુનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમ, એરોડ્રામ, ખોડીયાર કોલોની સામે, જામનગર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થવા છતાં ત્યાં કોઈ વૃદ્ધાશ્રમ ન હોવાનું તે જણાવે છે. ગુજરાતમાં હવે સારી સુવિધા ધરાવતા અનેક વૃદ્ધાશ્રમો શરૂ થયા છે. જામનગરમાં પણ વાત્સલ્ય ધામ ચાલે છે. રાજકોટમાં સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય સંકૂલ આકાર પામી રહ્યું છે.

સમાજ સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર જામનગરમાં શ્રી આણદાબાવા સેવા સંસ્થા, લીમડા લાઇનમાં હાલ ૧૮ મહિલા આશ્રય મેળવી રહ્યા છે. એમ.પી. શાહ, મ્યનિસિપલ સંચાલિત વૃદ્ધાશ્રમમાં સ્ત્રી અને પુરૂષ મળીને કુલ ૧૧૩ અને વસઈમાં ૪૦ વડીલો આશ્રિત છે.

સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત કુલ ૨૮,૩૪૩ વૃદ્ધ માસિક રૂા.૧૦૦૦/- ની સહાય મેળવી રહ્યા છે. આ   યોજનાનો લાભ લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધો જેમને સંતાન નથી તેવા વૃદ્ધ વ્યક્તિ માન્ય છે. તેમજ સંતાન હોય પણ ૦ થી ૨૦ સુધીના બીપીએલ સ્કોર ધરાવતા હોય તે પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

વનવાસ

તંદુરસ્ત અર્થમાં વનવાસ સમય દરમિયાન વ્યક્તિ શાંત જીવન, સ્વચ્છ હવા, શુદ્ધ ખોરાક, નચિંત સંબંધો સાથે ઉત્તરાર્ધ પસાર કરી શકે છે. પરંતુ આપણે જીવનને સ્વાર્થ અને લોભમાં અટપટું અને પીડાદાયક બનાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, પુતિન જેવા દુનિયાનો ભાર લઈ ફરતા નેતાઓ મોટી ઉમરે પણ તંદુરસ્ત જીવન જીવે છે. પરાવલંબન ટાળવા માટે પોઝિટિવ વિચારસરણી, જુસ્સો અને ઊચા વિચાર જરૂરી છે. માત્ર તણાવ રાખવાથી દુઃખ ઓછું થતું નથી. વનવાસ સાચા અર્થમાં સમાજને સમજવાની ઉમર છે. દુનિયામાં કરોડો વૃદ્ધો જાત મહેનત કરી જીવન જીવે છે. પશ્ચિમના દેશોમાં બાળકો ૧૮ વર્ષના થાય એટલે માતા-પિતાને અલગ તારવી દે છે. ત્યાં વાલીઓ અને સંતાનો જેવા લાગણીના સંબંધો જોવા નથી મળતા. ભારતની સંસ્કૃતિ લાગણીના પાયા ઉપર ઊભી છે. માત્ર ૧૦ ટકા સંતાનો જ ગદ્દાર નિકળતા હોય છે. ૯૦ ટકા સંતાનો અને વહુઓ વડીલોની દેખભાળ બહુ સારી રીતે કરે છે. સરકાર આયુષ્માન કાર્ડ દ્વારા આરોગ્ય માટે પણ  કાળજી રાખે છે.

જે લોકો, જેટલો આવકવેરો ભરે તે પ્રમાણમાં સરકારે તેમને પેન્શન પણ આપવું જોઈએ. વિદેશમાં આવી વ્યવસ્થા છે.  એન્જિઑગ્રાફીના લેખકે આખી જિંદગી કરવેરા ભર્યા, છતાં વળતર પેટે કઈ મળતું નથી. આરોગ્ય વીમાની મોટી રકમ દર ૩૬૫ દિવસે સંપૂર્ણ ડૂબી જાય છે. નવા વર્ષે ફરી નવું જંગી પ્રીમિયમ ભરવું પડે છે. વીમાની રકમ ડૂબી શા માટે જાય? ૬૦ વર્ષ પછી આરોગ્ય વીમાની રકમ અને પ્રીમિયમ બાબતે પુનઃવિચાર કરવો જરૂરી છે.

૫રેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh