Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ગોજીનેસ પાસે રૂ.૬ કરોડનો ચરસનો બિનવારસુ જથ્થો મળ્યો

અવાવરૂ બારા પર પેટ્રોલિંગમાં રહેલી પોલીસ પહોંચીઃ પકડાઈ જવાના ડરથી ડ્રગ્સ ફેંકી દીધાનું અનુમાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામ નજીકના દરિયાકાંઠે આવેલા ગુગળીયા બારૂ પાસેથી ગુરૂવારે રાત્રે પોલીસને રૂ.૬ કરોડ ૬ર લાખની કિંમતનો ૧૩ કિલોથી વધુ વજનનો ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે અફઘાનિસ્તાનથી તે જથ્થો આવ્યો હોવાનું અને પકડાઈ જવાની આશંકાથી કોઈ શખ્સે દરિયાકાંઠે અથવા દરિયામાં તે જથ્થો ત્યજી દીધાનું પ્રાથમિક અનુમાન કરી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે રાત્રે કલ્યાણપુર પોલીસ મથકના પીએસઆઈ એમ.ડી. મકવાણા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન કલ્યાણપુરથી અંદાજે ૩૯ કિલોમીટર દૂર અને ભાટીયા આઉટ પોસ્ટ હેઠળ આવતા ગોજીનેસ ગામની સીમના દરિયાકાંઠા નજીક ગુગળીયા બારૂથી ઓળખાતા વિસ્તારમાં પોલીસને દસ પેકેટ જોવા મળ્યા હતા.

તે પેકેટ પાસે પહોંચેલી પોલીસે આ પેકેટ ખોલીને જોતા તેમાં કોઈ ડ્રગ્સ હોવાનું જણાઈ આવ્યું હતું. તે પેકેટ પર અફઘાન પ્રોડકટ લખેલું હોવાનું જણાઈ આવતા તરત જ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને વાકેફ કરાયા હતા. તે પછી દોડી આવેલી ઉચ્ચ અધિકારીઓની ટીમે તે પેકેટની તલાશી લેતાં તેમાંથી ૧૩ કિલો અને ૨૩૯ ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

તે પેકેટ કોના છે? તે અંગે તપાસ શરૂ કરાતા પેકેટ બિનવારસુ હોવાનું ખૂલ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.૬ કરોડ ૬૧ લાખ ૯૫ હજારની કિંમતના ચરસના આ જથ્થાને કબજે લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

આ પ્રકરણમાં પ્રાથમિક તબક્કે ખૂલ્યા મુજબ કોઈ શખ્સોએ માદક પદાર્થ ચરસની હેરાફેરી કરાવ્યા પછી પકડાઈ જવાના ડરથી તે જથ્થો દરિયામાં અથવા દરિયાકાંઠે બિનવારસુ મૂકી દીધાનું જણાઈ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, બેટ દ્વારકા સહિતના જુદા જુદા દરિયાકાંઠા વિસ્તારમાંથી આવી રીતે બિનવારસુ ડ્રગ્સનો જથ્થો સાંપડ્યો છે. જેમાં ગુરૂવારે રાત્રે રૂ.૬ કરોડથી વધુનો ચરસનો બિનવારસુ જથ્થો મળી આવ્યો છે. કલ્યાણપુરના એએસઆઈ કે.જી. ચેતરીયાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે તે જથ્થાનો નમૂનો ચકાસણી માટે મોકલી આપી આ પ્રકરણમાં કોઈ સ્થાનિક શખ્સોની સંડોવણી છે કે કેમ? તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh