Advertisement
Author: નોબત સમાચાર

લોનના હપ્તા ન ભરી શકાતા મહિલાના ઝેરના પારખા પત્ની સાથે બોલાચાલીથી વ્યથિત પતિનો ગળાફાંસો

મૂળ રાણાવાવના યુવતીએ ઝેરી દવા પીધીઃ તરૂણીની અકળ કારણથી આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ધ્રોલના એક યુવાને પત્ની સાથે થતી રહેતી બોલાચાલીના કારણે ગુમસુમ થઈ ગયા પછી ગઈકાલે પોતાના ઘરમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. જામનગરના મારૂતિનગરમાં રહેતા એક મહિલાએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી નહીં શકવાના કારણે તણાવ અનુભવ્યા પછી એસિડ પી લઈ આત્મહત્યા કરી છે. ઉપરાંત અયોધ્યાનગરમાં રહેતા પરિવારની સોળ વર્ષની પુત્રીએ અગમ્ય કારણથી કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. સ્વામીનારાયણનગર પાછળ વસવાટ કરતા મૂળ રાણાવાવના એક પરિણીતાએ અગમ્ય કારણથી ઝેરી દવા પી લઈ જિંદગીનો અંત આણ્યો છે અને શક્તિ સોસાયટીમાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે આત્મહત્યાના પાંચેય બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

ધ્રોલ શહેરમાં જૂની તાલુકા પંચાયત કચેરી પાછળ ગોદળીયાવાસમાં વસવાટ કરતા કમલેશભાઈ નાનજીભાઈ ગોદારીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈકાલે વહેલી સવારે પોતાના રહેણાંકમાં આવેલી લાકડાની એક આડીમાં ચુંદડી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. જેની જાણ થતાં તેમના પરિવારજનોએ નીચે ઉતારી કમલેશભાઈને ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.

આ બાબતની પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતદેહનો કબજો સંભાળી પોલીસે મૃતકના મોટાભાઈ મહેશભાઈ ગોદારીયાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કમલેશભાઈ અને તેમના પત્ની વચ્ચે કેટલાક દિવસોથી નાની બાબતે બોલાચાલી થતી હતી. તેનું માઠું લાગી આવતા કમલેશભાઈએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા તંબોલી ભવન નજીક મારૂતીનગરમાં રહેતા મીનાબા ભીખુભા જાડેજા નામના મહિલાએ ગુરૂવારે કોઈ જલદ પ્રવાહી પી લેતાં તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનંુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ભીખુભાએ પોલીસને જાણ કરી છે.

તેઓના જણાવ્યા મુજબ પહલ ફાયનાન્સ નામની પેઢીમાંથી એક વર્ષ પહેલાં રૂ.૬૩ હજારની લોન મેળવી હતી. તે લોન ભરપાઈ કરવા મારૂતીનગરમાં કરિયાણાની દુકાન ચલાવતા અશોકસિંહ પાસેથી રૂ.૧૦ હજાર બે વખત મેળવી રૂ.૨૦ હજાર હપ્તામાં ચૂકવ્યા હતા. તેમ છતાં લોનના હપ્તા સમયસર નહીં ભરી શકાતા મીનાબા સતત માનસિક તણાવ અનુભવતા હતા. તેના કારણે મીનાબાએ જલદ પ્રવાહી પી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે.

જામનગરના ગોકુલનગર નજીકના અયોધ્યાનગરની શેરી નં.૧૩માં રહેતા કાળુભાઈ પરબતભાઈ બેલા ઉર્ફે રામભાઈ આહિરની સોળ વર્ષની પુત્રી અવની ગઈકાલે સવારે આઠેક વાગ્યે પોતાના ઘરેથી બહાર ગયા પછી થોડીવારમાં પરત આવી હતી અને સુઈ ગઈ હતી.

ત્યારપછી આ તરૂણીએ ઉલ્ટી તથા ઉબકા કરવાનું શરૂ કરતા ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીને કાળા રંગની ઉલ્ટી થયા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. આ તરૂણીએ કોઈ અકળ કારણથી ઝેરી પ્રવાહી પી લીધાનું તારણ કાઢવામાં આવ્યું છે. પોલીસે પિતા કાળુભાઈનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના સ્વામી નારાયણનગરની શેરી નં.૩માં રહેતા મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવના વતની નસીમબેન ઉર્ફે જીયાબેન હનીફશા રફાઈ (ઉ.વ.રર) નામના પરિણીતાએ ગુરૂવારની રાત્રે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. તેઓને પતિ ભાવિન રોહિતભાઈ પટ્ટણીએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને મૃત્યુ પામેલા જાહેર કરતા ભાવિન રોહિતભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધી તપાસ આદરી છે.

જામનગરના શક્તિનગર સોસાયટી વિસ્તારમાં શેરી નં.પ નજીક વસવાટ કરતા રવિભારથી ભગવાનભારથી ગોસ્વામી (ઉ.વ.૩ર) નામના બાવાજી યુવાને ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે પંખામાં સાડી વડે ગાળીયો બનાવી કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને નીચે ઉતારી પિતા ભગવાનભારથી લાલભારથી ગોસ્વામીએ સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં પિતાએ જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh