Advertisement
Author: નોબત સમાચાર

પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠકમાં કલેક્ટરે તંત્રને આપ્યા વિવિધ નિર્દેશ

પાણીનું વહેણ અટકાવતા અવરોધો હટાવવા, ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અને વોર્નિંગ સિસ્ટમ તૈયાર રાખવા સૂચના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ચોમાસાને કારણે થતી જાન-માલની નુક્સાની અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સંલગ્ન વિભાગને તાકીદ કરાઈ હતી.

આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલની નુક્સાની થાય અને જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા કલેક્ટરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને કારણે થતી જાન-માલની નુક્સાની અટકાવવા માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સુચના આપી હતી. તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. કલેક્ટર દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે રેસ્ક્યુ, સર્વે તથા સર્ચ ટીમો તૈયાર રાખવા, આશ્રય સ્થાનોની વ્યવસ્થા કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, તરવૈયાઓ અને આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી.

સાથે જ પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા અને પાણીના પ્રવાહની તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરવામાં આવ્યું. દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવાયું હતું. ચોમાસ દરમિયાન આરોગ્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડીડીટી છંટકાવ, વોટર ક્લોરીનેશન તેમજ જરૂરી દવાઓનો જથ્થો અનામત રાખવા અને માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તેની તકેદારી રાખવા અને સંચાર વ્યવસ્થા સક્રિય રાખવા માટે સૂચનો અપાયા હતાં.

કલેક્ટરે જર્જરિત ઈમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવવા અને રેસ્ક્યુ માટેના વાહનોની યાદી બનાવવા જણાવ્યું હતું તેમજ બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના જરૂરી સાધનો તૈયાર રાખવા સંબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી.

જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh