Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર ૧૨૦૨ ઉમેદવારોનું ભાવિ થશે નક્કીઃ અનેક દિગ્ગજો મેદાનમાં: કેટલાક સ્થળે કતારો લાગી
નવી દિલ્હી તા. ર૬: આજે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બપોર સુધીમાં સરેરાશ બાવન ટકા જેટલું મતદાન થયું છે. કેટલાક સ્થળોએ લાંબી કતારો પણ જોવા મળી છે.
આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ ૧૩ રાજ્યોમાં ૮૮ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જે ૮૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં કેરળની તમામ ર૦ બેઠકો સામેલ છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. બીજા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઈ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે. બપોર સુધીમાં બીજા તબક્કાનું સરેરાશ ૫૨ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો છે.
આજે કેરળની તમામ ર૦ બેઠકો ઉપરાંત કર્ણાટકની ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્રની ૮, ઉત્તર પ્રદેશની ૮, મધ્ય પ્રદેશની ૬, આસામની પ, બિહારની પ, છત્તીસગઢની ૩, પશ્ચિમ બંગાળની ૩, મણિપુરની ૧, ત્રિપુરાની ૧ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ૧પ.૮૮ કરોડ મતદારો માટે ૧.૬૭ મતદાન કેન્દ્રોની રચના કરવામાંં આવી છે, અને તેમાં ૧૬ લાખ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ ૧પ.૮૮ કરોડ મતદારો છે જેમાં ૮.૦૮ કરોડ પુરુષ અને ૭.૮ કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ૩૪.૮ લાખ મતદરો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ર૦ થી ર૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૩.ર૮ કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો છે.
ભારતીય હવમાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. આજે કુલ ૧ર૦ર ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં ૧૦૯૮ પુરુષો અને ૧૦ર મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય ૮,૦૦૦ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બપોર સુધીમાં થયેલા મતદાનમાં ત્રિપુરા, પં. બંગાળ, મણિપુર, આસામ વગેરે રાજ્યોમાં સવારથી જ વધું મતદાન થઈ રહેલું જોવા મળ્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર, બિહાર, જમ્મુ-કાશ્મીર, યુપી, રાજસ્થાનમાં તેનાથી ધીમુ મતદાન જણાતું હતું.
પશ્ચિમ બગાંળમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણનો મામલો સામે આવ્યો છે. બલૂરઘાટના એક મતદાન મથક પર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સામે 'ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતાં. અહીં તૃણમુલના કાર્યકર્તાઓએ સુકાંત મજુમદારનો વિરોધ કર્યો છે. તૃણમુલના કાર્યકરોનો આરોપ છે કે ભાજપ ઉમેદવારે અહીં તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સુકાંત મજુમદારનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ તેમના પોલિંગ બુથ એજન્ટને માર માર્યો હતો. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રના ૧૦૦ મીટરની અંદર તેમની વિરૂદ્ધ એકઠા થયા હતાં.
કોંગી નેતા રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ)- તિરૂવનંતપુરમ, એચડી કુમારસ્વામી (જેડીએસ) મંડ્યા હેમા માલિની (ભાજપ)- મથુરા, અરૂણ ગોવિલ (ભાજપ)-મેરઠ, ઓમ બિરલા (ભાજપ) કોટા, બધેલ (કોંગ્રેસ)- રાજનાંદગાંગ વગેેરે દિગ્ગજોના ભાવિનો આજે ફેંસલો થશે.
રાજસ્થાનના પૂર્વ સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ, રાજસ્થાન પૂર્વ સીએમ અશોક ગેહલોત વગેરેએ મતદાન કર્યું છે.
ઉત્તર પ્રદેશના હાપુડમાં પોલિંગ બૂથની બહારથી નકલી સીબીઆઈ ઈન્સ્પેકટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના ડ્રેસમાં એક કારમાં આવેલા નકલી ઈન્સ્પેકટર પોતાને ચૂંટણી ફરજ પર તૈનાત હોવાનો દાવો કરી રહ્યો હતો, પરંતુ જ્યારે સ્થળ પર હાજર અધિકારીઓને તેના પર શંકા ગઈ અને તેની પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ અંકિત જાણવા મળ્યું છે. તેની કારના આગળના ભાગમાં ઉત્તર પ્રદેશ સરકાર લખેલું છે. અને તેની પાસેથી નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે જેને બતાવીને તે મતદાન મથકની તપાસ કરવા જઈ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial