Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલકત જપ્તીનો મુદ્દો
જામનગર તા. ર૬ : ભારતમાં કોઈને કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સમયાંતરે યોજાઈ રહેલી લોકસભાની ચુંટણી હોય, ભારતીય જનતા પક્ષના પ્રચારમાં કોંગ્રેસ શાસનની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર, વિકાસનો અભાવ ના મુદ્દાઓ સાથે કોંગ્રેસ વિરૂદ્ધ જ પ્રચાર થતો આવ્યો છે, અને તેમાં ભાજપને કેટલાક રાજ્યોમાં અને ખાસ કરીને ર૦૧૪ અને ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં સફળતા પણ મળી છે. ભારતને ભ્રષ્ટાચાર મુકત કરવાના મુદ્દાનું તો જે થયું હોય તે થાય, પણ ભાજપનું ભારતને કોંગ્રેસ મુકત કરવાનું મિશન અને પ્રચાર ચૂંટણીઓમાં ભાજપના નેતાઓના આક્રમક અને તેજાબી ભાષણો વધુ અસરકારક પૂરવાર થયા છે. જો કે કોંગ્રેસ મુકત ભારત કરવાના મિશનમાં જેમની ઉપર ભ્રષ્ટાચારના વારંવાર પક્ષપલ્ટાના કલંકો લાગ્યા છે તેવા મોટાભાગના કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવી દેવાયા છે અને હવે ચોખ્ખા થઈ ગયા છે !! આ પ્રક્રિયામાં ભાજપને બેઠકો જીતવામાં ફાયદો કદાચ થતો આવ્યો છે, પણ ભાજપની રાષ્ટ્રવાદની ભાવના સાથે પક્ષના શિસ્તનું પાલન કરી ભાજપને સતાસ્થાને પહોંચાડનાર અને પક્ષની વિચારસરણીને ચુસ્તપણે અનુસરનાર કાર્યકર્તાઓ, આગેવાનોમાં ઘણો અસંતોષ પણ ફેલાયો છે અને વધુ ફેલાઈ રહ્યો છે, અને આ વખતની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના કાર્યકરોના આવા અસંતોષના કારણે જ પ્રચારમાં ભારે નિરસતા જોવા મળે છે. કયાંય ઉત્સાહ જોવા મળતો નથી..!
આ ઉપરાંત આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો પાસે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટ નેતાઓને ભાજપમાં સામેલ કરવા, મુખ્યમંત્રી જેવા ચૂંટાયેલા નેતાઓને જેલમાં પૂરી દેવા જેુવા મુદા-પ્રચારના મુખ્ય બની રહ્યા છે. જ્યારે સામા પક્ષે ભાજપના ટોચના નેતાઓ કોંગ્રેસ અને તેના મુખ્ય સાથી પક્ષોના નેતાઓનો ઉલ્લેખ કરી અપ્રચાર જ કરી રહ્યા છે. અર્થાત્ ભાજપ પાસે આ વખતની ચૂંટણીમાં મોતના સૌદાગર 'ચાયવાલા, જેવો ચમત્કાર સર્જી શકે તેવો કોઈ મુદ્દો હાથમાં આવ્યો નથીં.
ભાજપના નેતાઓએ રામમંદિર, સીએએ, ૩૭૦ ની કલમ અને અન્ય મુદ્દાઓને ચગાવવાનો પ્રયાસ કર્યો પણ ટેમ્પો જામ્યો નહીં... અને હવે ટોચના નેતાઓએ કોંગ્રેસ સત્તા પર આવશે તો દેશવાસીઓની અડધી મિલકત હડપ કરી લેશે તે મુદાને ચગાવવાના ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે. ભાજપના ટોચના નેતાઓની સભામાં આ મુદો જોરશોરથી ગજવવામાં આવી રહ્યો છે. પણ સૌથી મોટી કમનસીબી એ છે કે આ મુદ્દાની પણ આમજનતા પર કોઈ ગંભીર અસર જોવા મળતી નથી. ઉલ્ટાનું એક અલગ પ્રકારનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ભાજપના આ જ ટોચના નેતાઓ જે તે સભામાં અબ કી બાર ૪૦૦ કે પાર ના નારા લગાવતા હોય અને પોતાને ત્રીજી ટર્મ મળશે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ દર્શાવતા હોય, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં તમામ બેઠકો જીતીશું અને તે પણ પાંચ લાખથી વધુ લીડથી તેવા ભાષણો થતાં હોય ત્યારે આ જ સભામાં મિલકત જપ્તીનો મુદ્દો રજુ કરી કોંગ્રેસ સતામાં આવશે તેવી શકયતા દર્શાવવામાં આવે છે !
આનો સ્પષ્ટ મતલબ એ થઈ શકે કે ભાજપના ટોચના નેતાઓ પણ આડકતરી રીતે કોંગ્રેસ સતા પર આવી શકે છે તેવો નિર્દેશ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં કયાંય કોઈ પક્ષ કે નેતાની લહેર જોવા મળતી નથી. પ્રથમ તબક્કામાં ઓછું મતદાન મતદારો અને પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ દર્શાવે છે. તે બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ખાસ કરીને ભાજપની નેતાગીરી બાકીના છઃ તબક્કામાં કાર્યકરોને કેવી રીતે પ્રચાર કાર્યમાં ઉત્સાહપૂર્વક દોડાવી શકે છે તે જોવાનું રહ્યું ! બાકી તો ગમે તે નેતાની સભા હોય કે રોડ શો હોય, ભીડ મોટાભાગે સ્વયંભૂ એકત્ર થતી નથી તે બાબત પણ લોકો સારી રીતે સમજે તે ભીડના આધારે પક્ષના જીત-હારનો અણસાર મેળવવો મુશ્કેલ છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial