Advertisement
Author: નોબત સમાચાર

શિવપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને બંધુ- ભગિનિ પ્રેમનો ત્રિવેણી સંગમ... હર હર મહાદેવ... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી

                                                                                                                                                                                                      

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવ નથી, અને નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમી-પારણાનોમના તહેવારો સપ્ટેમ્બરના પ્રારંભમાં હશે, પરંતુ શ્રાવણ મહિનામાં જ હશે.

આજથી શિવાલયો હર હર મહાદેવના નાદ્થી ગૂંજી ઊઠશે, તો શિવભક્તોનો શિવપ્રેમ પરાકાષ્ટાએ હશે. શ્રાવણ મહિનામાં જ ૧પ મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે અને દેશભરમાં રાષ્ટ્રપ્રેમ વધુ ઉભરાશે, તથા વૈવિધ્યસભર કાર્યક્રમો ધમધમશે. શ્રાવણ/ઓગસ્ટ મહિનામાં જ બંધુ-ભગિનિના પ્રેમની સરવાણી વહેવડાવતો પવિત્ર તહેવાર આવશે અને રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધશે, ભાઈઓ માટે મંગલકામના વ્યક્ત કરશે, અને ભાઈઓ પણ બહેનોને ભેટ-બક્ષીસો સાથે આજીવન સાથ-સુરક્ષાનું અભયવચન આપશે.

શ્રાવણ અને ઓગસ્ટ મહિનો ઘણી રીતે વૈવિધ્યપૂર્ણ છે. ઓગસ્ટ મહિનાના ઘણાં બધા ઘટનાક્રમો રાષ્ટ્ર માટે મહત્ત્વપૂર્ણ હતાં અને ઈતિહાસમાં આ મહિનો સૂવર્ણઅક્ષરે અને ગૌરવપ્રદ રીતે નોંધાયેલો છે, અને તેની સાથે શ્રાવણ મહિનાનો અદ્ભુત યોગાનુયોગ પણ રહ્યો છે.

ઓગસ્ટની પાંચમી તારીખ તો વિવિધ તબક્કે અને વિવિધ સંદર્ભમાં ભારતના ઈતિહાસમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ ૧૯૪ર માં ક્વીટ ઈન્ડિયાની રણનીતિ પાંચમી ઓગસ્ટે ઘડી હતી, જેની ઘોષણા પછીથી થઈ હતી. બ્રિટિશ સલ્તનતે બંગાળના નવાબના એક ઓફિસર મહારાજા નંદકુમારને પાંચમી ઓગસ્ટ-૧૭૭પ ના ફાંસીએ ચડાવ્યા હતાં. વર્ષ ૧૯૯૧ માં જજ લીલાશેઠ પાંચમી ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધિશ બન્યા હતાં, તો ભારત સરકારે પાંચમી ઓગસ્ટ ર૦૧૯ ના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ(એ) નાબૂદ કરી હતી, તો વર્ષ ર૦ર૦ માં અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન પણ પાંચમી ઓગસ્ટે જ થયું હતું.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ૮ મી ઓગસ્ટ ૧૯૪ર ના ઓગસ્ટ ક્રાંતિનો પ્રારંભ થયો અને કરો યા મરોના સૂત્ર હેઠળ અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા'ની વોર્નિંગ સાથે અહિંસક ચળવળ શરૂ થઈ, જે દેશવ્યાપી બની ગઈ હતી અને બ્રિટિશ સલ્તનતની બુનિયાદને હચમચાવી દીધી હતી.

શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવભક્તો વિશેષ શિવપૂજન કરે છે અને વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરે છે. શ્રાવણ મહિનામાં ચતુર્દશીના દિવસે રૂદ્રાભિષેક કરવામાં આવે છે, જેને 'સાવન શિવરાત્રિ' પણ કહે છે. શ્રાવણ સુદ ત્રીજ ને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે, તો પાંચમના દિવસે નાગપાંચમ મનાવાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણવદ પાંચમના દિવસે પણ નાગપંચમીનું પૂજન, બીજા દિવસે રાંધણછઠ્ઠ, ત્રીજા દિવસે શિતળા સાતમ અને પછી જન્માષ્ટમી તથા બીજા દિવસે પારણાનોમ ઉજવાય છે. આ પાંચ દિવસીય તહેવારો તથા વ્રતોને સાંકળીને ઠેર-ઠેર શ્રાવણિયા ભક્તિમેળાઓ યોજાય છે, તેની સાથે સાથે લોકમેળાઓ તથા મનોરંજન મેળાઓ પણ યોજાય છે. આ જ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉપરાંત યજ્ઞોપવિતધારકો જનોઈ બદલાવે છે. આમ, શ્રાવણ મહિના સાથે ઓગસ્ટનું અદ્ભુત સંયોજન થાય છે.

શ્રાવણ મહિનાના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને 'નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલ કી'નો નાદ્ ગૂંજી ઊઠશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી તંત્રો અત્યારથી જ તેની તૈયારીઓ કરવા લાગ્યા છે. સરકારે ભારત ટેક્સીની જેમ સહકારી ધોરણે દ્વારકા શહેરમાં સહકારી ઓટોરિક્ષા સેવા શરૂ કરવી પણ અત્યંત જરૂરી છે, કારણ કે યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક પરિવહન ઘણું જ મોંઘુ છે. તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, બેટદ્વારકા, સુવર્ણતીર્થ, શિવરાજપુર વગેરે સ્થળોને સાંકળતી મીનીબસ સેવા પણ સહકારી ધોરણે શરૂ કરવી જોઈએ. તેવી જ રીતે બેટદ્વારકામાં પણ બસડેપો તથા પાર્કિંગથી દ્વારકાધીશના મુખ્ય મંદિરે થઈને શંખતળાવ, હનુમાનદાંડી, ચોર્યાસી ધૂણા, ગુરુદ્વારા, ડન્ની પોઈંટ સહિતના બેટદ્વારકાના સ્થાનિક દર્શનીય તથા પર્યટન સ્થળોને સાંકળી લેતી ટેક્સી સેવા તથા મીનીબસ સેવા 'સહકાર ક્ષેત્ર' દ્વારા શરૂ કરવાની જરૂર છે.

આ વર્ષે ૧પ મી ઓગસ્ટના દિવસે કેટલાક વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, અને ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન ઉજવાનાર છે. હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે, જે ૧૭ મી ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રકારના ગૌરવપૂર્ણ અને પાવન મહિનામાં જ દેશની રાજધાનીમાં જે કાંઈ બની રહ્યું છે, તે દુર્ભાગ્યપૂર્ણ ગણાય. ઘમંડ, જીદ, પાવર અને રાજનૈતિક ફાયદા માટે અજમાવાતી યુક્તિઓના કારણે સંસદનું ચોમાસું સત્ર લગભગ બરબાદ થઈ ગયું. જંતર-મંતર પછી તેવા જ દૃશ્યો ઝારખંડની રાજધાની રાંચીમાં જોવા મળ્યા. ક્યાંક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યા પછી મહત્ત્વના બિલો અથવા પ્રસ્તાવ જેપીસીને મોકલવા પડી રહ્યા છે, તો ક્યાંક કેન્દ્રિય કાયદાઓ અથવા સૂચિત પ્રસ્તાવોની વિરૂદ્ધમાં વિધાનસભાઓમાં પ્રસ્તાવો પસાર થઈ રહ્યા છે, જે સંઘભાવના તથા ફેડરલ સ્ટ્રક્ચર માટે સારા સંકેત નથી.

આ વર્ષે ચોમાસું ખેંચાઈ રહ્યું છે, વિખેરાઈ રહ્યું છે અને અટવાઈ રહ્યું છે, જ્યાં વરસાદ પડે છે ત્યાં જળબંબાકાર થઈ જાય છે, અને જ્યાં નથી પડતો ત્યાં કેટલાક વિસ્તારો કોરા ધાકોડ છે. શ્રાવણ મહિનો આવ્યો છતાં સંતોષકારક વરસાદ નહીં થતા વિકટ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેથી જન્માષ્ટમીના તહેવારો સમયે પણ પાછોતરો વરસાદ થાય, તો તેની સંભાવનાઓને અનુરૂપ વ્યાવસ્થાઓ પણ વહીવટી તંત્રે રાખવી પડશે અને તેને અનુરૂપ લોકલ તથા પબ્લિક પરિવહનની વ્યવસ્થાઓ કરવી પડશે. મંદિરોની વ્યવસ્થાપક સમિતિઓ, સંચાલકો, ટ્રસ્ટો તથા પૂજારીવર્ગે પણ આ પ્રકારની સ્થિતિને અનુરૂપ દર્શનની વ્યવસ્થા ગોઠવવી પડશે, જો કે બદલાઈ રહેલી સિસ્ટમલ જોતા આ અઠવાડિયામાં જ શ્રીકાર વરસાદ થઈ જાય અને જ્યાં નહીંવત વરસાદ થયો છે, તે હાલાર સહિતના તરસ્યા વિસ્તારોને તૃપ્તિ થઈ જાય, તેવો વરસાદ થાય, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ત્રિવેણીસંગમ સમા શ્રાવણ મહિનામાં સર્વત્ર આનંદ પ્રસરે અને મેઘરાજાની મહેરબાની થઈ જાય, તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh