Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બપોર સુધી ૪૦% જેટલું મતદાન

કેટલાક ગામોમાં ઈવીએમ ખોટકાઈ જતા મતદારો થયા પરેશાનઃ કેટલાક સ્થળે લાંબી લાઈનો લાગી

અમદાવાદ તા. ૧૩: ગુજરાતમાં ગેનીબેન ચૌધરી સાંસદ તરીકે ચૂંટાતા ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આજે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયું હતું અને બપોર સુધીમાં ૪૦ ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું હોવાના અહેવાલો હતાં. કેટલાક સ્થળે ઈવીએમ બગડી જતા મતદારોને હાલાકી ભોગવવી પડી હોવાના પણ અહેવાલો હતાં.

ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ગેનીબેન ચૌધરી કોંગ્રેસની ટિકિટ પર લોકસભામાં ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજ૫ૂતને ટિકિટ આપી છે, તો ભાજપે સ્વરૂપસિંહ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. અહીં રસાકસીભર્યો જંગ જામ્યો છે.

આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. લોકસભામાં માત્ર વાવની બેઠક પરથી જ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હોવાથી કોંગ્રેસ માટે આ બેઠક જાળવવી જરૂરી છે, જ્યારે ભાજપ માટે પણ લોકસભાની ચૂંટણીમાં પરાજય પછી અહીંથી વિજય મેળવવો રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ ગણાય છે.

જો કે, ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા ભાજપના ઉમેદવારને ફટકો પડ્યો છે, જો કે સમીકરણોને અનુરૂપ બન્ને મુખ્ય પક્ષોને તેની અસર થશે, તેવું પણ મનાય છે. બન્ને મુખ્ય પક્ષો સહિત કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં છે.

આજે આ ચૂંટણીમાં ૩,૧૦,૬૮૧ મતદારો ૧૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આ પેટાચૂંટણીમાં ત્રણ તાલુકાના ૧૭૯ ગામોમાં ૯૭ સંવેદનશીલ મથકો સહિત કુલ ૩ર૧ બુથો પર મતદાન થઈ રહ્યું છે.

પોલીસ તંત્રે ૪ ડીવાયએસપી, પીઆઈ અને ૩૦ પીએસઆઈ સહિત ૧પ૦૦ સુરક્ષાકર્મીઓને તૈનાત કર્યા છે. ચૂંટણી પંચે આ ઉપરાંત એનસીસી અને એમસીએમસીની ટીમો દ્વારા પણ જરૂરી તકેદારીની વ્યવસ્થાઓ કરી હોવાનું જાણવા મળે છે.

આ ચૂંટણીમાં સવારથી જ મતદારોનો ઉત્સાહ જોતા વધુ મતદાન થશે, તેવા આશાવાદ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોતાના વિજયના દાવા કરી રહ્યા છે.

વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયું હોવાની માહિતી મળી છે. મળતી માહિતી અનુસાર વાવના ભાખરી મતદાન મથક-૧ નું ઈવીએમ ખોટવાયું હતું. વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદારો રાહ જોઈ બેઠા હતાં. સવારથી આવેલા મતદારો ઈવીએમ મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતાં. ઈવીએમ મશીન ખોટકાતા ખેતી કરતા લોકોનો પણ સમય બગડ્યો હતો. ત્યારે મશીન ખરાબ થયા પછી નવું મશીન લાવીને મતદાન કામગીરી શરૂ કરવામાં આવી હતી, તેથી મતદાન કરવા માટે આવેલા મતદારોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હતું.

મતદારોએ કહ્યું કે ખેતીના કામને છોડીને મતદાન કરવા આવ્યા છીએ. મતદાન કરવા માટે વહેલી સવારથી આવી ગયા, પણ મશીન ખરાબ હોવાને કારણે કલાકો સુધી બસવું પડ્યું હતું. ૮૦૦ રૂપિયાનું મજૂરી કામ મૂકીને વોટ આપવા આવ્યા, પરંતુ મશીન બગડતા કલાકોથી પરેશાનજ થવાનો વારો આવ્યો હતો.

અગાઉ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું કે, ર ગામમાં ઈવીએમ ખોટવાયાની માહિતી મળી છે. સનેસણા, અસાણા ગામમાં ઈવીએમ ખોટવાયા હોવાની માહિતી મળી છે. જે અંગે ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh