Advertisement
Author: નોબત સમાચાર

હરિયાણામાં બીજેપી-જેજેપીનું ગઠબંધન તૂટતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આપ્યું રાજીનામું

ભાજપ દ્વારા નવેસરથી સરકાર રચી આજે જ શપથવિધિની તૈયારીઃ સી.એમ. અંગે સસ્પેન્સઃ

ચંદીગઢ તા. ૧રઃ હરિયાણામાં બીજેપી-જેજેપીનું ગઠબંધન તૂટી જતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સરકારનું રાજીનામું રાજ્યપાલને સુપ્રત કર્યું છે, અને હવે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટે પ્રયાસો શરૂ થયા છે. આજે જ નવી સરકારનો શપથવિધિ યોજાશે, તેમ જણાય છે.

લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીનું ગઠબંધન તૂંટ્યું છે. સીએમ મનોહર ખટ્ટરે રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ સવારે ૧૧-પ૦ વાગ્યે ચંદીગઢમાં રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલને તેમની સમગ્ર કેબિનેટનું રાજીનામું સોંપ્યું હતું. ગઠબંધન તૂટવાનું કારણ લોકસભા બેઠકોની વહેંચણી પર સર્વસંમિતનો અભાવ હોવાનું માનવામાં આવે છે.

જેજેપી હરિયાણામાં ૧ થી ર લોકસભા બેઠકની માંગ કરી રહી હતી, જ્યારે ભાજપનુ કેન્દ્રિય નેતૃત્વ અને રાજ્ય સંગઠન તમામ ૧૦ બેઠકો પર પોતાની રીતે ચૂંટણી લડવા માંગે છે. આ જ તૂટવાનું કારણ જણાવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ નાયબ સૈની નવા સીએમ બની શકે છે. નાયબ સૈની ઓબીસી સમુદાયમાંથી છે. મનોહર લાલ ખટ્ટર કરનાલથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તે ઉપરાંત અનિલ વીજ પણ સ્પર્ધામાં છે.

જેજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ સોમવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પછી સીએમ મનોહર લાલ ખટ્ટરે રાત્રે અને ફરી આજે સવારે ૧૧ કલાકે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને સરકારને સમર્થન આપતા અપક્ષ ધારાસભ્યો સામેલ થયા હતાં.

ભાજપનું આક્રમક વલણ જોઈને દુષ્યંત ચૌટાલા દિલ્હી પહોંચી ગયા છે. તેમણે અમિત શાહ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. બીજી તરફ રાજભવનમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં એક હજાર લોકો માટે લંચની વ્ય્વસ્થા કરવામાં આવી છે.

સીએમ મનોહર લાલ ખટ્ટર ચંડીગઢમાં હરિયાણાના નિવાસસ્થાને ધારાસભ્યોને મળી રહ્યા છે. નિવાસસ્થાનની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી છે. દિલ્હી નિરીક્ષકો અર્જુન મુંડા અને તરૂણ ચૌકની રાહ જોવાઈ રહી હતી. હવે રાજભવનમાં નવેસરથી શપથગ્રહણ સમારોહ યોજાશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

હાલમાં બીજેપી-જેજેપી ગઠબંધન સરકારમાં ૪૧ બીજેપી સભ્યો, ૧૦ જેજેપી સભ્યો અને એક સ્વતંત્ર રણજીત ચૌટાલા સરકારમાં છે. જો જેજેપી ગઠબંધન તોડે તો ભાજપ પાસે ૪૧, ૭ અપક્ષ અને એક હલોપા (એચએલપી) ધારાસભ્યનું સમર્થન છે. આવી સ્થિતિમાં ભાજપને બહુમતીના ૪૬ ના આંકડા કરતા ૩ વધુ બેઠકો મળી રહી છે, તેથી ભાજપની જ સરકાર ફરી શપથ લેશે તે નક્કી જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh