Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત આયુર્વેદ યુનિ.નાં કા.કુલસચિવની સાહિત્ય ક્ષેત્રે સિદ્ધીઃ
જામનગર તા. ૧૨ઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ ૨૦૨૧ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે પૈકી ડૉ. અશોક ચાવડા 'બેદિલ'ને તેમનાં પુસ્તક 'આ પ્રાચીન વાદ્ય' માટે અનુવાદ વિભાગનું પ્રથમ પારિતોષિક રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
*આ પ્રાચીન વાદ્ય* એ જ્ઞાનપીઠ વિજેતા મલયાલમ કવિ ઓ.એન.વી. કુરુપની એ. જે. થોમસ સંપાદિત *ધીસ એન્સીયન્ટ લાઇર* નો ડૉ. અશોક ચાવડા કૃત ગુજરાતી અનુવાદ છે, જે સાહિત્ય અકાદમી, દિલ્હી, ભારત સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
સાહિત્ય સર્જન ઉપરાંત અંગ્રેજી અને ઉર્દૂ કાવ્યાનુદ માટે જાણીતા ડો. અશોક ચાવડા 'બેદિલ' ગુજરાતી સાહિત્યમાં કવિતા, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન ક્ષેત્રે કાર્યરત છે. એમણે સાયન્સ, કૉમર્સ, આર્ટ્સ, લૉ, માસ કૉમ્યુનિકેશન, ગાંધી વિચાર અને સામાજિક વિજ્ઞાન એમ અનેક ક્ષેત્રે અભ્યાસ કરીને સમાજોપયોગી સાહિત્યિક સંશોધનો પણ કર્યા છે.
આ યુવા સાહિત્યકારને નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી, ભારત સરકારનો 'સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-૨૦૧૩', ગુજરાત સરકારનો 'યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૧૨', 'ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક-૨૦૧૨', ગુજરાત સરકારનો 'દાસી જીવણ એવોર્ડ-૨૦૧૪', 'રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ-૨૦૧૬', ગુજરાતી ફિલ્મ માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો વર્ષ ૨૦૧૯-૨૦ નો 'ગુજરાત ટુરિઝમ ફિલ્મ એક્સેલન્સ ઍવોર્ડ', નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સરકારી શાળાનું 'ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન-૨૦૨૦' ઉપરાંત 'પ્રતિષ્ઠાન પ્રતિભાવંત સાહિત્યરત્ન સન્માન-૨૦૨૨' એનાયત થયેલા છે.
ઉજ્જવળ સાહિત્યિક કારકિર્દી સાથે ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અશોક ચાવડાએ પૂર્વે કવિલોક, કુમાર, ઉદ્દેશ જેવાં સાહિત્યિક સામયિકોના સહસંપાદક તરીકે સેવાઓ આપી છે. આકાશવાણી, દૂરદર્શન, ઇટીવી, સમભાવ, સંદેશ, દિવ્ય ભાસ્કર માટે પણ પ્રસંગોપાત કૉલમલેખન કર્યું છે. નાટ્યલેખન, ફિલ્મલેખન, દસ્તાવેજી ફિલ્મલેખન ઉપરાંત પોતાની સાહિત્યિક કારકિર્દી અંતર્ગત માર્ચ-૨૦૧૭માં 'રાઇટર્સ ઇન રેસિડન્સ' અંતર્ગત ૧૫ દિવસ માટે રાષ્ટ્રપતિભવનનાં મહેમાન બન્યા હતા.
એમણે સાહિત્ય અકાદમી, દિલ્હીની ગુજરાતી સલાહકાર સમિતિ ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉર્દૂ-ગુજરાતી પ્રકાશન નિમિત્તે પરામર્શીય સેવાઓ આપી છે. આમ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં વક્તા તરીકે તેમજ ફિલ્મ ક્ષેત્રે સ્ક્રીપ્ટ રાઇટર, ગીતકાર તરીકે પણ કાર્યરત અશોક ચાવડાની સાહિત્યિક સફર વખતોવખત તમામ સ્તરે એકમસાન પોંખાતી રહી છે.
સામાજિક ક્ષેત્રે એમનાં પ્રદાનને ધ્યાનમાં રાખીને એમના વતનમાં 'ડૉ. અશોક ચાવડા બેદિલ' માર્ગ જાહેર થયો છે.
ડો. અશોક ચાવડાની ગઝલ 'દીકરી' ધોરણ-૧૦ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં છે.
એમનાં સાહિત્ય પર એમ.ફિલ અને પીએચ.ડી. કક્ષાનાં સંશોધનો પણ થયા છે. જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળની અનેક પરીક્ષાઓમાં એમના વિશેના પ્રશ્નો પૂછાય છે.
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં ૨૦૦૭-૨૦૦૮ માં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે પણ સેવાઓ આપનાર ડૉ. અશોક ચાવડા રાજ્યની યુનિવર્સિટી સેવાઓમાં ૨૦૦૮થી સક્રિય રહ્યા છે. તેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.
હાલમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર સાથે નાયબ કુલસચિવ તરીકે સંકળાયેલા ડૉ. અશોક ચાવડા હાલ કાર્યવાહક કુલસચિવ તરીકેની વધારાની જવાબદારી સંભાળે છે. તેમને મુખ્યમંત્રીનાં હસ્તે સાહિત્ય અકાદમીનો એવોર્ડ અર્પણ તથા નગરનાં સાહિત્ય જગત તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં ગૌરવમાં પણ વધારો થતા તેમનાં પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial