Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાને ૧ર૦૦ કરોડના સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદથી ૧૦ નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડીઃ ૮પ હજાર કરોડના પ્રોજેક્ટોના લોકાર્પણ-શિલાન્યાસઃ સંબોધન

અમદાવાદ તા. ૧રઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમનું ૧ર૦૦ કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરવાના પ્રોજેક્ટનો સુભારંભ કરાવ્યો હતો. ૧૦ નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતીઅને રૂા. ૮પ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના ખામુહૂર્ત-શિલાન્યાસ કર્યા હતાં.

અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા ૧ર૦૦ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ નિર્માણ પ્રોજેક્ટ'નો પ્રારંભ કરાવ્યો છે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. ૧૭ જૂન ૧૯૧૭ ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે ૧૩ર એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા ૧૬,૯૭ર જ્યારે મકાનો માટે રૂપિયા ર,૯પ,૧ર૧ નો ખર્ચ થયો હતો.

સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, બાપુની પ્રેરણાનો આપણી અંદર અનુભવ કરી શકીએ. બાપુના મૂલ્યો આજે પણ અનેક લોકોના જીવનમાં સંજીવ છે. ગાંધી આશ્રમના પુનઃવિકાસનું ઉદ્ઘાટન કરવું મારૂ સૌભાગ્ય છે. બાપુના પહેલા આશ્રમ કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યું છે. દ.. આફ્રિકા પછી ગાંધીજીનો પહેલો આશ્રમ કોચરબ આશ્રમ છે. ગાંધીજી બે વર્ષ સુધી કોચરબ આશ્રમમાં રહ્યા હતાં. તેમજ ગાંધીજી ત્યારપછી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા હતાં. બાપુના ચરણમાં નમન કરૂ છું, શ્રદ્ધાંજલિ આપું છું. આજે ૧ર માર્ચની ઐતિહાસિક તારીખ છે. આજના દિવસે બાપુએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ૧ર માર્ચ ર૦રર એ અમૃત મહોત્સવની અહીંથી શરૂઆત કરી હતી. અમૃત મહોત્સવે દેશમાં જન ભાગીદારીનું વાતાવરણ બનાવ્યું છે. આઝાદી પહેલા દેખાયું હતું એવું વાતાવરણ જોવા મળ્યું છે. દેશમાં ર લાખથી વધારે અમૃત વાટિકાઓનું નિર્માણ થયું છે. ર કરોડથી વધારે વૃક્ષો લગાવી તેના વિકાસની સંભાળ રખાઈ છે. ૭૦ હજારથી વધારે અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. હર ઘર તિરંગા અભિયાન એક ખૂબ સફળ અભિયાન તથા મેરી માટી મેરા દેશથી દેશના બલિદાનીઓને શ્રદ્ધાંજલિ અપાઈ છે. સાબરમતી આશ્રમ વિકસિત ભારતના સંકલ્પનું પણ તિર્થ છે. પોતાની વિરાસત ન સાચવે તે દેશ ભવિષ્ય પણ ગુમાવી દે. આઝાદી પછી આ ધરોહરની સાથે પણ ન્યાય ન થયો. આઝાદી પછી આ આશ્રમ ઘટી ઘટી માત્ર પ એકરમાં રહ્યો છે. આશ્રમમાં ૬૩ માંથી માત્ર ૩૬ મકાનો બચ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, આ વિરાસતને સચાવવી ૧૪૦ કરોડ ભારતીયોની જવાબદારી છે. આશ્રમના રહેનારા પરિવારોનો ખૂબ મોટો સહયોગ છે. આ પરિવારોના સહયોગથી જ આશ્રમની જમીન મળી શકે છે. આશ્રમની ઈમારતોને તેના મૂળ સ્વરૂપે સાચવવાનો પ્રયાસ છે. જરૂર પડે તે જ મકાનોને નવેસરથી બનાવાશે. આ આશ્રમ દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. અગાઉ સરકારોમાં આવી વિરાસતને બચાવવાનો વિચાર નહોતો. અગાઉની સરકારોમાં રાજકીય ઈચ્છાશક્તિ પણ નહોતી. આપણી વિરાસતોને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી. વારાણસીનો સાંસદ છું. વિરાસતોને જોતો આવ્યો છું. અયોધ્યામાં પણ રામમંદિર બનાવ્યું છે. ગુજરાતે હંમેશાં પોતાની વિરાસતો સાચવીને રાખી છે. ગુજરાતે હંમેશાં વિરાસતો સાચવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્મારકોને સાચવીને વિકાસને આગળ વધાર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વોકલ ફોર લોકલ એ ગાંધીજીની સ્વદેશીની ભાવના છે. આત્મનિર્ભર ભારત પણ ગાંધીજીની કલ્પના હતી. ગુજરાતના ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બાપુની પ્રાકૃતિક ખેતીની વિચારધારાને આગળ વધારવા પ્રયાસ છે. ગ્રામીણ મહિલાઓ સ્વનિર્ભર થઈ રહી છે. ગુજરાતમાં પ લાખ મેટ્રિક યુરિયાનો વપરાશ ઘટ્યો છે. ગામ ગરીબનો વિકાસ અમારી સરકારનો મંત્ર છે. અમદાવાદના બાળકો સાબરમતી આશ્રમ આવી સમય વિતાવશે. બાળકો અહીં આવી ઈતિહાસ નજરે જોઈ શકશે. દેશવાસીઓને આ નવા વિકાસ કાર્યને સમર્પિત કરૂ છું. ઘણાં સમયથી આ કામ પાછળ લાગેલો હતો. કોર્ટમાં પણ બહું સમય વીત્યો મારો, તેમજ ત્યારની કેન્દ્ર સરકાર પણ તેમાં અડચણો ઊભી કરતી હતી. ઝડપથી આ કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાશે. મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળશે.

આશ્રમના પુનઃ વિકાસ ઉદ્ધાટન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધી આશ્રમનો પુનઃ વિકાસ થવાનો છે એ ગર્વની વાત છે. ભારતની આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ આ આશ્રમ રહ્યો છે. જન આંદલનના અનેક નિર્ણય આ આશ્રમથી જ લેવાતા હતાં. આઝાદીના સ્વપ્નને સાકાર કરવામાં આશ્રમની ભૂમિકા છે. મૂળ આશ્રમ પ એકરમાં ફેલાયેલો છે. આ આશ્રમને માત્ર ગાંધી મેમોરિયલ નથી બનાવવાનું ગાંધીજીના વિચારોને વિશ્વમાં ફેલાવવાનું માધ્યમ આશ્રમ બનશે. આશ્રમના પુનઃ વિકાસ માટે કેન્દ્ર તરફથી મદદ બદલ આભાર. આશ્રમવાસીઓના અનેક પરિવારો અહીં રહેતા હતા. તેમના સહયોગ વગર આ પુનઃ વિકાસ શકય ન હતો. આશ્રમવાસીઓ અને ટ્રસ્ટીઓના સહયોગ બદલ આભાર.

ગાંધીજીના જીવનમૂલ્યો આધારિત સ્મારક બનાવાશે વિશ્વ સ્તરીય સુવિધાઓથી સ્મારક સજજ હશે તેમજ સ્મારક ગાંધીજીના આદર્શો - યોગદાનને સમજવાનું કેન્દ્ર બનશે અને નવા સ્વરૂપમાં સાબરમતી આશ્રમ ઉભરશે. તેમાં આશ્રમના ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવામાં આવશે. ર૦ જૂની ઈમારતોનું સંરક્ષણ, ૩ ઈમારતનું નિર્માણ કરાશે, ૧૩ ઈમારતોનું પુનઃ સ્થાપન કરવામાં આવશે. વ્યાખ્યાન કેન્દ્ર સોવિનિયર શોપ. ફૂડ કોર્ટ બનાવાશે તેવી માહિતી પણ અપાઈ હતી.

સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું ૧ર૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલોપમેન્ટ કરાશે જેને લઈ પીએમ મોદીએ ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન જોઈ તેનું લોન્ચિંગ કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે ૮પ હજાર કરોડના રેલવે પ્રોજેકટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ પ એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ પપ એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર ૩રર એકરનો છે. આ પહેલા તેમણે ૮પ હજાર કરોડના વિવિધ રેલવે પ્રોજેકટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતાં.

વડાપ્રધાને આ ઉપરાંત ૧૦ નવી વંદે ભારત એકસપ્રેસને લીલીઝંડી બતાવી હતી. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેતાઓ હાજર રહ્યા હતાં. તેમ પોખરણમાં ટ્રાઈ-સર્વિસીસ લાઈવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતના સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુકત પ્રદર્શન ભારત શક્તિના સાક્ષી બન્યા છે.

આજે લીલી ઝંડી બતાવી તે વંદેભારત ટ્રેનોમાં અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસુર, ડો. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ) પટના-લખનઉ, ન્યુ જલપાઈગુડી -પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, ફાલાબુરાગી - સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી- ખજુરાહો - દિલ્હી (નિઝામુદીન) નો સમાવેશ થાય છે. તદ્દપરાંત અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી દોડશે. અજમેર - દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારત ટ્રેન હવે ચંદીગઢ સુધી લંબાવવામાં આવી છે. ગોરખપુર- લખનઉ વંદે ભારત ટ્રેન પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી છે. તિરૂવનંતપુરમ - કાસરગોડ વંદે ભારત ટ્રેનને મેંગલુરુ સુધી લંબાવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh