Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું જ હતું?
નવી દિલ્હી તા ૧૦: ઈન્ડિયા ગઠબંધનમાં હવે ફાટફૂટ સ્પષ્ટપણે દેખાઈ રહી છે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હવે એનડએની ભાષા બોલવા લાગ્યા છે, અને કહી રહ્યા છે કે, જો લોકસભા પૂરતું જ ઈન્ડિયા ગઠબંધન રહ્યું હોય, તો તેને હવે વિખેરી નાંખો અને રાજ્યોમાં પણ આ ગઠબંધન જાળવી રાખવું હોય તો પરસ્પર લડવાનું બંધ કરો તેમણે લોકસભાની ચુંટણી પછી ઈન્ડિયા ગઠબંધનની એક પણ સર્વગ્રાહી બેઠક નહીં બોલાવાઈ તેનો ઉલ્લેખ કરીને આ ગઠબંધનનો નેતા કોણ? તેવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો છે.
દિલ્હીની ચૂંટણી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યા પછી કોંગ્રેસના નેતાઓએ ઈન્ડિયા ગઠબંધન મોદીને હરાવવાના ઉદ્દેશ્યથી લોકસભાની ચૂંટણી પૂરતું જ રચાયું હતું, તે પ્રકારના નિવેદનો કર્યા પછી હવે ઈન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ પણ જ સવાલ ઊઠી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર દિલ્હીમાં ભાજપને લાભ કરાવવાનો આક્ષેપ લગાવી રહી છે, તો કોંગ્રેસ પણ કેજરીવાલને ભ્રષ્ટ, તકવાદી અને ડ્રામેબાજ ગણાવી રહી છે કોંગ્રેસના આ વલણ પછી અખિલેશ યાદવ અને મમતા બેનર્જીએ તો 'આપ'ને ટેકો આપીને કોંગ્રેસનો સાથ છોડી જ દીધો, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન ધરાવતી નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નિવેદનોએ પણ ઈન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા કરી દીધા છે ટૂંકમાં દિલ્હીની ચૂંટણી પછી ઈન્ડિયા ગઠબંધન હવે ધીમે ધીમે વિખેરાઈ રહ્યું છે, તેથી તેનો ફાયદો પ્રાદેશિક પક્ષોને થશે કે કોંગ્રેસને થશે, તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસને સીધો ફાયદો
વિવિધ વિશ્લેષકો ભિન્ન ભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના તારણો એવા નીકળે છે કે ઈન્ડિયા ગઠબંધનનો થોડો-ઘણો ફાયદો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને થયો, પરંતુ વધુ ફાયદો પ્રાદેશિક પક્ષોને થયો છે, કારણ કે પ્રાદેશિક પક્ષો સાથે સીટશેરીંગ દરમિયાન કોંગ્રેસે મોટું મન રાખ્યું હતું, અને ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી. આ કારણે જ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ૯૯ પર અટકી ગઈ હતી જો કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે તો રાજ્યોમાં કોંગ્રેસને જ સીધો ફાયદો થાય, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે.
બદલતા સમિકરણો
લોકસભાની ચૂંટણીઓ પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ થઈ, તેમાં હેમંત સોરેન તો સ્વબળે ટકી ગયા અને કોંગ્રેસ સમર્થિત સરકાર ત્યાં રચાઈ ગઈ, પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણામાં એનડીએનું પલડું ભારે રહ્યું, તેની પાછળ કોંગ્રેસે પ્રાદેશિક પક્ષો સાથે સીટશેરીંગમાં આપેલું બલિદાન જ કારણભૂત હતું અને કોંગ્રેસ એકલા હાથે લડી હોત તો કદાચ ચિત્ર જુદું જ હોત, તેમ ઘણાં રાજકીય પંડિમાને છે. હવે જાગ્યા ત્યાંથી સવારની જેમ કોંગ્રેસે એકલા ચાલવાનું નક્કી કર્યું હોય તો તે યોગ્ય છે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.
બદલતા સમીકરણોના કારણે હવે ઈન્ડિયા ગઠબંધનનું કોઈ ઔચિત્ય રહી ગયું નથી. એટલું જ નહીં, આરજેડી જેવા વફાદાર સાથીદારો પણ જો ગોળ-ગોળ વાતો કરી રહ્યા હોય તો કોંગ્રેસે એક સૌથી જુના રાષ્ટ્રીય મજબૂત પક્ષની શાખ જાળવી રાખવા વધુ મજબૂત બનવું જ પડશે, અને તે માટે દિલ્હીની જેમ અન્ય રાજ્યોમાં પણ એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ. એટલું જ નહીં, પક્ષની અંદર પણ લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ટોપ-ટુ-બોટમ નેતાગીરી નવેસરથી નિશ્ચિત કરવી જોઈએ, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે
કાંખઘોડી વધારવાની રણનીતિ?
તાજેતરમાં શરદ પવાર અને સંજય રાઉતે આરએસએસના વખાણ કર્યા પછી એવી અટકળો તેજ થઈ ગઈ છે કે આ શિવસેના અને શરદ પવારની એનસીપી હવે એનડીએમાં સામેલ થશે. જો એવું થાય તો પણ ઈન્ડિયા ગઠબંધન તો વિખેરાઈ જ જાય, અને કોંગ્રેસ એકલી પડી જાય, એવું મનાય છે કે માત્ર નીતિશકુમાર કે ચંદ્રબાબુ નાયડુના ભરોસે ન રહેવું પડે તે માટે મહારાષ્ટ્રની તર્જ પર એનડીએમાં અન્ય પ્રાદેશિક પક્ષોને (ઈન્ડિયા ગઠબંધન તૂટે તે પછી) એનડીએમાં સમાવીને મોદી સરકારને વધુ મજબૂત બનાવવાની રણનીતિ અપનાવાઈ રહી છે, જેને ટીકાકારો 'કાંખઘોડી વધારવાની રણનીતિ'ગણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial