Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધ વિરામ અને ખનિજ ડીલના મુદ્દે ટ્રમ્પ-ઝેલેન્સકી વચ્ચે તડાફડીઃ અમેરિકા આકરા પાણીએ

ઝેલેન્સકીને ભોજન પણ ન મળ્યું અને વ્હાઈટ હાઉસ છોડવા ફરમાનઃ ૪૫ મિનિટની લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લી ચર્ચાઃ વિશ્વ અચંબિતઃ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ?

વોશિંગ્ટન તા. ૧ઃ ગઈકાલે વ્હાઈટ હાઉસમાં એક લાઈવ પ્રેસકોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પ-ઝલેન્સકી વચ્ચે તડાફડી બોલતા સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. ટ્રમ્પે બેઠક દરમ્યાન ઝેલેન્સકીને આડેહાથ લીધા હતા. લાખો લોકોના જીવન સાથે રમત રમતા હોવાનો અને પ્રીજા વિશ્વયુદ્ધ ભણી દોરી જતાં હોવાનો આરોપ મુકયો હતો. બંને વચ્ચે ૪૫ મિનિટ વાતચીત થઈ, એ દરમ્યાન છેલ્લી ૧૦ મિનિટમાં તું-તું-મેં-મેં થયા પછી ભોજન રખડી પડયું હતું. ઝેલેન્સ્કીને વ્હાઈટ છોડી દેવા આદેશ અપાયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી વચ્ચે કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું.

ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહૃાું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.' 

સુરક્ષા ગેરંટી ન હોવા છતાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી ગઈકાલે આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા પહોંચ્યા અને વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ટ્રમ્પ તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ બંને તેમના મંત્રીમંડળ સાથે પ્રેસ કોન્ફરન્સમાં બેઠા હતા.

આ દરમિયાન, જ્યારે એક પત્રકારે યુક્રેનની સુરક્ષા વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે ટ્રમ્પે આ મુદ્દા પર વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ઝલેન્સકીને ઉદેશીને જણાવ્યું હતુ કે, 'હું હમણાં સુરક્ષા વિશે વાત કરવા માંગતો નથી. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે સોદો પૂર્ણ થાય. તમે પણ એ જ જાળમાં ફસાયેલા છો જ્યાં બધા ફસાયેલા છે. તમે પણ આ લાખ વાર કહૃાું છે. હું ફક્ત સોદો પૂર્ણ કરવા માંગુ છું. સુરક્ષા ખૂબ જ સરળ છે. આ સમસ્યાનો ફક્ત બે ટકા ભાગ છે. મને સુરક્ષાની ચિંતા નથી.'

યુક્રેનની સુરક્ષાના પ્રશ્ન પર ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, 'યુરોપ તેના લોકોને ત્યાં મોકલશે. હું જાણું છું કે ફ્રાન્સ, બ્રિટન અને અન્ય દેશો છે જે યુક્રેનને સુરક્ષા પૂરી પાડશે. અમે સુરક્ષા માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ અમે તેના વિશે વિચારી શકીએ છીએ. અમારી સુરક્ષા અન્ય રીતે પૂરી પાડવામાં આવશે. અમારા શ્રમિકો ત્યાં હશે, તેઓ ખોદકામ કરશે અને ખનિજો બહાર લાવશે, અને અમે અહીં આ દેશમાં કેટલાક મહાન ઉત્પાદનો બનાવીશું.'

ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહૃાું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.

તે પછી શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્હલાદિમિર જેલેંસ્ન્કીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથેની દલીલ બાદ જેલેંસ્કીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું હતું. આ બેઠકના મુદ્દાઓ એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથેના ખનિજ સોદા પર કોઈ સહમતિ થઈ શકી નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિને ખૂબ જ ખરાબ વાતાવરણમાં વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. તેને ખાવાનું પણ મળી શકતું ન હતું. આ ઘટનાક્રમથી અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થયો છે. યુક્રેનને અમેરિકા તરફથી મળતી સહાય અંગે હવે અનિશ્ચિતતા છે.

ટ્રમ્પે તેમના સલાહકારો સાથે વાત કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ, યુક્રેનિયન પ્રતિનિધિમંડળ લગભગ એક કલાક સુધી બીજા રૃમમાં રાહ જોતું રહૃાું. યુક્રેનિયન પ્રતિનિધિમંડળને આશા હતી કે ખનિજ કરાર પર હસ્તાક્ષર થશે અને મુલાકાત નિષ્ફળ જવાથી બચી જશે પરંતુ એવું થયું નહીં. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝે જેલેંસ્કીને વ્હાઇટ હાઉસ છોડવા કહૃાું. આવી સ્થિતિમાં, ઝેલેન્સકીને ત્યાંથી ખાલી હાથે જવાની ફરજ પડી.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલન્સ્કીએ ટ્વિટર પર લખ્યુ તે પછી આભાર અમેરિકા, તમારા સમર્થન બદલ આભારા મુલાકાત બદલ આભાર. રાષ્ટ્રપતિ, કોંગ્રેસ અને અમેરિકન લોકોનો આભાર. યુક્રેનને ન્યાયી અને કાયમી શાંતિની જરૃર છે અને અમે તે જ દિશામાં કામ કરી રહ્યા છીએ.

ટ્રમ્પ સાથે તડાફડી પછી પણ યુક્રેન મક્કમ !

મેં કંઈ ખોટું કર્યું નથી, હું માફી નહીં માંગુઃ ઝેલેન્સ્કી

વોશિંગ્ટન તા. ૧ઃ શુક્રવારે વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલા મોટા મુકાબલા પછી, ઝેલેન્સકીએ ટ્રમ્પની માફી માંગવાનો ઇનકાર કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માંગશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, ના, હું રાષ્ટ્રપતિનો આદર કરું છું. હું અમેરિકાના લોકોનો પણ આદર કરું છું. મને નથી લાગતું કે આપણે કંઈ ખોટું કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh