Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આહિર સમાજના સમૂહલગ્નોત્સવ સંપન્નઃ ત્રેવીસ યુગલે પ્રભુતામાં પગલા માંડયા

૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓનો કરિયાવર અપાયોઃ

જામનગર તા. ૨૦: જામનગરમાં આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં આહિર સમાજના અગ્રણીઓની હાજરીમાં ૨૩ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતાં. કન્યાઓને ૪૫થી વધુ જીવનજરૂરી વસ્તુઓનો કરિયાવર કરાયો હતો. શાસ્ત્રોકત વિધિથી એક જ પરિસરમાં ૨૩ નવ દંપતીઓએ સપ્તપદીના ફેરા ફર્યા હતાં.

જામનગર આહિર સમાજ દ્વારા જામનગરમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું,  સામાજિક ઉત્થાનના ભાગરૂપે વ્યસન મુક્તિના સંદેશ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૩ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. આહિર સમાજના અગ્રણીઓએ સમાજના ઉત્થાન માટે આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિમાં વધુને વધુ જોડાવવા અપીલ કરી હતી.

કન્યાઓને વિવિધ જીવનજરૂરી ૪૫થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરરૂપે આપવામાં આવી હતી. બપોરે ભોજન સમારંભ બાદ તમામ જાનને એક સાથે વિદાય કરવામાં આવી હતી. જામનગરમાં સત્યમ કોલોનીમાં આવેલ મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં આહિર સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો, સતત આઠ વર્ષમાં વર્ષે આહિર સમાજ જામનગર દ્વારા કરવામાં આવેલ ભવ્ય આયોજનમાં હાલારના બંને જિલ્લાના ૨૩ નવ દંપતીઓ જોડાયા હતા. ભવ્ય મંડપમાં તમામ જાનને એક જ પરિસરમાં સમાવી લેવામાં આવી હતી. સવારે આઠ વાગ્યે તમામ જાન આવી પહોંચી હતી અને શાસ્ત્રોક્ત વિધિથી જાનના ઓવારણા લઇ મંડપમાં લઇ જવામાં આવી હતી. જ્યાં હસ્ત મેળાપથી માંડી સપ્તપદીના ફેરા સુધી તમામ વિધિઓ ભૂદેવો દ્વારા કરાવવામાં આવી હતી. આહિર સમાજના અગ્રણી ભાઈઓ-બહેનોએ એક એક જાન મંડપમાં જઈ નવ દંપતીઓને ભગવદ્ ગીતાજી અર્પણ કર્યા હતા. મંડપની મધ્યે બનાવવામાં આવેલ વિશાળ સ્ટેજ પરથી આહિર સમાજના હાજર અગ્રણીઓએ સમાજ ઉત્થાન માટે સમૂહ લગ્નમાં જોડાયેલ નવ દંપતીઓના વાલીઓને વધાવી લીધા હતા. સાથે સાથે સમાજના વિકાસ માટે આગામી કરવામાં આવનારી પ્રવૃત્તિઓ અંગે પણ ચિતાર આપવામાં આવ્યો હતો. તમામ કન્યાઓને આ વખતે ૪૫થી વધુ જીવન ઉપયોગી ચીજવસ્તુઓનો કરિયાવર કરવામાં આવ્યો હતો.

વ્યસન મુક્ત સમાજ ઉત્થાનની દિશામાં સમાજની નેમ સાથે યોજાયેલ કાર્યક્રમના સમગ્ર આયોજન માટેના આર્થિક ખર્ચને પહોચી વળવા આહિર સમાજના દાનવીરોએ ઉદાર હાથ ફાળો આપી પ્રસંગને ભવ્ય રીતે પૂર્ણ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આ મહાઆયોજન માટે મંડપ પરિસર બહાર વિશાળ ગ્રાઉન્ડમાં વાહન પાર્કિંગ, પાણી અને મોબાઈલ વોસરૂૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ મંડપમાં જ ચા-પાણીની વ્યવસ્થા યુવાનોએ સંભાળી હતી. સપ્તપદીના ફેરા બાદ સત્યમ કોલોની આહિર સમાજમાં ભોજન વ્યવસ્થા રાખેલ હતી.

આહિર સમાજની યુવા પાંખ દ્વારા ભાઈઓ અને બહેનો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરી સુંદર આયોજન કર્યું હતું. ભોજન સમારંભ બાદ બપોરે દોઢથી બે વાગ્યા દરમિયાન તમામ જાનને વિદાય કરવામાં આવી હતી. સફળતાપૂર્વક પૂર્ણ થયેલ સમૂહ લગ્નોત્સવ બાદ આહિર સમાજના અગ્રણીયોએ આવતા વર્ષે પણ આ ઉમદા કાર્યને આગળ ધપાવવા વાયદો કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh