Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તહેવારો ટાણે મેઘવૃષ્ટિ શરૂ થતા ઉજવણીની મજા બગડીઃ કેટલાક માર્ગો બંધઃ જનજીવન પ્રભાવિતઃ
અમદાવાદ તા. ર૪: ગુજરાતમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થઈ છે, અને મહેસાણાના વિજાપુરમાં ૮ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છ. તે ઉપરાંત અમદાવાદમાં આજે પણ વરસાદ પડી રહ્યો છે, જ્યારે સુરત, નરોડા, વિસનગર, દહેગામ સહિત ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હોવાના વાવડ છે.
ગુજરાતમાં ફરી એકવાર વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, અને ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૮ ઈચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મહેસાણાના વિસનગર શહેરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. વહેલી સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં એટલે માત્ર બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો, જેને લીધે શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતાં. કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતાં, જેને લીધે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં વરસાદે અનેક વિસ્તારને જળમગ્ન કરી દીધા છે. ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી માણસા એપીએમસી નજીક પાણી ભરાયા છે. મહેસાણાના વિજાુપરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી વિજાપુરના અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે. વિસનગર, વિજાપુરમાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ટીબી રોડ અને બોમ્બે સોસાયટી સહિત ભાંડુ, વાલમમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે. હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે ગઈકાલે પણ દહેગામમાં વરસાદ પડતા પાણી દુકાનમાં ઘૂસી ગયા હતાં. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે. દહેગામમાં સામાન્ય વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નગરપાલિકાનો પ્રિ-મોન્સુન પ્લાન પણ ધોવાઈ ગયો છે, ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને તેમનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને કોઈ ધારાસભ્ય પણ આવ્યું નથી. વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ છે જેના કારણે અમુક વિસ્તારોમાં દુર્ગંધ પણ મારી રહી છે.
અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા સતત વરસી રહ્યા છે. વરસાદી પાણી ભરાતા ગોતા સ્મશાન સામે નદી જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મીઠાખળી અન્ડર પાસ બંધ કરવામાં આવ્યો છે. સરદારનગર, પાંજરાપોળ ચાર રસ્તા નજીક ઘૂંટણસમા પાણી ભરાયા છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર હાઈ-વે, મલેકપુર સહિતના વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે અરવલ્લીમાં જળાશયોમાં પાણીની આવક વધતા જળસ્તર સતત વધી રહ્યું છે. વાત્રકમાં ૪૪૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. મેશ્વોમાં ૩૪૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. માજૂમમાં પણ રર૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. અરવલ્લીના ઈટાડીમાં અનેક વિસ્તાર જળરમગ્ન થતા ઈટાડી ગામમાં સ્થાનિકોને હાલાકી વધી છે. નિચાણવાળા વિસ્તારોના રહેણાંક મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી મેઘરાજાએ ધરાને ધરવી દીધી. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાવી જેતપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા, યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટીંગથી શ્રદ્ધાળુની મુશ્કેલી વધી છે. ડાકોરમાં મંદિર બહાર પાણી ભરાતા શ્રદ્ધાળુઓની હાલાકી વધી છે. કાલસર, સુઈ, આગરવા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે મંદિર બહાર પાર્ક કરેલા ટુ વ્હીલરો પણ અડધા પાણીમાં ગળકાવ થઈ ગયા છે. વરસાદના કારણે મુશ્કેલી સર્જાતા ડાકોર નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર પણ સવાલો ઊઠી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલે જમવાટ કરી છે. અહીં વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. પાટણ જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. રૂની, કમલીવાડા સહિતના ગામોમાં વરસાદે ધરાને ધરવી દીધી છે. અહીં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અહીં ખલીપુર, કૃણઘેર, સિદ્ધપુર, બીલિયા, નાગવાસણ, કલ્યાણા, કાકોશી સહિતના ગામોમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે.
સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉમરપાડામાં ર કલાકમાં પોણાત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. ઉમરપાડા તાલુકા સહિત ઓલપાડ તાલુકામાં ર ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડા તાલુકાના નદી-નાળામાં પાણીની આવક વધતા ખેડૂતો ખૂશ ખૂશાલ જોવા મળી રહ્યા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ અને માંડવીના કાકરાપારનો ડેમ પણ ઓવરફ્લો થતાં નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે છ જેટલા સ્ટેટ હાઈ-વે બંધ
અમદાવાદ તા. ર૪: રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં વાહનો જઈ શકે તેમ ન હોઈ સ્ટેટ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ૬ જેટલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના આણંદ, નર્મદા, સુરતમાં સ્ટેટ હાઈવે બંધ છે. તેમજ રાજકોટ, મોરબી, ભરૂચ, બરોડામાં અન્ય ર માર્ગો બંધ જોવા મળી રહ્યા છે. તેમજ અમદાવાદ અને કચ્છમાં ૧-૧ માર્ગ બંધ છે. છોટાઉદેપુરમાં ૧૧, નર્મદા ૪, પંચમહાલમાં ૧, દાહોદ ૧, નવસારી ૧, વલસાડ ૧ માર્ગ બંધ છે. મોરબી ૧, જામનગર ર, દ્વારકામાં ર માર્ગ બંધ છે. ભાવનગરમાં ૧, અમરેલીમાં ૧, જુનાગઢમાં ર માર્ગ બંધ છે. પોરબંદરમાં ૬ માર્ગ બંધ થયા છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ ૬૬૦૪ ગામડાઓમાં વીજળી ડૂલ
રાજ્યમાં ભારે વરસાદને લઈને ૩૩ જગ્યાએ વીજફીડર બંધ થઈ ગયેલ. ૮૪ જેટલા વીજપોલ વરસાદને લઈ જમીનદોસ્ત થયા હતાં. જેને લઈને ૬૬૦૪ ગામડાઓમાં લાઈટ ડૂલ થઈ ગઈ હતી. જેને લઈને વીજ વિભાગ દ્વારા ભારે જહેમતથી દોઢ કલાક બાદ વીજ પુરવઠો યથાવત કરાયો હતો. હજુ સુધી છોટાઉદેપુરના ત્રણ ગામડાઓમાં લાઈટ ડૂલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial