Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પે. ટ્રેનો-બસો, સફાઈ, ટ્રાફિક, સુરક્ષા બંદોબસ્ત સાથે તડામાર તૈયારીઓ શરૃઃ લાખો દર્શનાર્થીઓ ઉમટશેઃ
દ્વારકા તા. ર૪: સોમવારે શ્રીકૃષ્ણના પરપ૧માં જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવવા યાત્રાધામ દ્વારકામાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ભાવિકોમાં પણ થનગનાથ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ર૬ ઓગષ્ટને સોમવારના ભગવાન શ્રીકૃષ્ણના પરપ૧માં જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવીકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામમાં પધારે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રાીકોના ઘસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેઈન પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોક્કસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.
જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે.
રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. ર૬મીએ રાત્રે ૮ કલાકથી પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ ર૦ર૪ નામનો સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંત ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને પણ યાત્રીકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા શહેરમાં બિમારી ફેલાવતા માખી-મચ્છરના ઉપદ્ર દૂર કરવા દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત નગરપાલિકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ, રેસ્ટોરાં, ખાણી-પીણીની દુકાનો, લારીઓનું ચેકીંગ હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત યાત્રીકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે.
યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રિકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સુચના અને માર્ગદર્શનથી ઠેર-ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે જ્યાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતા પૂર્ણ કામગીરી દાખવી રહ્યા છે.
જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગાે તેમજ જગતમંદીરની સુરક્ષા કાજે અધિકારીગણના માર્ગદર્શનમાં આશરે ૧ર૦૦ જેટલા જવાનો ફરજ પર રહેનાર છે. એસ.પી. નિતેશકુમાર પાંડેયના માર્દર્શનમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી તથા ડીવાયએસપી સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ, ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં જેની અસર ભાવિકોના ઘસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાહ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલ માલિકો તથા વેપારીવર્ગ રાખી રહ્યા છે.
દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ-દ્વારકા, ગોપી તાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial