Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં યોગી સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, કેજરીવાલ બીજા સ્થાનેઃ ભૂપેન્દ્ર પટેલને ૪૬ ટકા લોકોનું સમર્થન

મૂડ ઓફ ધ નેશનના સર્વે મુજબ

લખનૌ તા. ર૪: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી દેશના સૌથી લોકપ્રિય સીએમ બન્યા છે. કેજરીવાલ બીજા સ્થાને અને મમતા ત્રીજા સ્થાને રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ૪૬ ટકા લોકોનું સમર્થન મળ્યું છે. મૂડ ઓફ ધ નેશન સર્વે દર્શાવે છે કે કેટલાક મુખ્યમંત્રીઓએ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે, તો કેટલાકે જનસમર્થન ગુમાવ્યું છે.

હિન્દી ન્યૂઝ ચેનલ દ્વારા મૂડ ઓફ ધ નેશનના સર્વેમાં દેશભરના ૩૦ રાજ્યોના લોકોને પૂછવામાં આવ્યું કે તેઓ કોને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી માને છે. આ સર્વેના પરિણામો સામે આવ્યા છે. આ સર્વેમાં લોકોના અભિપ્રાયમાંથી કેટલીક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. મૂડ ઓફ ધ નેશન સર્વે મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ટોચ પર છે. સર્વેના આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ ર૦ર૪ માં ૩૩.ર ટકા લોકોએ તેમને શ્રેષ્ઠ મુખ્યમંત્રી માન્યા હતાં, જો કે આ વર્ષે ફેબ્રુઆરી ર૦ર૪ માં તેમનું સમર્થન ૪૬.૩ ટકા હતું. ઓગસ્ટ ર૦ર૩ માં થયેલા સર્વેમાં ૪૩ ટકા ટકા લોકોએ યોગીને સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા હતાં.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજુ સ્થાન મેળવ્યું છે, પરંતુ તેમનું સમર્થન પહેલા કરતા ઓછું થયું છે. ઓગસ્ટ ર૦ર૪ મા ૧૩.૮ ટકા લોકોએ તેમને શ્રેષ્ઠ મુખ્યપ્રધાન માન્યા, જ્યારે ફેબ્રુઆરી ર૦ર૪ માં ૧૯.૬ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં ૧૯.૧ ટકા લોકોએ તેમનું સમર્થન કર્યું. આ યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા સ્થાને છે. કોલકાતાની ઘટના પછી પણ તેની લોકપ્રિયતાનો ગ્રાફ પહેલાની સરખામણીમાં વધ્યો છે. ઓગસ્ટ ર૦ર૪ માં ૯.૧ ટકા લોકોએ તેમને ટેકો આપ્યો, જે અગાઉના સર્વે (ફેબ્રુઆરી ર૦ર૪-૮.૪ ટકા) કરતા થોડો વધારો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને ૪.૭ ટકા લોકોનું સમર્થન મળ્યું, જે ફેબ્રુઆરી ર૦ર૪ માં પ.પ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં પ.૬ ટકા કરતા ઓછું છે. તેવી જ રીતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને ૪.૬ ટકા લોકોનું સમર્થન મળ્યું છે. તમને જણાવી દઈએ કે તેમને પહેલીવાર આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતાં. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન પણ વધ્યું છે. ઓગસ્ટ ર૦ર૪ માં ૩.૧ ટકા લોકોએ તેમને સમર્થન આપ્યું, જે ફેબ્રુઆરી ર૦ર૪ માં ૧.૯ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં ૧ ટકા હતું.

કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી, અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને પણ થોડો ટેકો મળ્યો હતો, પરંતુ તેઓ ટોચના સ્થાને પહોંચી શક્યા નથી.

મૂડ ઓફ ધ નેશન સર્વે પરથી સ્પષ્ટપણે જોવા મળે છે કે સમયની સાથે જનતાની પ્રાથિક્તાઓ અને પસંદગીઓ બદલાઈ છે. જ્યાં એક તરફ કેટલાક મુખ્યમંત્રીઓ પોતાના પ્રદર્શનથી લોકોના દિલ જીતી રહ્યા છે, તો બીજી તરફ કેટલાકને સમર્થનના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક રાજ્યના લોકોને એમ પણ પૂછવામાં આવ્યું કે તેઓ તેમના મુખ્યમંત્રીના કામથી કેટલા સંતુષ્ટ છે. આ સર્વે અનુસાર સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ તેમના રાજ્યમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યા છે. ઓગસ્ટ ર૦ર૪ માં પપ.૭ ટકા લોકોએ તેમની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે ફેબ્રુઆરી ર૦ર૪ માં આ આંકડો ર૬ ટકા હતો અને ઓગસ્ટ ર૦ર૩ માં તે ૩ર.પ ટકા હતો. આ એક મોટો ઉછાળો છે, જે તેમના કામની વધતી જતી સ્વીકૃતિ દર્શાવે છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ યાદીમાં પોતાના રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે પોતાની ઓળખ બનાવી છે. ઓગસ્ટ ર૦ર૪ માં પ૦.૮ ટકા લોકોએ તેમના કામથી સંતોષ વ્યક્ત કર્યો, જે ફેબ્રુઆરી ર૦ર૪ માં ૪૮.૬ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં ૪૯.ર ટકા હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ૪૬ ટકા લોકોનું સમર્થન મળ્યું છે, જો કે તેમના સમર્થનમાં  ઘટાડો થયો છે, કારણ કે ફેબ્રુઆરી ર૦ર૪ માં આ આંકડો ૪ર.૬ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં પપ.૩ ટકા હતો.

ભૂપેન્દ્રભાઈ પટેલથી વિપરીત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની સ્થિતિમાં સુધારો કર્યો છે. ઓગસ્ટ ર૦ર૪ માં ૪પ.પ ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતાં, જ્યારે ફેબ્રુઆરી ર૦ર૪ માં આ આંકડો ૩ર.૮ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં ૩ર ટકા હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને ૪૪.૪ ટકા લોકોનું સમર્થન રહ્યું છે. આ સર્વેમાં નાયડુને પહેલીવાર સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સપોર્ટ ગ્રાફ ૪૪.૪ ટકા રહ્યો, જે ફેબ્રુઆરી ર૦ર૪ માં ૩૬.પ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં પ૭.૭ ટકા હતો. તેના સમર્થનમાં પણ ઘટાડો થયો છે. અરૂણાચલપ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુને ૪૦.૬ ટકા લોકોએ ટેકો આપ્યો હતો, જ્યારે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ. સ્ટાલિનને ૩૯.૯ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું સમર્થન ઘટીને ૩૮.૯ ટકા થઈ ગયું છે. યોગી માટે આ આંકડો ફેબ્રુઆરી ર૦ર૪ માં પ૧.૩ ટકા અને ઓગસ્ટ ર૦ર૩ માં ૪૬.૯ ટકા હતો, જ્યારે ત્રિપુરાના મુખ્યપ્રધાન ડો. માણિક સાહાને ૩૮.૪ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું, જે ફેબ્રુઆરી ર૦ર૪ ની સરખામણીમાં ઘટ્યું છે. આ સર્વેથી સ્પષ્ટ થાય છે કે તેમના મુખ્યમંત્રીની કામગીરીને લઈને રાજ્યના લોકોનો અભિપ્રાય સતત બદલાઈ રહ્યો છે. સિક્કિમ અને આસામ જેવા રાજ્યોમાં મુખ્યપ્રધાનોએ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે, જ્યારે ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવા મોટા રાજ્યોમાં મુખ્યપ્રધાનોને તેમના સમર્થનમાં ઘટાડો થયો છે.

આ સર્વે ભારતીય રાજનીતિમાં જનતાના બદલાતા મૂડનું એક મહત્ત્વપૂર્ણ સૂચક છે, જે જણાવે છે કે ક્યા મુખ્યમંત્રીનું કામ તેમના રાજ્યના લોકોને સૌથી વધુ પસંદ આવી રહ્યું છે. આવનારા સમયમાં આ મુખ્યમંત્રીઓ પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે કે પછી કોઈ નવો ચહેરો આ યાદીમાં પોતાનું સ્થાન બનાવશે. મૂડ ઓફ ધ નેશન સર્વે ૧પ જુલાઈથી ૧૦ ઓગસ્ટ, ર૦ર૪ વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૧,૩૬,૪૩૬ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતાં. આ સર્વે દેશભરના પ૪૩ લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેના દ્વારા લોકોના વિચાર અને અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સર્વે દેશની વર્તમાન પરિસ્થિતિ પર લોકોના વિચારને આગળ લાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh