Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સ્ટોક માર્કેટ બન્યું વિશ્વનું ચોથું શેરબજાર

શેરબજારમાં ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ

મુંબઈ તા.૨૩ઃ ભારતીય સ્ટોક માર્કેટ વિશ્વનું ચોથું શેરમાર્કેટ બની ગયું છે. ત્યારે આજે પ્રારંભિક ઉછાળા પછી શેરબજારમાં ઉતાર-ચઢાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ભારતીય શેરબજાર પ ડિસેમ્બરે પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. જેમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ બે ટ્રિલિયન ડોલર ભારતમાં ઉમેરાયા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. આ ઉપરાંત આર્થિક સુધારાએ પણ ભારતને વિશ્વભરના રોકાણકારોનું પ્રિય બનાવ્યું છે. હાલમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે જેનું મૂલ્ય પ૦.૮૬ ટ્રિલિયન ડોલર છે. ચીન ૮.૪૪ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જાપાન ૬.૩૬ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ગયા વર્ષે ભારતીય શેરોમાં ઘણી વૃદ્ધિ જોવા મળી હતી.

નિષ્ણાંતોનું કહેવું છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરે તેવી ધારણા છે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે અને ભારતીય શેરબજારમાં તેજી આવશે. રોકાણકારો ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં ઘોષણાઓની રાહ જોઈ રહ્યા છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને કારણે રોકાણકારોનો વિશ્વાસ પણ વધ્યો છે. જો ભાજપની આગેવાની હેઠળની એનડીએ સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણી જીતે છે, તો તેનાથી દેશના અર્થતંત્રને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

ગયા વર્ષે સતત આઠમાં વર્ષે ભારતીય ઈક્વિટી માર્કેટમાં વધારો થયો હતો. બીજી તરફ હોંગકોંગના હેંગસેંગમાં સતત ચોથા વર્ષે ઘટાડો નોંધાયો છે. જ્યારે ચીનના શાંધાઈ સ્ટોક એક્સચેન્જમાં પણ સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.

ચીનને આર્થિક મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જેની અસર હોંગકોંગ પર પણ પડી રહી છે. ચીનની કંપનીઓમાં રોકાણ ઘટાડવા માટે અમેરિકન રોકાણકારો પર ભારે દબાણ છે. વૈશ્વિક રોકાણકારોને આશા હતી કે કોરોના સંબંધિત નિયંત્રણો હટાવ્યા બાદ ચીનની અર્થવ્યવસ્થામાં તેજી આવશે, પરંતુ એવું થયું નહીં, ચીનની રિયલ એસ્ટેટ ભારે મુશ્કેલીમાં છે જ્યારે લોકો પૈસા ખર્ચવાનું ટાળી રહ્યા છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શેરબજારની શરૃઆત આજે શુભ રહી હતી. બીએસઈ સેનસેક્સ ૪૪૪ પોઈન્ટના બમ્પર વધારા સાથે ૭૧૮૬૮ના સ્તર પર ખૂલ્યો હતો.  તો બીજી તરફ નિફટીએ ૧૪૪ પોઈન્ટના વધારા સાથે આજના કારોબારની શરૃઆત કરી હતી. પરંતુ, ઈન્ટ્રાડે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. અને બપોરે સેન્સેક્સમાં પીછેહઠ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોઈ શનિવારે શેરબજાર ચાલુ રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh