Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે લીડર ઓફ ઓપોઝીશન એટલે કે એલઓપી તરીકે કોંગી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું અને એવી સટાસટી બોલાવી કે ઈન્ડિયા ગઠબંધન ગેલમાં આવી ગયું, તો એનડીએના નેતાઓ તમતમી ઊઠ્યા. તેમણે તેઓ ગુજરાતમાં પણ ભાજપને હરાવવા જઈ રહ્યા છે, તેવી ભવિષ્યવાણી પણ કરી અને સમગ્ર પ્રવચન દરમિયાન ફૂલ કોન્ફીડન્સ તથા જુસ્સામાં જણાયા... તે પછી છેક મધ્યરાત્રિ સુધી ચાલેલી લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહમાં એક્તા દર્શાવી અને મોદી સરકાર પર એવા તીખા-તમતમતા પ્રહારો કર્યા કે ટ્રેઝરી બેન્ચ હચમચી ગઈ. લાંબા સમયે સંસદમાં મોદી સરકાર બેકફૂટ પર હોય, તેવા દૃશ્યો સર્જાયા.
રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જે પ્રથમ પ્રવચન આપ્યું, તેનું જ વિશ્લેષણ ચોતરફ થઈ રહ્યું છે. તેમણે જે રીતે સીધેસીધા વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ અને આરએસએસ-બીજેપીને સાંકળીને શાબ્દિક પ્રહારો કર્યા, તેની કલ્પના કદાચ વિપક્ષી નેતાઓએ પણ નહીં કરી હોય, જો કે કેટલાક મુદ્દે તેમની રજૂઆત સામે ખુદ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી શિવરાજસિંહ, રક્ષામંત્રી રાજનાથસિંહ તથા સંસદીય મંત્રી રિજિજુ સહિતના મંત્રીઓએ 'કરેક્શન' કરવા ઊભું થવું પડ્યું, તો એનડીએના કેટલાક સાંસદોએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઊઠાવ્યા, જેથી કેટલાક મુદ્દે તથ્યાત્મક અજ્ઞાનતા પણ દેખાઈ, પરંતુ પહેલા જ પ્રવચનમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો, તેને કોંગ્રેસ અને વિપક્ષો રાહુલ ગાંધીની રાજકીય સિદ્ધિ તથા આક્રમક ઓપનીંગ બેટીંગ ગણાવીને ગૌરવ લઈ રહ્યા છે!
ટૂંકમાં એવું કહી શકાય ખરૃં કે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 'મોદી સામે કોણ'ની વિટંબણા ખતમ થઈ ગઈ છે, અને હવે મોદી સામે રાહુલ ગાંધીને વડાપ્રધાનપદના ચહેરા તરીકે રજૂ કરી શકાય તેવી સંભાવનાઓ વધી રહી છે?
જો કે, રાહુલ ગાંધીએ ગઈકાલે પોતાના ભાષણમાં ''પોતાને હિન્દુ કહેનારા હિંસક હોય છે,'' તેવું નિવેદન કરીને સેઈફ ગોલ કરી લીધો હતો, જેની સામે દેશભરમાં મીડિયા, સોશિયલ મીડિયા અને અખબારોમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયામાં તેમનો ટ્રોલ થઈ રહ્યા છે. આવું કરીને તેમણે એલઓપી તરીકે અપરિપક્વતાના દર્શન કરાવ્યા છે.
જોકે રાહુલ ગાંધીએ પછીથી ચોખવટ કરી હતી કે તેમણે સંઘ અને બીજેપી માટે આ શબ્દો વાપર્યા હતાં, પરંતુ તેમનું નિવેદન આજે દેશવ્યાપી ચર્ચાનો મુદ્દો બન્યું છે અને ટોક ઓફ ધ નેશન બન્યો છે.
સંસદમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડે, હોદ્દાને અનુરૃપ વર્તવું અને બોલવું પડે અને જે કાંઈ બોલવામાં આવે, તે પૂરવાર કરવા જરૃરી પ્રમાણો આપવા પડે, તે અંગે થોડી પરિપકવતા આવી જાય, પછી રાહુલ ગાંધી હકીકતે ભાવિ વડાપ્રધાન બની શકે તેવી ક્ષમતા પ્રાપ્ત કરી લેશે, તેવું ઈન્ડિયા ગઠબંધનની થિન્ક ટેન્ક માને છે. બસ, બોલવામાં થોડું સંભાળવું પડશે, અન્યથા ગઈકાલે જે વિવાદ થયો અને સમગ્ર હિન્દુ સમાજના અપમાનનો આક્ષેપ થયો, તેવો કોઈ એકાદ મુદ્દો પણ સેઈફ ગોલ બનીને મોટું રાજકીય નુક્સાન પહોંચાડી શકે છે. સંસદમાં લીડર ઓફ ઓપોઝિશન તરીકેની ગંભીરતા, સચોટતા અને નિયમબદ્ધતા પણ કેળવવી પડશે, જો કે એલઓપી (લીડર ઓફ ઓપોઝિશન) તરીકે તેમનું લોકસભામાં આ પહેલું જ પ્રવચન હતું અને તેમાં જ તેમણે શાસક પક્ષને ટોપ ટુ બોટમ હચમચાવી દીધો, તેમાં કોઈ સંદેહ નથી અને થોડી પરિપકવતા પછી રાહુલ ગાંધીની મજાક ઉડાવતા રહેતા કેટલાક ઘમંડી નેતાઓ પણ તેમને ગંભીરતાથી લેતા થઈ જશે, ખરૃં ને?
રાહુલ ગાંધી પછી શાસક પક્ષ અને વિપક્ષના ઘણાંબધા નેતાઓ સંસદમાં બોલ્યા અને સરકારની ખૂબીઓ અને સિદ્ધિઓ તથા ખામીઓ અને નિષ્ફળતાના વિવરણો ગૂંજતા રહ્યા, પરંતુ કેટલાક પીઢ અને અનુભવી નેતાઓએ સંસદની ગરિમાને શોભે તેવી રીતે સચોટ, તથ્યાત્મક અને ઉપયોગી હકીકતો પણ રજૂ કરી.
કોંગી નેતા મનિષ તિવારીએ કહ્યું કે, મોદી સરકારે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટમાં સુધારા-વધારા કરીને તેને અમલમાં તો મૂકી દીધા, પરંતુ હવે જુના કાયદાઓ તથા નવા કાયદાઓનું મિશ્રણ ન્યાયિક પ્રક્રિયામાં અડચણો અને દ્વિધા ઊભી કરવાનું છે, કારણ કે અદાલતોમાં પેન્ડીંગ લાખો ક્રિમિનલ કેસો જુના કાયદા મુજબ ચાલશે, અને પહેલી જુલાઈ-ર૦ર૪ કે તે પછી નોંધાયેલા કેસો નવા ક્રિમિનલ કાયદાઓ મુજબ ચાલશે. આ કારણે જ્યુડિશ્યરી અને વકીલો જ નહીં, પરંતુ પક્ષકારો, સાક્ષ્યો અને સરકારી તંત્રો પણ ગુંચવણમાં પડી જશે.
તૃણમુલ કોંગ્રેસની મહિલા નેતા મહુઆ મોઈત્રાએ કહ્યું કે, 'મને ગૃહમાં બોલવા ન દીધી, પરંતુ મને બેસાડી દેવાના ચક્કરમાં ભાજપના ૬૩ સાંસદોને ઘેર બેસી જવું પડ્યું અને તેઓ ૩૦૩ થી ર૪૦ પર આવી ગયા!'
વિપક્ષના કેટલાક સાંસદોએ 'નીટ'ના મુદ્દે સરકારની આલોચના કરી, તો કેટલાકે અગ્નિવીર, મોંઘવારી, પેપરલીક, અર્થનીતિ, બેરોજગારી જેવા મુદ્દા ઊઠાવ્યા, કેટલાક સાંસદોએ આંકડાકીય વિગતો સહિત જનહિતના મુદ્દાઓ ઊઠાવી સરકારની નિષ્ફળતાઓ વર્ણવી, પરંતુ મોટાભાગની ચર્ચા પોલિટિકલ તથા ભાવનાત્મક મુદ્દાઓ પર જ થતી જણાઈ.
રાહુલ સહિત વિપક્ષી સાંસદોએ નીટ, પેપરલીક, મણિપુર, મોંઘવારી, બેકારી, કેન્દ્રિય એજન્સીઓનો દુરૃપયોગ વગેરે મુદ્દાઓ જોરશોરથી ઊઠાવ્યા હતાં.
એનડીએ તરફથી સાંસદોએ પોતાના વક્તવ્યોમાં મોટાભાગે મોદી સરકારની વાહવાહી કરી, જો કે કેટલાક સાંસદોએ ખૂબ જ તથ્યાત્મક, આંકડાકીય વિગતો સાથે ગરિમાપૂર્વક વક્તવ્યો આપ્યા. રાજનાથસિંહે અગ્નિવીરો શહીદ થાય તો એક કરોડ રૃપિયાની સહાય તેના પરિવારને અપાય છે, તેમ કહીને રાહુલ ગાંધીએ કરેલા આરોપોનો છેદ ઊડાડ્યો તો ખેડૂતોને એમએસપી મળતી નથી, તેવી રજૂઆત સામે શિવરાજસિંહે તથ્યો રજૂ કર્યા. ગૃહમંત્રી અમિત શાહ તો ત્રણ-ચાર વખત કરેક્શન કરવા ઊભા થયા હોય, તો વડાપ્રધાને પણ એકાદ-બે વખત ઊભા થઈને હસ્તક્ષેપ કર્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાને વિપક્ષો રાહુલ ગાંધીની સફળતા ગણાવે છે, તો શાસક પક્ષ સંસદની ગરિમા પર લાંછન અને એલઓપીની પદને શોભે નહીં તે પ્રકારની અપરિપકવતા ગણાવે છે. આમાં સાચું શું અને ખોટું શું તે જનતા પર છોડીએ, પરંતુ સરકાર સામે મજબૂત વિપક્ષી ગઠબંધન અને પડકારરૃપ એલઓપી હોય તે લોકતંત્ર માટે તો ફાયદાકારક જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial