Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભક્તિની થીમ પર રંગારંગ સમાપન સમારોહ યોજાશેઃ અત્યંત રોમાંચક મુકાબલો થવાની સંભાવનાઃ ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ
અમદાવાદ તા. ૩: આઈપીએલ-ર૦રપ ની ફાયનલ મેચ આજે આરસીબી અને પીબીકેએસ વચ્ચે રમાશે, જેની સાથે સાથે દેશભક્તિની થીમ પર આઈપીએલનો સમાપન સમારોહ પણ યોજાશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ ર૦રપ ની ફાઈનલ મંગળવારે (ત્રીજી જૂન) અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. અમદાવાદમાં ત્રીજીવાર યોજાનારી આઈપીએલ ફાઈનલને પગલે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસિમાએ છે. ઓપરેશન સિંદૂરને પગલે દેશભક્તિની થીમ પર આજે આઈપીએલનો સમાપન સમારોહ યોજાશે. જેમાં જાણીતા ગાયક શંકર મહાદેવન પર્ફોમ કરવાના છે.
આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે આઈપીએલનું ટાઈટલ જીતવા મુકાબલો ખેલાશે. સાંજે ૪-૩૦ થી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. સાંજે ૬ કલાકથી સમાપન સમારોહનો પ્રારંભ થવાનો છે, જેમાં શંકર મહાદેવન દ્વારા 'મા તુજે સલમ... લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ..., સબ સે આગે હિન્દુસ્તાની... આઈ લવ માય ઈન્ડિયા...' જેવા ગીત પર પર્ફોમ કરવામાં આવશે.
ઈનિંગ્સ બ્રેક દરમિયાન લેઝર શોથી ચાહકોનું મનોરંજન કરાશે. સમાપન સમારોહમાં ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સેલિબ્રિટિઝ પણ આજની ફાઈનલ માટે અમદાવાદના અતિથિ બને તેવી સંભાવના છે. સેનાના ત્રણેય પાંખના વડાને પણ ફાઈનલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ઉપસ્થિત રહે તેની સંભાવના નહિવત્ છે.
સૂત્રોના જણાવ્યાનુસાર આઈપીએલ ફાઈનલ માટે અત્યાર સુધી ૮પ હજારથી વધુ ટિકિટનું વેંચાણ થઈ ચૂક્યું છે. આ સિવાય રપ હજાર જેટલી ટિકિટ રીઝર્વ રાખવામાં આવી છે. આજની ફાઈનલમાં સમગ્ર સ્ટેડિયમને તિરંગાના રંગોથી રંગવામાં આવશે. વિશાળ સ્ક્રીન પર પણ ભારતીય સેનાનો સતત આભાર માનતા મેસેજ મૂકવામાં આવશે.
અમદાવાદમાં આજે વાદળછાંયુ વાતાવરણ રહેશે અને સાંજે પ સુધી કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડશે, પરંતુ સાંજે ૭ પછી વરસાદની સંભાવના નહિંવત્ છે. ભેજનું પ્રમાણ વધારે રહેતા પ્રેક્ષકો ઉકળાટથી ત્રસ્ત થઈ શકે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ ર૦રપ ની ફાઈનલ માટે અમદાવાદની કેફે, રેસ્ટોરન્ટમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ સ્ક્રીન પર ચાહકો મુકાબલો માણતા-માણતા ભોજન લઈ શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક સોસાયટીમાં પણ વિશાળ સ્ક્રીન મૂકવામાં આવી છે.
વિદેશોમાં પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ એટલે પિકનિક જેવો અવસર, પરંતુ આપણે ત્યાં સ્ટેડિયમમાં મેચ હાલાકીનું બીજું નામ બની જાય છે. ટિકિટ માટેની કંગાળ વ્યવસ્થાથી માંડીને વિવિધ ચક્રવ્યૂહ ભેદી હજુ પ્રેક્ષક સ્ટેડિયમમાં પહોંચી રાહતનો શ્વાસ લે તયાં બીજી મુસિબતો તેની રાહ જોતી હોય છે. પાણીની એક બોટલના રૂપિયા ૧૦૦, વેજિટેબલ સેન્ડવિચના રૂપિયા ર૦૦, પીત્ઝાના રૂપિયા ૪૦૦ થી વધુ, ભેળના રૂપિયા ૧પ૦, કોલ્ડ્રિન્કના રૂપિયા ૧૦૦ જેવા ચૂકવવા પડે છે. આ બેફામ ભાવ વસૂલનારા સામે ગ્રાહક સુરક્ષા વિભાગ ધ્રૃતરાષ્ટ્ર બને છે. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ પણ સ્ટેડિયમમાં અપાતા ભોજનની ગુણવત્તા ચકાસવા ફરકતું નથી.
આઈપીએલ માટે ઓનલાઈન ટિકિટની ખામીયુક્ત વ્યવસ્થાથી ચાહકો નારાજ થયા છે. કોઈપણ વ્યક્તિ ટિકિટની એપમાં જાય ત્યારે તેને એવું જ દર્શાવાય છે કે તમારી આગળ હજુ હજારો લોકો લાઈનમાં છે. તેમના પછી તમારો વારો આવશે, પરંતુ કલાકો સુધી તે એપ ચાલુ રાખ્યા પછી પણ ટિકિટ માટે મેળ પડતો નથી. ચાહકોના મતે એક સમયે ડિજિટલ ઈન્ડિયાની વાતો થાય છે ત્યારે ઓનલાઈન ટિકિટની કંગાળ વ્યવસ્થા નિરાશાજનક છે. તેના કરતા ટિકિટનો અમુક સ્લોટ ઓફલાઈન માટે પણ રાખવાની જરૂર હતી.
આઈપીએલ ફાઈનલને પગલે અમદાવાદ એરપોર્ટમાં ચાર્ટર્ડ ફ્લાઈટની મૂવમેન્ટ પણ વધશે. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટમાં દરરોજ ર૦ ચાર્ટર્ડ ફ્લાઈટ મૂવમેન્ટ થાય છે. તેના સ્થાને આવતીકાલે ૪૦ જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટની અવર-જવર થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત બેંગલુરૂ-અમદાવાદનું વન-વે એરફેર પણ રૂપિયા ર૬ હજારને પાર થઈ ગયું છે.
કોનું પલડું ભારે?
આજે આઈપીએલ ર૦રપ ની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેને પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. આરસીબી એ ક્વલિફાયર મુકાબલામાં પીબીકેએસને મ્હાત આપી હતી. પીબીકેએસ એ બીજી ક્વોલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે સવાલ એ થાય છે કે કોનું પગલું ભારે છે?
આરસીબી અને પીબીકેએસ બન્ને ટીમો આ વર્ષે ૯-૯ મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી છે. આઈપીએલના ઈતિહાસમાં આ બન્ને ટીમો વચ્ચે કુલ ૩૬ વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બન્ને ટીમોએ ૧૮-૧૮ મેચો જીતી છે.
જો કે, આ વર્ષના આંકડા જોઈએ તો આરસીબીનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમા આરસીબીની જીત થઈ છે. આરસીબીના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે આઈપીએલ પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલો થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બન્ને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતાં. રજત પાટીદાર મધ્યપ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial