Advertisement
Author: નોબત સમાચાર

વર્તમાન બોડીના ટ્રસ્ટીઓ સામે રૂ.૧૭ કરોડની રકમ ટ્રાન્સફર કરી કમીશન મેળવ્યું?

કનસુમરાના વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટે 'ચીભડા' ગળ્યાની ફરિયાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર નજીકના કનસુમરામાં આવેલી અને ગ્રામના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની એક જમીનના વહીવટ માટે ચોવીસ વર્ષ પહેલાં રચવામાં આવેલા ટ્રસ્ટમાં હાલના હોદ્દેદારોએ ગેરવહીવટી કર્યાની કનસુમરા ગામના એક આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ રૂ.૧૭ કરોડથી વધુની રકમ હોદ્દેદારોએ પોતાના તથા લાગતા વળગતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ઉપરાંત અન્ય ટ્રસ્ટમાં તે રકમ કમીશનથી ફેરવ્યાનો પણ આક્ષેપ થતાં ખળભળાટ મચ્યો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગર નજીક આવેલા કનસુમરા ગામમાં વર્ષ ૨૦૦૧ પહેલાં એટલે કે અંદાજે ત્રીસેક વર્ષ પહેલાં એક મહાજન આસામીની અંદાજે ૨૦ એકરથી વધુ જગ્યા આવેલી હતી. આ આસામીને કોઈ વારસ ન હોવાથી તેઓએ પોતાના અવસાન પછી આ જગ્યા મહાજન જ્ઞાતિના વ્યક્તિઓ તથા કનસુમરા જ્ઞાતિના વ્યક્તિઓને આપી દેવા અને તે જગ્યામાંથી ઉપજતી રકમમાંથી ગાયો તથા પક્ષીઓને ચણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપવા જે તે વખતે નક્કી કર્યા પછી તેઓનું નિધન થતાં આ જગ્યા અંગે વહીવટ કરવા વર્ષ ૨૦૦૧માં કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

તે અગાઉ ચૌદ વર્ષ સુધી જીઆઈડીસી સાથે તેનો કેસ ચાલ્યો હતો જેમાં વિજય થતાં ઉપરોક્ત જમીન કનસુમરા ગામના લોકોને પ્રાપ્ત થઈ હતી અને જીતી ગયેલા કેસ પછી રૂપિયા બાવીસેક કરોડનું ભંડોળ ટ્રસ્ટને પ્રાપ્ત થયું હતું.

તે રકમ કનસુમરા ગામના વિકાસ માટે વાપરવા માટે કેટલાક સભ્યોની પસંદગી કરી જે તે વખતે ટ્રસ્ટ રચવામાં આવ્યા પછી તેનું બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. તે વહીવટ દાયકાઓ સુધી વ્યવસ્થિત રીતે ચાલ્યા પછી વર્ષ ર૦૨૨થી તે વહીવટ કથળ્યો હોવાનું કનસુમરા ગામના કાસમ દોસમામદ ખીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

આ આસામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં આ ટ્રસ્ટના હોદ્દેદાર હુસેન સુલતાન ખીરા, હનીફ અલારખા ખીરા તેમજ બોડીના સદસ્ય અકરમ સલીમ ખીરા, અલ્તાફ જુસબ ખીરા, અકરમ ઈસુબ ખીરા, ઈકબાલ હારૂન ખીરા, આમદ મામદ ખીરા, ઈસ્માઈલ હાસમ ખીરા, વલીમામદ દોસમામદ ખીરા નામના સાત હોદ્દેદારે રૂ.સત્તરેક કરોડની હેરફેર કરી છે.

ચોંકાવનારો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરી કાસમભાઈએ વધુમાં જણાવ્યું છે કે, કનસુમરા ગામની જનતા સાથે આ વ્યક્તિઓએ ગુન્હાહિત વિશ્વાસઘાત આચર્યાે છે. આ બોડીના હોદ્દેદારોએ કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટના એકાઉન્ટમાંથી પોતાના તથા લાગતા વળગતા માણસોના બેંક એકાઉન્ટમાં રકમ જુદાજુદા સમયે ટ્રાન્સફર કરી, રોકડ રકમ ઉપાડી, અન્ય ટ્રસ્ટોમાં કમીશનથી નાણા ફેરવી પૂર્વઆયોજિત કાવતરૂ રચી ઉપરોક્ત કૃત્ય આચર્યું છે.

'નોબત' સાથેની વાતચીતમાં ફરિયાદી કાસમ ખીરાએ ઉમેર્યું છે કે, આ જમીનના મૂળ માલિક મહાજન આસામીની ઈચ્છા મુજબ તેઓની આ જમીન ગૌચરના લાભાર્થે આપવાની હતી અને તે જમીન જે વ્યક્તિ ખેડે તેની પાસેથી ટોકન સ્વરૂપે રકમ મેળવી વિકાસમાં વાપરવાની હતી તે રીતે કાસમભાઈના દાદા પણ જે તે વખતે આ જમીન ખેડતા હતા અને ટોકનની રકમ જમા કરવામાં આવતી હતી. તે ઉપરાંત કનસુમરાના વિકાસ માટે રૂ.૧ કરોડ ૨૦ લાખની ગ્રાન્ટ પણ પાસ થઈ હતી. તે ગ્રાન્ટનો પણ કોઈ હિસાબ જોવા મળતો નથી. તે ઉપરાંત ગૌચરની જમીનમાં રોડ-રસ્તા બનાવી નખાયા છે અને આશ્ચર્યની વાત એ છે કે રૂ.એકાદ કરોડના રોડ બનાવ્યા પછી તેની ચોપડે રકમ રૂ.પ કરોડ જેટલી બતાવવામાં આવી છે. તેમ છતાં હાલની બોડી પૂર્વવત રીતે, નિરાંતે કામ કરી રહી છે. જેથી તેઓએ આ ગેરવહીવટની પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh