Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહેવાતા પોલીસકર્મી-પત્રકાર આણી ટોળકીએ બીજે પણ 'તોડ'નો પ્રયાસ કર્યાે
જામનગર તા. ૩: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા વેલનગરમાં રવિવારે બપોરે સ્વીફ્ટ મોટરમાંથી ઉતરેલા બે શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકેની અને એક શખ્સે રાજકોટના ન્યૂઝના પત્રકારની આપી એક યુવાનને ધમકાવ્યા પછી દારૂનો મોટો કેસ કરવો પડશે તેમ કહી રૂ.૨૦ હજાર પડાવી લીધા પછી ત્યાં નજીકમાં જ આવેલી અન્ય એક દુકાનમાં જઈ તોડનો પ્રયાસ કર્યાે હતો. તે પછી આ વેપારી સહિતના વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન દોડી જઈ તેની રજૂઆત કરતા તોડ કરવા આવેલા કહેવાતા બે પોલીસમેન તથા કહેવાતા પત્રકારનો ભાંડો ફૂટ્યો છે. કોઈપણ સ્થળે ફોટા પાડી અથવા વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં ફલાણા-ઢીકણા ન્યૂઝના નામે વહેતા કરવાના વધેલા વ્યાપ વચ્ચે આ કિસ્સો સાચા પત્રકારો માટે લાલબત્તી સમાન છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરની શેરી નં.૧માં રહેતા અને અગાઉ દેશી દારૂ સાથે કેટલીક વખત ઝડપાઈ ગયેલા જીજ્ઞેશ રાઠોડ નામના શખ્સનો પુત્ર હર્ષ રવિવારે બપોરે પોતાના ઘરે હતો ત્યારે જીજે-૨૭-એએ ૯૧૨ નંબરની સ્વીફટ મોટર આવી હતી.
તે મોટરમાંથી ઉતરેલા બે શખ્સે હર્ષને પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચ પોલીસ તરીકેની આપી હતી અને સાથે રહેલા ત્રીજા શખ્સે રાજકોટના ત્રિલોક ન્યૂઝનો પત્રકાર હોવાનું જણાવી તું અને તારા પિતા દારૂનો ધંધો કરો છો તેમ કહી હર્ષના મકાનનું મોબાઈલમાં વીડિયો શૂટીંગ કર્યું હ હતું.
ગભરાઈ ગયેલા આ યુવાને જવા દેવાની કાકલૂદી કરતા આ શખ્સોએ પતાવટ માટે રૂ.૫૦ હજારની માગણી કર્યા પછી રૂ.૨૦ હજારમાં મામલો સેટલ કર્યાે હતો અને તે રકમ હર્ષ પાસેથી લઈ આ શખ્સો મોટરમાં નીકળ્યા હતા. ત્યાંથી જઈ આ શખ્સોએ ભીમવાસ પાસે આવેલી અન્ય એક દુકાન પાસે ઉતરી તે દુકાનમાં હાજર સાવન નામના યુવાનને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં પણ આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે અને એક શખ્સે ત્રિલોક ન્યૂઝના પત્રકાર તરીકે આપી હતી.
ત્યાં દુકાનમાં હાજર યુવાને પણ પતાવટ કરવા કહેતા ખંભાળિયામાં એક કામ છે, તે પતાવીને આવીએ છીએ, પૈસા તૈયાર રાખજે તેમ કહી ત્યાંથી પોબારા ભણ્યા હતા. ત્યારપછી સાવન પાસે દોડી ગયેલા હર્ષ તથા તેના પિતા જીજ્ઞેશ રાઠોડે આ લોકો કોણ હતા તેની પૂછપરછ કરી શંકા પડતા પોલીસનો સંપર્ક કર્યાે હતો. પીએસઆઈ ડી.જી. રાજે આ વ્યક્તિઓની ફરિયાદ પરથી પોલીસ તથા પત્રકારની ઓળખ આપતા ત્રણેય શખ્સ સામે બીએનએસની કલમ ૨૦૪, ૩૦૮ (ર) (૬) (૭), ૩૫૧ (ર), ૬૧ (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના વધેલા વ્યાપ વચ્ચે આવા કહેવાતા પત્રકારોનો પણ રાફડો ફાટી નીકળ્યો છે. કોઈપણ બનાવને મોબાઈલમાં વીડિયોમાં કંડારી અથવા ફોટા પાડી લઈ તેને ફલાણા-ઢીકણા ન્યૂઝ તરીકે સોશિયલ મીડિયા પર વહેતા કરવાનો શિરસ્તો શરૂ થઈ ગયો છે. કોઈપણ અનુભવ કે રજીસ્ટ્રેશન નંબર વગરના જ કેટલાક વોટ્સેપીયા ન્યૂઝ હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. તે જોતા એમ લાગી રહ્યું છે કે, હવે એ દિવસો દૂર નથી કે જેની પાસે સારા કેમેરાવાળો મોબાઈલ હશે તે દરેક વ્યક્તિ પત્રકાર બની જશે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial