Advertisement
Author: નોબત સમાચાર

કવાડની બેઠક પછી સંયુકત નિવેદનમાં પહલગામ આતંકી હૂમલાની નિંદાઃ ભારતની કૂટ નૈતિક જીત

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ભારતની પડખે અડીખમઃ પાક.-ચીનને લપડાકઃ આતંકવાદ સામે એક જૂથતા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨: આતંકવાદ સામેની લડાઈમાં કવાડ દેશો ભારત સાથે રહ્યા છે, અને પહલગામ હુમલાને વખોડયો છે. જેથી ચીન-પાક.ના ગાલે સણસણતો તમાચો પડયો છે. અમેરિકા-ભારત-જાપાન-ઓસ્ટ્રેલિયાની વોશીંગ્ટનમાં બેઠક મળી હતી. જેમાં ''કવાડ'' દેશોએ એકજૂથ બની પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. સંયુકત નિવેદનમાં સીમા પારથી આચરાતા ત્રાસવાદની નિંદા કરી છે. રાક્ષસી કૃત્ય આચરનારા-તેને પંપાળનારાને સજાની માંગણી કરી છે.

ક્વાડ દેશો એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ આજે એક સંયુક્ત નિવેદનમાં ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવામાં સહયોગ કરવા હાકલ કરી હતી.

અમેરિકાના વોશિંગ્ટનમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સર્વાનુમતે નિંદા કરવામાં આવી છે. આ ક્વાડ બેઠકમાં ભાગ લેનારા ચારેય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આ ઘટનાને નિંદનીય ગણાવી છે.

ક્વાડના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્વાડ સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરે છે. અમે તેની તમામ સ્વરૂપોમાં નિંદા કરીએ છીએ અને આતંકવાદ સામે લડવામાં સહયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ, જેમાં ૨૫ ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા.

ક્વાડના વિદેશ પ્રધાનોના સંયુક્ત નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ પ્રધાનો, ૧ જુલાઈના રોજ વોશિંગ્ટનમાં મળ્યા હતા. આ સમય દરમિયાન અમે વધુ ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અમે કાયદા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ. અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તકો અને પડકારોની ચર્ચા કરી અને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે મળીને ક્વાડની શક્તિ અને સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે વિચારણા કરી. ક્વાડની લાંબા ગાળાની અસર સુનિશ્ચિત કરવા માટે, અમને આજે ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતો એક નવો મહત્વાકાંક્ષી અને મજબૂત એજન્ડા જાહેર કરતા આનંદ થાય છે. આમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા, મહત્વપૂર્ણ અને નવી તકનીકો, અને માનવતાવાદી સહાય અને કટોકટી રાહતનો સમાવેશ થાય છે. આ અંતર્ગત, અમે ક્વાડની ક્ષમતામાં વધુ વધારો કરીશું જેથી અમારા સંસાધનોનો ઉપયોગ પ્રદેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે થઈ શકે.

આ પહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પહેલગામ હુમલા અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહૃાું હતું કે અમે તે હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. ભવિષ્યમાં પણ, જ્યારે પણ આપણી ધરતી પર આતંકવાદી હુમલો થશે, ત્યારે ભારત યોગ્ય જવાબ આપશે.

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આઈ લવ પાકિસ્તાન કહીને પાકિસ્તાનની સરાજાહેર તરફેણ કરી હતી અને પાક.ના સેનાધ્યક્ષને વ્હાઈટ હાસમાં ડીનર કરાવ્યુ હતુ કવાડમાં અમેરિકા પણ સામેલ છે. અને તેમણે સંયુકત નિવેદનમાં સહી કરી હોય તો તે ભારતની ડિપ્લોમેટીક જીત ગણાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh