Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના અધ્યક્ષ તરીકે પરિમલભાઈ નથવાણીની પુનઃવરણી

ખંભાળિયા સહિત હાલાર તથા રઘુવંશી સમાજમાં આનંદની લાગણી ફેલાઈઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ/ખંભાળિયા તા. ૨: સાંસદ અને લોહાણા અગ્રણી રિલાયન્સના પરિમલ નથવાણીની જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરાતા ખંભાળિયા સહિત હાલારમાં આનંદની લાગણી ફેલાઈ છે. અમદાવાદમાં સંસ્થાની એજીએમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા અને વ્યકિતઓનું સન્માન પણ કરાયું હતું.

અમદાવાદમાં મળેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)ની ૪૭મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની ચાર વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. મૂળરાજસિંહ ચુડાસમાની માનદ્ મહામંત્રી તરીકે તેમજ પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપૂત તથા ગુણવંતભાઈ ડેલાવાલાની ઉપાધ્યક્ષ તરીકે પુનઃવરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સંદીપ દેસાઇની વરણી હનીફ જીનવાલાની જગ્યાએ ઉપાધ્યક્ષ તરીકે કરવામાં આવી હતી, જ્યારે અંકિત પટેલની વરણી માનદ્ ખજાનચી તરીકે કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં, ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જિલ્લા એસોસિએશન તથા વ્યક્તિઓને જી.એસ.એફ.એ. એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ)ની તર્જ પર શરૂ કરાયા છે.

*સમગ્ર ગુજરાતમાં ફૂટબોલને સુલભ અને સાતત્યપૂર્ણ બનાવવાનું અમારું વિઝન અમારા પ્રયાસોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. આ વર્ષ દરમિયાન ગુજરાતના યુવા ખેલાડીઓની ભાગીદારીમાં વધારો જવા મળ્યો જે આપણી ફૂટબોલ ઇકોસિસ્ટમની ગહનતા અને અનુશાસનનો પૂરાવો છે,* તેમ  જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, જી.એસ.એફ.એ. અભિનંદનને પાત્ર છે કે ૨૦૨૪-૨૫ દરમિયાન, ૨૬ વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, કુલ ૧૧૬૮ મેચ રમવામાં આવી, અને ૬૪૬૮ ગોલ નોંધાયા. એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે, ગુજરાતમાં કુલ ૭૪૦૦ જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી ૪૮૩૬એ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ સુરતને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ રાજકોટને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને મળ્યો હતો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને નવરચના એસ.એ., વડોદરાને જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.

વ્યક્તિગત કેટેગરીમાં, ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં પ્રતિક બજાજને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં ફેલસીના મીરાન્ડા અને પુરુષ કેટેગરીમાં સલીમ પઠાણને ફાળે ગયો. આ પ્રકારે જ ઈમજીંર્ગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી નાઝબાનુ શેખ અને કિશન સિંહને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં તન્વી માલાણી અને પુરુષ કેટેગરીમાં અમન શાહને અપાયો હતો.

જી.એસ.એફ.એ.ના માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બોર્ડના સભ્યો સમક્ષ વાર્ષિક હિસાબો અને બેલેન્સશીટ પણ પ્રસ્તુત કરાઈ હતી. એજીએમમાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહૃાા હતા. ચુડાસમાએ જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાત ફૂટબોલે રમતના દરેક પાસામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રાસરૂટ સ્તરે વિકાસથી માંડીને સ્પર્ધાત્મક સિદ્ધિઓ સુધી જે સફળતા મળી છે તે સહિયારી છે  જે હોદ્દા કે ભૂમિકાને ધ્યાનમાં લીધા સિવાય એસોસિએશન સાથે સંકળાયેલા તમામની છે.*

જી.એસ.એફ.એ. દ્વારા વિવિધ વય જૂથોમાં છોકરા અને છોકરીઓ માટે વિવિધ આંતર-જિલ્લા ટુર્નામેન્ટ્સનું આયોજન કરાયું હતું. આમાં બ્લુ ક્લબ્સ લીગ (બેબી લીગ્સ) નોંધપાત્ર છે, જે ૭ અને ૧૨ વર્ષની વચ્ચેના વય જૂથો માટે પાયાની ફૂટબોલ ગેમ છે. તેમાં ૨૦ જિલ્લાના ૪,૦૦૦ કરતા વધારે ફૂટબોલ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટે ગુજરાતમાં ફૂટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવી છે.

એજીએમમાં જીએસએફએના ઉપપ્રમુખ સર્વ પ્રદીપસિંહ વાઘેલા, ગુણવંતભાઈ ડેલાવાલા, સંદીપ દેસાઈ અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમજ જીએસએફએ સાથે જોડાયેલા ૩૩ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહૃાા હતા.

ખંભાળિયા સહિત હાલારમાં ખુશીની લહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની તથા રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના ડાયરેકટર પરિમલ નથવાણીને ફરીથી રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થતાં ખંભાળિયા સહિત હાલાર વિસ્તાર તથા લોહાણા સમાજમાં ખુશીની લહેર ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh