Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યે તો અભી ટ્રેલર હૈ... ફિલ્મ તો અભિ બાકી હૈ... જેવી ઈઝરાયલની ધમકીથી ફેલાયો ભય... હિઝબુલ્લાહમાં હડકંપ
લંડન તા. ૧૯: હિઝબુલ્લાહ આતંકી સંગઠન અને લેબનોનમાં હાલ ગભરાટનું વાતાવરણ છે. પેજર પછી હવે વોકી-ટોકી, લેપટોપ, ફોન, સોલાર પેનલ સિસ્ટમ, ફિંગર પ્રિન્ટ રીડીંગ મશીન અને રેડિયોમાં સિરીયલ બ્લાસ્ટ થાય છે. આ બીજી શ્રેણીના વિસ્ફોટોમાં લેબનોનના ૨૦ લોકોના મોત થયા છે. ૪૫૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના વિસ્ફોટો ત્યારે થયા જ્યારે હિઝબુલ્લાહ કમાન્ડરો આ ઉપકરણોને તેમના હાથમાં પકડી રાખતા હતાં. હિઝબુલ્લાહે તેમને ૫ મહિના પહેલાં જ પેજરની જેમ ખરીદ્યા હતાં. પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ બાદ અત્યાર સુધીમાં ૩૨ લોકોના મૃત્યુ થયા છે.
માત્ર એક દિવસ પહેલાં ૧૭ સપ્ટેબરે લેબનોન અને સીરિયાના કેટલાક શહેરોમાં એક સાથે પેજર બ્લાસ્ટ થયા હતાં. ત્યારપછી લગભગ એક કલાકના ગાળામાં સેેંકડો ફૂટી ગયા હતાં. ૧૨ લોકો માર્યા ગયા અને ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા. હિઝબુલ્લાહે આ પેજર હુમલા માટે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદને જવાબદાર ઠેરવી છે.
લેબનોનમાં ચાલી રહેલા પેજર-વોકી-ટોકી વિસ્ફોટો વચ્ચે, ઈઝરાયેલી સુરક્ષા દળોએ હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. આઈડીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈઝરાયેલી દળોએ હિઝબુલ્લાહના પ્રક્ષેપકો તેમજ દક્ષિણ લેબેનોનના હલ્તા, કફરકેલા, ઓડેસેહ અને ચામાના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો હતો. લગભગ ર૦ રોકેટ્સ લેબનોનથી ઈઝરાયેલના ઉત્તરીય પ્રદેશને પાર કરતા જણાયા બાદ આ હુમલો કરવામાં આવ્યા હતાં. આઈડીએફ એ કેટલાક રોકેટને અટકાવ્યા. આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.
આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઈઝરાયલે હીઝબુલ્લાહના આતંકવાદીઓને મંગળવારે પેજર બ્લાસ્ટ બાદ ગઈકાલે વોકી-ટોકી-બ્લાસ્ટનો સ્વાદ ચખાડ્યો તે પછી હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાને સ્તબ્ધ કરી દીધું છે. લેબનોનમાં કેટલાક સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે.
ઈઝરાયલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઈઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની વિમાસણમાં પડી ગયું છે. આ વચ્ચે ઈઝરાયલે હિઝબુલ્લાહને નવી ધમકી આપી છે, આ ધમકીથી હડકંપ મચી ગયો છે.
ઈઝરાયેલના આર્મી ચીફે મોટું નિવેદન આપતા કહ્યું કે હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલના આર્મી ચીફ જનરલ હર્ઝી હલેવીએ બુધવારે ઈઝરાયલના ઉત્તરી કમાનની મુલાકાત લીધી હતી. હલેવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને વિસ્તારમાં રક્ષણાત્મક અને આક્રમક યોજનાઓને મંજૂરી આપી હતી.
તેમણે કમાન્ડરોને સંબોધિત કરતા કહ્યું કે, અમે હજુ પણ ઘણી એવી ક્ષમતાઓથી સજજ છીએ જે અમે હજુ સક્રિય નથી કરી. નિયમ એ છે કે જ્યારે પણ અમે કોઈ નિશ્ચિત તબક્કા માટે કામ કરી રહ્યા હોઈએ છીએ, તો આગળના તબક્કાઓ પર આગળ વધવા માટે અગાઉથી જ તૈયાર રહીએ છીએ. આ તો હજું શરૂઆત છે, યુદ્ધના દરેક તબક્કામાં હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે. એ તો અભી ટ્રેલર હૈ, ફિલ્મ તો અભી બાકી હૈ.. જેવા મતલબનું તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઉત્તરી સરહદ વિસ્તારમાંથી કાઢી મૂકવામાં આવેલા હજારો નિવાસીઓને તેમના ઘરે પરત મોકલવાની કસમ ખાધી છે. ઈઝરાયલના અધિકારીઓએ છેલ્લા બે દિવસમાં હિઝબુલ્લાહના સંચાર સાધનો પરના હુમલાઓ પર ટિપ્પણી કોઈ ટિપ્પણી નથી કરી, જેમાં ર૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેન્ટે બુધવારે ઉત્તર ઇઝરાયલમાં રામત-ડેવિડ એરફોર્સ બેઝની મુલાકાત લીધી અને લેબનોનમાં થયેલા વિસ્ફોટોનો પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો. ગેલેન્ટે કહ્યું કે, આપણે આ યુદ્ધમાં એક નવા યુગની શરૂઆતમાં છીએ અને આપણે ખુદને તેના અનુકૂળ બનાવવાની જરૂર છે. તેમણે દેશની સુરક્ષા એજન્સી, શિન બેટ અને તેની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે મળીને ઈઝરાયેલ સંરક્ષણ દળોની ઉત્કૃષ્ટ સિદ્ધિઓની પ્રશંસા કરી.
આ અગાઉ સીએનએનએ દાવો કર્યો હતો કે મંગળવારનું ઓપરેશન આઈડીએફ અને મોસાદ વચ્ચેનો સંયુકત પ્રયાસ હતો, પરંતુ ગેલેન્ટની ટિપ્પણીઓ પહેલીવાર છે જ્યારે કોઈ ઈઝરાયલી અધિકારીએ ડબલ હુમલામાં ઈઝરાયેલી ભૂમિકાને સ્પષ્ટપણે સ્વીકારી છે.
તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં લેબનોનમાં ઈલેકટ્રોનિક ડિવાઈસમાં બ્લાસ્ટને લઈને ભયનો માહોલ છે. પેજર, વોકી-ટોકી, સોલર પેનલ બાદ હવે લેબનોનના ઘણાં વિસ્તારોમાં મોબાઈલમાં પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બુધવારે રાજધાની બેરુતના ઘણાં વિસ્તારોમાં વોકી-ટોકીમાં વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial