Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામનાથ કોવિંદ સમિતિને મોદી કેબિનેટની મંજુરી પછી મિશ્ર પ્રત્યાઘાતોઃ સંભાવનાઓ
નવી દિલ્હી તા. ૧૯: દેશભરમાં લોકસભા સાથે વિધાનસભાઓની એક સાથે ચૂંટણી અને તે પછી સો દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન કરી લેવાની જે પ્રપોઝર છે, તેને લઈને દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ ગઈ છે, અને કેટલાક રાજ્યોની વિધાનસભાઓની મુદ્ત ઘટી જશે, તો કેટલીક વિધાનસભાઓની મુદ્ત વધી જશે, તેવા તારણો નીકળી રહ્યા છે.
કેન્દ્રિય કેબિનેટે 'એક દેશ, એક ચૂંટણી'ના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોને સ્વીકારવામાં આવી હતી. મંગળવારે કેન્દ્રિય ગૃહપ્રધાન શાહે કહ્યું હતું કે, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' આ સરકારના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવશે.
જો ર૦ર૯ થી એકસાથે ચૂંટણી યોજાવાની હોય તો તેના માટેની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરવી પડશે. કેન્દ્રિય કેબિનેટે એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને મંજુરી આપી તે પછી મંગળવારે કેન્દ્રિય ગૃહપ્રધાન શાહે સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે આ સરકારમાં એક દેશ, એક ચૂંટણી લાગુ કરવામાં આવશે. આ છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેનિફેસ્ટોમાં વચન રહ્યું છે, પરંતુ તેનો અમલ કેવી રીતે થશે, ક્યારે થશે અને શા માટે થઈ રહ્યું છે? આવા અનેક પ્રશ્નો છે. કોંગ્રેસે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ને બંધારણની વિરૂદ્ધ ગણાવી છે.
ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે મોદી સરકારે કોવિંદ સમિતિની રચના કરી હતી જે એક સાથે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ યોજવાના માર્ગો સૂચવ્યા હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની આ સમિતિએ લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં વિવિધ બંધારણીય સુધારાની ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ ભલામણ કરી હતી કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવી શકાય અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૧૦૦ દિવસની અંદર યોજવામાં આવે. લોકસભામાં ભાજપ પાસે ર૪૦ બેઠકો છે. બહુમતી માટે તેને ટીડીપી, જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી જેવા સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે સવાલો પણ ઊઠી રહ્યા છે કે શું એકસાથે ચૂંટણી કરાવવાની ભાજપની યોજનાને સાથી પક્ષોનું સમર્થન મળશે કે નહીં? પરંતુ ભાજપ કેમ્પનું કહેવું છે કે આ તમામ સહયોગીઓ આ માટે તૈયાર છે.
જો ર૦ર૯ માં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' થવાની હોય તો આ માટેની પ્રક્રિયા અત્યારથી જ શરૂ થવી જોઈએ. જો ર૦ર૯ પહેલા આને લગતી તમામ ગુંચવણોનો ઉકેલ લાવવામાં આવે અને દેશ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય, તો ઘણાં રાજ્યોની વિધાનસભાઓ તેમના પાંચ વર્ષના કાર્યકાળ પહેલા વિસર્જન થઈ જશે. મતલબ કે રાજ્યએ તેમનો કાર્યકાળ પૂરો થવાના ઘણાં સમય પહેલા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે. જે ૧૦ રાજ્યોમાં ગયા વર્ષે નવી સરકારોની રચના કરવામાં આવી હતી ત્યાં ર૦ર૮ માં ફરીથી ચૂંટણી થશે અને નવી સરકારો લગભગ એક વર્ષ કે તેનાથી ઓછા સમય માટે સત્તામાં રહેશે. આ રાજ્યો હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, કર્ણાટક, તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન છે.
ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં ર૦ર૭ માં ચૂંટણી યોજાવાની છે. એટલે કે ર૦ર૭ માં આ રાજ્યોમાં બનેલી સરકારો બે વર્ષ કે તેનાથી ઓછા સમય માટે ચાલશે. એ જ રીતે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને કેરળમાં ર૦ર૬ માં ચૂંટણી યોજાવાની છે. અહીં એવી સરકારો આવશે જે ત્રણ વર્ષ સુધી ટકી શકશે. અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં જ્યાં આ વર્ષે ચૂંટણી થઈ છે અથવા થઈ રહી છે ત્યાં માત્ર એક જ સરકાર પાંચ વર્ષ સુધી ચાલી શકે છે.
સંક્ષિપ્તમાં કહીએ તો નવ કન્ટ્રી ઈલેક્શનના અમલ સાથે રર રાજ્યો એવા છે જ્યાં સમય પહેલા ચૂંટણી યોજવી પડશે. વન નેશન વન ઈલેક્શનના અમલ પછી બિહાર, કર્ણાટક, દિલ્હી, ગોવા, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, પંજાબ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં વહેલી ચૂંટણી યોજવી પડશે. એક દેશ એક ચૂંટણીના અમલથી ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ પર કોઈ અસર નહીં થાય. અહીં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial