Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના વિભાગો વચ્ચે સંકલનના અભાવે નગરજનોને કરવેરાના તોતિંગ બીલ ફટકારાયા?

દસ-દસ વર્ષથી ટી.પી.ઓ.-વેરા શાખા ઊંઘમાં હતાં? પાડાના વાંકે પખાલીને ડામ?

જામનગર તા. ર૩ઃ જામનગર મહાનગરપાલિકાના બે અલગ અલગ વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળે છે. જેના પરિણામે સામાન્ય જનતાને પરેશાની ભોગવવી પડે છે. તાજેતરમાં અનેક મિલકતધારકોને દસ વર્ષનો મિલકત વેરો એકસાથે ભરપાઈ કરવાની ફરજ પડી રહી છે, જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે.

જામનગરમાં કોઈપણ નવા બાંધકામ માટે મહાનગરપાલિકા પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે, અને નિયમ મુજબ બાંધકામ પૂર્ણ થાય પછી તેના ઉપયોગ માટે કમ્પલીશન સર્ટીફિકેટ લેવામાં આવે છે.

આ પછી ટીપીઓ શાખાએ નવા બાંધકામની વિગતો મિલકત વેરા શાખાને મોકલવાની હોય છે. જેથી તુરંત જ વેરા વસૂલાત થઈ શકે, પરંતુ આ બન્ને વિભાગોના સંકલનના અભાવે મહાનગરપાલિકાને લાખોનું નુક્સાન તો થયું જ છે, પરંતુ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં વોર્ડ નંબર ચારમા અનેક મિલકતધારકોને એકસાથે મસમોટી રકમના બીલ મળ્યા હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. જેમાં એવું કારણ દર્શાવાયું છે કે, નવું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા એકસાથે વેરા વસૂલાત માટેના બીલો ઈસ્યુ થયા છે, પરંતુ શા માટે જે તે વર્ષના બીલની રકમ એ જ વર્ષમાં ઉઘરાણી કરવામાં આવતી નથી. દસ વર્ષ પછી આકરણી શા માટે?

ટીપીઓ અને વેરા શાખા આટલા વર્ષ સુધી ક્યાં હતાં? મહાનગરપાલિકાના કમિશનરે પણ આવકના પાસાને કેમ નજર અંદાજ કર્યું? શા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ સંસ્થાની આવક વધારવામાં ધ્યાન આપતા નથી? શું માત્ર ખર્ચ કરવામાં જ રસ ધરાવે છે.

મહાનગરપાલિકાના પદાધિકારી અને ઉચ્ચ અધિકારીની બેદરકારીનો ભોગ હાલ તો નગરજનો બની રહ્યા છે અને એક દાયકાનો વેરો એકસાથે ભરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh