Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પરિવારે બે વ્યક્તિના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઘટસ્ફોટ

મૃતદેહ નજીકથી મળેલા થેલામાંથી નીકળ્યા ત્રણ મોબાઈલ અને સ્યુસાઈડ નોટઃ મૃતકના મોબાઈલે કેટલાક રાઝ ખોલ્યાઃ

જામનગર તા. ૧૨: દેવભૂમિના ભાણવડના ધારાગઢ ગામ પાસે બુધવારની બપોરે જામનગરના બ્રાસપાર્ટની ભઠ્ઠી ધરાવતા આસામી અને તેના ત્રણ પરિવારજનોએ ઝેરી દવા પી સામૂહિક આત્મહત્યા વ્હોરી લીધી હતી. ત્યાંથી મળી આવેલા ત્રણ મોબાઈલ અને સ્યુસાઈડ નોટ પરથી આ પરિવારને બે વ્યક્તિના ત્રાસના કારણે આત્મહત્યા કરવી પડી હોવાનું બહાર આવ્યું છે. હરકતમાં આવેલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. એક શખ્સ પૈસા માંગતો ન હોવા છતાં રૂ. ૨૦ લાખ લેવાના છે તેવું લખાણ કરાવી ચૂક્યો હતો અને બીજો શખ્સ પૈસા આપવાના હોવા છતાં પૈસા આપતો ન હતો. તે ત્રાસથી આ પરિવારે આત્મઘાતી પગલું ભર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ પાસે રેલવે ફાટક નજીક પડતર જગ્યામાંથી બુધવારે સાંજે બે પુરૂષ, એક મહિલા, એક યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. ચારેય વ્યક્તિએ ઝેરી દવા પી લીધાનું જણાઈ આવ્યું હતું. ત્યાં પડેલા સ્કૂટર તથા બાઈકને કોઈ વ્યક્તિએ જોયા પછી મૃતદેહ પર નજર પડી હતી અને પોલીસને જાણ કરતા આ બનાવ પોલીસના ધ્યાને આવ્યો હતો. દોડી ગયેલી ભાણવડ પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા પછી પીએસઆઈ એમ.આર. સવસેટાના વડપણ હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. જેમાં મૃતક જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલથી આગળ માધવ બાગ-૧માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ડુવા, તેમના પત્ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ તથા પુત્રી કિંજલ હોવાનું ખૂલ્યું હતું.

ત્યારપછી મૃતકના પરિવારને જાણ કરવામાં આવતા જામનગરથી મૃતક અશોકભાઈના નાનાભાઈ વનુભાઈ જેઠાભાઈ ડુવા દોડી આવ્યા હતા. તેઓએ પોતાના ભાઈ-ભાભી, ભત્રીજા, ભત્રીજીની ઓળખ આપી હતી. પોલીસે મૃતદેહો પાસેથી એક થેલો કબજે કર્યાે હતો. જેમાંથી ત્રણ મોબાઈલ વગેરે સામાન મળી આવ્યો હતો.

પોલીસે મૃતકના ભાઈ વનુભાઈનું નિવેદન નોંધ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ જામનગરમાં બ્રાસપાર્ટની ભઠ્ઠી ધરાવતા હતા. પોલીસે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી હતી. દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પીએસઆઈ સવસેટાએ તપાસ વેગવંતી બનાવી હતી. જેમાં એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા અને તેમની ટીમ પણ જોડાઈ હતી.

પોલીસની ઉપરોક્ત ટીમોને વિગત મળી હતી કે, અશોકભાઈને જામનગરના રણજીતસાગર રોડ પર ડોલી એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ચાંપાબેરાજાના વતની વિશાલ ફતુભા જાડેજા અને મૂળ હર્ષદપુરના વિશાલ પરસોત્તમ પ્રાગડા નામના શખ્સો વ્યાજની ઉઘરાણી કરી પજવતા હતા. પોલીસે તે વિગતો પરથી આગળ તપાસ કરતા આ બંને શખ્સના ત્રાસના કારણે અશોકભાઈએ પોતાના પરિવારને સાથે રાખી સામૂહિક આત્મહત્યા વ્હોરી છે. તેમ જણાઈ આવતા ગઈકાલે બપોરે મૃતકના ભાઈ વનુભાઈને તેની વિધિવત ફરિયાદ નોંધાવવા સૂચના અપાઈ હતી.

તે સૂચના મુજબ વનુભાઈએ ભાણવડ પોલીસ મથકમાં વિશાલ જાડેજા તથા વિશાલ પ્રાગડા સામે ગુન્હો નોંધાવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ વી.એમ. મેટલ નામની પેઢી લાવતા વિશાલ જાડેજાએ પૈસા આપ્યા ન હોવા છતાં અશોકભાઈ પાસે રૂ. ૨૦ લાખ લેવાના હોવાનો હિસાબ બતાવી તેની કડક ઉઘરાણી શરૂ કરી હતી. તે રકમ કઢાવી લેવા માટે વિશાલ જાડેજાએ ડરાવી ધમકાવી અને માર પણ મારી અશોકભાઈ પાસેથી બળજબરીપૂર્વક રૂ. ૨૦ લાખ આપવાના છે તેવું લખાણ કરાવી લીધુ હતું.

તે ઉપરાંત સમર્પણ સેલવાળા વિશાલ પ્રાગડા પાસેથી રૂ. ૫ લાખ ૫૩ હજાર અશોકભાઈએ લેવાના બાકી હતા. તે રૂપિયા છેલ્લા પાંચ મહિનાથી વિશાલ પ્રાગડા આપતો ન હતો અને હેરાન કરતો હતો. આવી રીતે બંને બાજુથી ફસાઈ ગયેલા અશોકભાઈ નાસીપાસ થઈ ગયા હતા. તેઓએ બાકી પૈસા આવતા ન હોય અને બીજી બાજુ પૈસા આપ્યા ન હોવા છતાં હિસાબમાં ઘાલમેલ કરી વિશાલ જાડેજા રૂ. ૨૦ લાખ માટે ઉઘરાણી કરતો હોય અને તેનું લખાણ પણ કરાવી લીધુ હોય, પોતાના પરિવાર સાથે મરી જવાનો કઠોર નિર્ણય કરી અશોકભાઈ અને તેમના પત્ની, પુત્ર, પુત્રીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બીએનએસની કલમ ૧૦૮, ૩૦૮ (પ) (૬), ૩૫૧ (ર), ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ વી.એમ. મેટલવાળા વિશાલ જાડેજા તથા સમર્પણ સેલવાળા વિશાલ પ્રાગડા ધમકાવવા ઉપરાંત અશોકભાઈને માર મારતા હોય તેવો વીડિયો બનાવી તેની ક્લિપ પણ મોકલતા હોવાનું અને વિશાલ જાડેજા બળજબરીથી નોટમાં કંઈક લખાવતો હોવાનું દેખાય તેવો વીડિયો બનાવી અશોકભાઈને મોકલાવતો હોવાનું ખૂલ્યું છે.

સ્થળ પરથી મળી આવેલા ત્રણ ફોનમાંથી રેડમી કંપનીનો એક મોબાઈલ અશોકભાઈનો હતો તેની પોલીસે ચકાસણી કરતા બનાવના દિવસે સવારે તેઓને વોટ્સએપમાં ત્રણ વીડિયો આવ્યા હોવાનું ખૂલ્યું છે. તે વીડિયોમાં ચાર શખ્સ અશોકભાઈને ધમકાવતા હોવાનું અને માર મારતા હોવાનું દેખાઈ રહ્યું છે. તે ઉપરાંત લખાણ કરાવાતું હોવાનું પણ જણાઈ આવ્યું છે.

તે ઉપરાંત મંગળવારે અશોકભાઈને ફોટો મોકલાવવામાં આવ્યો હતો. તે ફોટામાં લખ્યા મુજબ અશોકભાઈએ લખ્યું છે કે, ચામુંડા કાસ્ટમાંથી વી.એમ. મેટલને માલ લીધો હતો તેના પેટે પૈસા આપવાના છે. તે પછી પિયુષ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝમાંથી મેં માલ લીધો છે તે બીલ પેટે રૂ. ૫,૮૭,૯૬૯૬૦ આપવાના છે, ચામુંડા એન્ટરપ્રાઈઝમાંથી મારૂ બીલ બાકી છે, ભવાની એન્ટરપ્રાઈઝમાં લેઝર મુજબ પૈસા આપવાના બાકી. આ બધી રકમની જવાબદારી હું અશોક જેઠાભાઈ ડુવા, મારો પુત્ર જતીન અશોકભાઈ ડુવા લઈએ છીએ, અમારા પર જોર જબરદસ્તી કરવામાં આવી નથી, અમે માલ લીધો છે અને તેના પૈસા આપવાના છે તેથી અમે આ પગલું ભર્યું છે તેવું લખાણ લખેલું છે.

તે ઉપરાંત લીલુબેન અને કિંજલ જે ફોન વાપરતા હતા તે ઓપો કંપનીનો મોબાઈલ મળી આવ્યો છે. તેના વોટ્સએપમાં પણ ત્રણ વીડિયો મોકલાવેલા જણાઈ આવ્યા છે. જેમાં ચાર વ્યક્તિ અશોકભાઈને ધમકાવતા અને માર મારતા, નોટમાં લખાવી લેતાં જણાઈ આવ્યા છે. તે ઉપરાંત જુદા જુદા લખાણ વાળા છ મેસેજ પણ ઉપરોક્ત મોબાઈલમાંથી મળ્યા છે.

થેલામાંથી મળેલા એક કાગળમાં લખ્યું છે કે, અમારી પાસે ઘણાં બધા માણસો પૈસા માંગે છે અને હેરાન કરે છે તેમાંથી વી.એમ. મેટલવાળા વિશાલ દરબાર અમને હેરાન કરતા હોવાથી અમે દવા પી લઈએ છીએ, વિશાલ પ્રાગડા સમર્પણ સેલ્સવાળા પાસે રૂ. ૫,૫૩,૦૦૦ માંગીએ છીએ તેણે ચાર મહિનાથી આપ્યા નથી અને વિશાલ દરબાર મારે છે અને બીલ કૌભાંડ કરે છે અને ખોટા બીલના પૈસા હતા તેણે અમારી પાસેથી કોઈ પૈસા લેવાના નથી તેમ છતાં પૈસા માંગતો હોવાથી અમે દવા પીને મરી જઈએ છીએ તેમ લખેલું છે.

થેલામાંથી વીવો કંપનીનો ત્રીજો મોબાઈલ પણ મળી આવ્યો છે. તેના લોક અંગે જાણકારી ન હોવાથી વિનુભાઈએ પોલીસને જણાવ્યું છે. આ ફોન તેમનો ભત્રીજો જતીન (જીજ્ઞેશ) વાપરતો હોવાનું ખૂલ્યું છે.

સ્થળ પરથી પોલીસને ઝેરી દવાનું ડબલુ, પ્લાસ્ટિકના ગ્લાસ, ઠંડાપીણાની બોટલ, એક બોલપેન, પ્લાસ્ટિકનું ઝભલુ મળ્યું છે. ઝભલામાંથી અશોકભાઈ, લીલુબેનના ચૂંટણીકાર્ડ, બંનેના પાનકાર્ડ મળ્યા છે. અશોકભાઈના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષની પાછળ સ્યુસાઈડ નોટ જેવું લખાણ લખેલું મળ્યું છે તેમાં વી.એમ. મેટલવાળા વિશાલ દરબાર પૈસા માંગતા ન હોવા છતાં બીલ કૌભાંડ કરી પૈસાની ઉઘરાણી કરતો હોવાનું અને તેના ત્રાસથી દવા પીને મરણ પામીએ છીએ તેવું લખેલુ જોવા મળ્યું છે.

પોલીસે અશોકભાઈના મોબાઈલમાં મોકલાવાયેલી વીડિયો ક્લિપ જોતા તેમાં વિશાલ જાડેજા પૈસાની ઉઘરાણી કરતો અને સમર્પણ સેલ્સવાળો વિશાલ પ્રાગડા ટાઈમસર પૈસા નથી આપતો તેથી અશોકભાઈ પૈસા ચૂકવી શકતા નથી તેમ જણાઈ આવ્યું છે. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી તાત્કાલિક હરકતમાં આવ્યા પછી ગઈકાલે સાંજે વિશાલ ફતુભા જાડેજા અને વિશાલ પરસોત્તમ પ્રાગડાની અટકાયત કરી લીધી છે.

ઉપરોક્ત બંને શખ્સોની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. આ બનાવે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે. બાકી પૈસાની કડક ઉઘરાણીના મામલે આખા પરિવારે એક સાથે આત્મહત્યા કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ બંને શખ્સ ઉપરાંત વધુ કેટલા શખ્સો સંડોવાયેલા છે તેની પણ પૂછપરછ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh