Advertisement
Author: નોબત સમાચાર

દેશ અને રાજ્યના છેવાડાના દ્વારકા જિલ્લા પ્રત્યે સરકાર બેદરકારઃ સમસ્યાઓનો ઢગલો!

દ્વારકા જિલ્લાને સરકાર ઓછું મહત્ત્વ આપે છે? મૂળ કોંગ્રેસી હોય તેવા મંત્રીઓ જ કેમ બને છે પ્રભારી?

ખંભાળીયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેવાડાનો જિલ્લો અને રાજ્ય સરકાર દ્વારા બેદરકારી અથવા ઓછું ધ્યાન રાખવામાં આવતું હોય સમસ્યાનો ઢગલો થઈ જતાં તથા લોકો પરેશાન થતાં ભાજપના વિપક્ષી જુથ આપ અને કોંગ્રેસને મોકળું મેદાન મળી રહ્યું છે!!

દ્વારકા જિલ્લાની સૌથી મોટી ખંભાળીયાની સરકારી હોસ્પિટલ જે કરોડોના ખર્ચે બનેલી છે પણ આ સરકારી હોસ્પિટલમાં ૯૦ બેડ પ્રમાણે સ્ટાફ છે અને મહિનાઓ નહીં પણ વર્ષોથી ૧પ૦ બેડ તો દર્દીઓ દાખલ થાય છે કુલ કેપેસીટી કરતા દોઢ ગણા સામે સ્ટાફ નથી ડોકટરો નથી દવાઓ પણ ૯૦ પ્રમાણે ફાળવાય ગ્રાંટ પણ ૯૦ પ્રમાણે અને કામ ૧પ૦નું કરવાનું !!

દ્વારકા જિલ્લામાં પણ રાજ્યમાં તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ ફાળવવાની સાથે ફાળવવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, દ્વારકા પોરબંદર તથા મોરબી જિલ્લામાં એક સાથે મંજુર થઈ હતી દ્વારકામાં ખંભાળીયા બનવાની હતી તેની હજુ જમીન પ્રક્રિયા ચાલે છે અને પોરબંદર અને મોરબીમાં બની જવા આવી છે!! દ્વારકા જિલ્લાના એમબીબીએસના હોંશિયાર છાત્રોને બીજા જિલ્લામાં જવું પડે છે!!

દ્વારકા જિલ્લામાં ટાટા કંપની ઘડી સિવાય કોઈ મોટો ઉદ્યોગ ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા તાલુકામાં નથી ખંભાળીયાને નયારા, એસ્સારનો લાભ મળે છે અન્યોને બહુ ફાયદો મળતો નથી.

દ્વારકા શહેરમાં બાંધકામ જમીન મંજુરી નગરપાલિકા પાસે સાડાત્રણેક માસથી લઈ લેવાય છે જે હજુ પણ નવી એજન્સી કોને આપવી કોણ મંજુરી આપે તે નક્કી નથી થયું!! હોટલ ફેકટરી, મકાન, ઉદ્યોગ જેવા બાંધકામ માટેની મંજુરી માટે લોકો રાહ જુએ છે અને સરકારને ગાળો આપે છે!! આવી જ સ્થિતિ દ્વારકા શહેરની જિલ્લાની બીજા નંબરની સરકારી હોસ્પિટલમાં ડોકટરો તથા સ્ટાફની છે. અહીં સફાઈ માટે પણ સ્ટાફ પુરતો નથી!!

ખંભાળીયા શહેરમાં વર્ષોથી શહેર અને ર૩ ગામોને ઘી ડેમ પીવાનું પાણી તથા સિંચાઈ માટે પાણી પુરૃં પાડે છે પણ આ ડેમ આઝાદી પહેલા બની ગયો તે પછી નવો ડેમ શહેર માટે કરવા કંઈ થયું નથી ચોમાસામાં વરસાદ ખેંચાય તો નર્મદા ઉપર આધારિત રહેવાનું!!

દ્વારકા જિલ્લામાં ચાર તાલુકાઓ છે જેમાં સરકાર દ્વારા એક પણ ઈજનેરી કોલેજ કે ડીપ્લોમા કોલેજ પણ શરૂ કરાઈ નથી કે ખાનગી ટ્રસ્ટો દ્વારા પણ ના કરાતા ખંભાળીયા સહિત ચારેય તાલુકાના છાત્રોને ધો. ૧૦-૧ર પછી ડીગ્રી  કરાવવા માટે જામનગર કે અન્ય જિલ્લાઓમાં ફરજિયાત જવાનું રહે છે!!

દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં ખામનાથ પાસે ઘી નદી પર નવો પૂલ બનાવવા રપ કરોડ ફાળવાયા પણ પૂલનું કામ ચાલુ ના થતાં તથા ડ્રાયવર્ઝન પણ સારો ના હોય લોકો રોજ પરેશાન થાય છે અને તંત્રને ગાળો ભાંડે છે!!

ઓખા મીઠાપુર, દ્વારકા, કલ્યાણપુર, ભાટીયા, હર્ષદ સહિતના વિસ્તારોમાં બ્લડ બેંકની સુવિધા ના હોય તેમને કિલોમીટર દૂર ખંભાળીયા આવવું પડે અને ત્યાં ના હોય તો જામનગર જવું પડેની સ્થિતિ છે!!

સમગ્ર દેશમાં પ્રખ્યાત શનિદેવના જન્મ સ્થાન હાથલામાં સાડા ચાર વર્ષથી ખાતમુહૂર્ત થઈ ગયા પછી પણ વિકાસ કાર્યો હજુ હવામાં જ છે!!

દ્વારકા જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરકારી કોલેજો છે પણ આ તમામ કોલેજોમાં ખંભાળીયા સિવાય કયાંય કોમર્સ કોલેજની સગવડ જ નથી તો એક પણ તાલુકામાં સરકારી સાયન્સ કોલેજ પણ નથી.

દ્વારકા કોરીડોર જાહેર થયું પણ તેને દોઢ વર્ષ થવા છતાં હજુ નકશો બન્યો નથી કઈ રીતે કામ ચાલુ થશે કયાં શું સગવડ થશે તે પણ હજુ કંઈ થયું નથી!!

દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓ મુકાય છે તેમાં અગાઉ જવાહર ચાવડા, બ્રીજેશ મેરજા અને હાલ કુવરજી બાવળીયા ત્રણેય કોંગ્રેસ મૂળના છે!! પ્રભારી મંત્રી મિટિંગો કરી સમસ્યા જાણી ઉકેલતા હોય છે પણ અહીં તેવું પણ કયાંય થતું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh