Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદ ભારતમાં બંધારણીય અને લોકતાંત્રિક વ્યવસ્થાઓ વધુને વધુ સુદૃઢ થતી જાય છે, તેનું કારણ આપણાં દેશની સર્વસમાવેશી અને વસુધૈવ કુટુંબકમ્ની પરંપરાગત પ્રાચીન સંસ્કૃતિ છે, અને આપણાં દેશની વિધેયિકા, ન્યાયતંત્ર અને સંસદના ત્રિવેણી સંગમમાં હવે પ્રેસ-મીડિયા-જનભાવનાઓની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, તેવામાં તાજેતરમાં કેટલીક હાઈકોર્ટો તથા દેશની સર્વોચ્ચ અદાલતે કેટલાક સિમાચિન્હરૃપી દૂરગામી અસરો પાડતા ચૂકાદાઓ અથવા અવલોકનો આપ્યા છે, જેની સમાજ, સરકાર અને સામાન્ય જનતા પર સીધી અસરો પડવાની છે.
સુપ્રિમકોર્ટે એક તાજા ફેંસલામાં જણાવ્યું છે કે જનરલ કેટેગરી કોઈ જાતિ માટે અનામત નથી, પરંતુ મેરિટ પર આધારિત છે. જો અનામત શ્રેણીનો કોઈ ઉમેદવાર જનરલ કટ ઓફ થી વધુ માર્કસ મેળવે, તો તેને જનરલ સીટમાં જ જગ્યા મળશે. રાજસ્થાન હાઈકોર્ટે આપેલા એક ચૂકાદા સંદર્ભે સુપ્રિમકોર્ટે આ ફેંસલો સંભળાવ્યો હતો, જેની અસર આખા દેશમાં થવાની છે. અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૧૬ને ટાંકીને સમાનતાના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફેંસલો દૂરગામી અસરો ઊભી કરવાનો છે.
એક ફેંસલો એવો પણ આવ્યો છે કે એક વખત નોકરીની પરીક્ષા આધારિત અનામતનો લાભ લઈ લીધો હોય, તે પછી તેને સામાન્ય કેટેગરીનો ફાયદો મળી શકે નહીં. આમ, સુપ્રિમકોર્ટમાં થતા અવલોકનો તથા લેવાતા નિર્ણયો સમાજ, સરકાર અને સામાન્ય જનતાને સીધી અસર કરતા હોય છે.
સાર્વજનિક હેતુઓ માટે થતા જમીન સંપાદનના વળતરમાં કોઈપણ કારણે વિલંબ થાય તો વળતરની રકમ પર વ્યાજ મેળવવાનો જમીન માલિકને અધિકાર છે, પરંતુ જમીનના બદલામાં નોકરી આપવાનો કે કોઈ સમાધાન હેઠળ જમીન માલિકને જમીન પરત આપવાની જોગવાઈ નથી, તે પ્રકારનો જે ફેંસલો સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો, તેની પણ દેશવ્યાપી અસરો થઈ છે અને કેટલાક વર્તમાન કિસ્સાઓમાં પણ તેનો સંદર્ભ અપાઈ રહ્યો છે.
સબરીમાલા મંદિરમાં દ્વારપાળ દેવતાઓની મૂર્તિઓ તથા શ્રીકોવિલના દરવાજાઓ પર ચડાવાયેલું સોનુ ચોરાઈ જવાના કેસમાં એસઆઈટીએ દેવસ્વોમ બોર્ડના બે પૂર્વ પ્રમુખો સહિત ૧૦ની ધરપકડ કર્યા પછી કેરળ હાઈકોર્ટે કરેલી એક ટિપ્પણી હટાવવા સુપ્રિમ કોર્ટમાં બોર્ડના સભ્યે કરેલી અરજી ફગાવી દેતા અદાલતે કડક ટિપ્પણી કરી હતી કે "તમે ભગવાનને પણ છોડયા નથી..." આ સુનાવણી તથા અદાલતની ટિપ્પણીઓની પણ દેશવ્યાપી અસરો પડવાની છે.
હાલાર સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં આવરા કૂતરાઓની સમસ્યા વધુને વધુ વકરી રહી છે, અને હવે તે રખડતા ઢોર જેટલી જ ગંભીર બની ગઈ છે, શાળાએ જતા નાના બાળકો, સ્કૂલવેન કે રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘર તરફ જતા હોય, તેની પાછળ પડતા કૂતરાઓ, દ્વિચક્રી વાહનો પાછળ દોડીને બચકા ભરવાના પ્રયાસો કરતા રખડૂ કૂતરાઓ, જાહેર માર્ગો પર ટ્રાફિકની વચ્ચોવચ્ચ દોડાદોડી કરીને અકસ્માતો નોતરતા શ્વાનો અને ગામડું હોય કે શહેર, ગમે તેને ગમે ત્યારે કરડી લેતા કૂતરાઓની સમસ્યા હવે સડકથી સુપ્રિમકોર્ટ સુધી પહોંચી છે. અને હવે તો આ મુદ્દે સંસદમાં કોઈ કડક કાયદો ઘડીને આ ગંભીર અને જીવલેણ ગણાતી સમસ્યા અટકાવવાની (વ્યંગાત્મક?) જરૃર પણ જણાવાઈ રહી છે.
શેરી-ગલીઓમાં રખડૂ આવારા કૂતરાઓના મુદ્દે સુપ્રિમકોર્ટમાં એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે એવી ટિપ્પણી કરી હતી કે કોઈપણ વ્યક્તિ કૂતરું કરડવાના "મૂડ" માં છે કે નહીં તે નક્કી કરી શકે નહીં. સાયકલ કે દ્વિચક્રી વાહન પર જતા લોકોને કૂતરા પીછો કરે ત્યારે તે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તમામ શેરી-ગલી-માર્ગો અને ધોરીમાર્ગો શ્વાનમૂક્ત (કૂતરાઓ વિહોણા) હોવા જોઈએ, તેવી દલીલનું સમર્થન કરતા અદાલતે કહ્યું હતું કે આવી સ્થિતિ સુનિશ્ચિત કરવા તંત્રોએ કવાયત કરવી જ પડશે.
પશુ અધિકાર ગૃપના વકીલ કપીલ સિબ્બલે જ્યારે એવી દલીલ કરી કે તેઓ યુનિવર્સિટીમાં હતા, ત્યારે ત્યાં ઘણાં બધા કૂતરાઓ હતા, પરંતુ એક પણ કૂતરું તેમને ક્યારેય કરડયું નથી, તો સુપ્રિમકોર્ટે કપિલ સિબ્બલની માહિતી આઉટડેટેડ ગણાવીને કહ્યું હતું કે નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાં કૂતરા કરડવાના ઘણાંબધા બનાવો નોંધાયા છે. એક તબક્કે અદાલતે હળવા સ્વરે એવો કટાક્ષ પણ કર્યો કે શું કૂતરાઓ કરડે નહીં, તે માટે કૂતરાઓનું કાઉન્સિલીંગ થઈ શકે ખરૃં ?
આખી સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકનો તથા ટિપ્પણીઓ કરી હતી. અદાલતે સ્કૂલો, હોસ્પિટલો, કોલેજો, કોર્ટ પરિસર, સરકારી સંકુલો, રસ્તાઓ સહિત જાહેર સ્થળોને કૂતરામુક્ત રાખવાની જરૃર જણાવી પશુપ્રેમીઓને કૂતરાઓ માટે નિયત આશ્રયસ્થળો (શેલ્ટર હોમ્સ)માં જ શ્વાનોને ભોજન આપવાની સલાહ આપી હતી. અદાલતે કહ્યું હતું કે શ્વાનોને ઠાર કરી દેવા કે હટાવી દેવાનું કોઈ કહી રહ્યું નથી. માત્ર તેઓથી સામાન્ય જનતાને થતી પરેશાનીઓ તથા ગંભીર અકસ્માતોની સંભાવના ખતમ કરવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ જ સૂચવાઈ રહી છે.
ઘરમાં પશુને રાખવાના મુદ્દે પણ રસપ્રદ દલીલબાજી થઈ હતી. ઘરમાં શ્વાન રાખવાના મુદ્દે એવી દલીલ થઈ કે પોતાના ઘરમાં કયુ પશુ રાખવું તે નાગરિકોના વિવેક પર નિર્ભર કરે છે, તો અદાલતે કહ્યું કે ગેટેડ કોમ્યુનિટીમાં કૂતરાઓને ફરવા દેવા કે નહીં, તે અંગે ૯૦ ટકા રહેવાસીઓ અસહમત હોય અને માત્ર ૧૦ ટકા જ સહમત હોય, ત્યારે શું કરશો ? કાલે કોઈ કહેશેે કે મારે દૂધ માટે ભેંસ શેરીમાં બાંધવી છે તો તેને બાંધવા દેશો ?
સુપ્રિમકોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણી સામાન્ય જનતાને સીધી સ્પર્શે છે, તેથી ગઈકાલથી જ આ મુદ્દો "ટોક ઓફ ધ નેશન" બન્યો છે.
રખડતા ઢોર, આવારા કૂતરા તથા બિસ્માર આંતરિક શહેરી માર્ગોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ પણ અવાર-નવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકારની ઝાટકણી કાઢતી રહે છે, પરંતુ સમગ્ર રાજય અને દેશમાં પણ આ જ નાની ગણાવાતી સમસ્યાઓ હવે વિકરાળ સ્વરૃપ લેવા લાગી છે, અને તેના પડઘા સુપ્રિમકોર્ટ સુધી પડયા છે, ત્યારે હવે સમગ્ર દેશની રાજયસરકારો તથા કેન્દ્ર સરકાર સાથે મળીને તથા રાજનીતિથી ઉપર ઉઠીને રખડતા ઢોર અને આવારા કરડતા કૂતરાઓની સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ અમલમાં મૂકે, તેવું જનતા ઈચ્છી રહી છે, પણ...?!?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial