Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આરોપીઓને સરકારી ખર્ચે એલએડીસી તરફથી વકીલ ફાળવાયા હતાં :
જામનગર તા. ર૦ : ગેરકાનૂની મંડળી રચીને પાનની દુકાન તથા વાહનમાં તોડફોડ અને ફાયરીંગ કરીને હત્યાની કોશિશના ગુન્હામાં બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી ૧૮ આરોપીઓનો જામનગરની સેસન્સ કોર્ટ દ્વારા છૂટકારો થયો છે, જેમાં બે આરોપીઓ તરફથી એલએડીસી દ્વારા સરકારી ખર્ચે નિયુક્ત થયેલા વકીલ મનિષભાઈ બી. સોમૈયાએ બચાવપક્ષે દલીલો રજૂ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે વર્ષ-ર૦૦૭ ની ર૩ મી ફેબ્રુઆરીના આરોપીઓએ ગેરકાયદે મંડળી રચીને નવાગામ (ઘેડ) માં મુરલીધર સોસાયટીમાં ફરિયાદી શબીરના ભાઈ ઈમરાનની દુકાનમાં હથિયારો સાથે પહોંચીને તોડફોડ કરીને વીસેક હજાર રૂપિયાનું નુક્સાન કર્યું હતું તથા અને વાહનોને નુક્સાન ઉ૫રાંત ફાયરીંગ કરીને ઈમરાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો, તે પ્રકારની ફરિયાદ નગરના સિટી 'બી' ડિવિઝનમાં નોંધાઈ હતી. આઈપીસી, ગુજરાત પોલીસ અધિનિયમ, આર્મ્સ એક્ટ હેઠળ શબીર સોહરાબ અંસારીએ આ ફરિયાદ નોંધાવી હતી, અને ૧૯ જેટલા આરોપીઓ અંગે તપાસ પછી પોલીસ દ્વારા તેઓને જામનગરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટશ્રીની અદાલતમાં રજૂ કરાયા હતાં. આ કેસ ચલાવવાની સત્તા સેસન્સ કોર્ટને હોવાથી તે પછી આ કેસ સેસન્સ કમિટ થયો હતો.
તે પછી આ કેસની સુનાવણી શરૂ થઈ હતી, તે દરમિયાન એક આરોપીનું મૃત્યુ થતા તેનો કેસ એબેટ કરાયો હતો. સેસન્સ કોર્ટમાં તબક્કાવાર થયેલી સુનાવણી દરમિયાન આઠ જેટલા સાક્ષીઓની જુબાની લઈ મૌખિક પુરાવા, ૩૬ જેટલા દસ્તાવેજી પુરાવા, પંચનામા, સાયન્ટિફિક પુરાવા, મુદ્દામાલ વગેરે રજૂ કરીને ઉભય પક્ષે દલીલો થઈ હતી. સુનાવણી દરમિયાન સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ વગેરે પ્રક્રિયા તથા ઓળખપરેડ અને પુરાવાની ચકાસણી પછી આ તમામ કેસોમાં આરોપો નિઃશંકપણે પૂરવાર થતા નહીં હોવાની દલીલો બચાવ પક્ષના વકીલોએ કરી હતી, આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાની તર્કબદ્ધ દલીલો રજૂ કરી હતી. જે દલીલો માન્ય રાખીને એડિશ્નલ સેશન્સ જજ વી.પી. અગ્રવાલ સાહેબે તમામ ૧૮ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
નિર્દોષ છૂટેલા આરોપીઓ પૈકી સંદીપ ઉર્ફે ભૂરો તુલસીદાસ ઠકરાર અને હાજી ઉર્ફે ઈસ્માઈલ કટિયા તરફથી એલએડીસી દ્વારા ફાળવાયેલા વકીલ એમ.બી. સોમૈયાએ દલીલ કરી હતી.
આ કેસની વિશેષતા એ હતી કે આ જુદા જુદા આરોપો અને ૧૯ જેટલા આરોપીઓના કેસમાં બે આરોપીઓ તરફથી કાનૂની સહાય અંતર્ગત નિમાયેલા મનિષભાઈ સોમૈયા તર્કબદ્ધ દલીલો કરીને આરોપીઓનો નિર્દોષ છૂટકારો કરાવવામાં સહભાગી થયા હતાં.