Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના નાણામંત્રીએ રજુ કર્યું રૂ. ૩.૭૦ લાખ કરોડનું વર્ષ-૨૦૨૫-૨૬નું બજેટ

વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાતનો નિર્ધારઃ શ્રમિક બસેરા યોજના માટે ૨૦૦ કરોડ, પોષણલક્ષી યોજના માટે ૮૨૦૦ કરોડ સહિતની જંગી જાહેરાતોઃ ત્રણ લાખ આવાસનું લક્ષ્યઃ નવા પ્રોજેક્ટ સૂચવાયા

ગાંધીનગર તા. ૨૦: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ વિધાનસભામાં રજુ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રે માતબર જોગવાઈઓ સાથે કેટલીક નવી યોજનાઓ તથા પ્રોજેક્ટોની જાહેરાત સાથે વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈએ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવ પર ભાર મૂક્યો છે તેમજ વર્ષ ર૦૪૭ સુધીમાં વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ ર૦રપ-ર૬ રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિકંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર 'પઢાઈ ભી, પોષણ ભી'ના ધ્યેયને સાકાર કરવા 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'ની ડિસેમ્બર ર૦ર૪ થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩ર,ર૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં કુલ ૬૧૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ. બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ર૭૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

નાણામંત્રીએ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭ર તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી 'સેન્ટ્રલાઈઝડ કીચન' વ્યવસ્થા ઊભી કરવા રૂ. પપ૧ કરોડની જોગવાઈ, 'પઢાઈ ભી, પોષણ ભી'ના ધ્યયને સાકાર કરવા 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'ની ડિસેમ્બર ર૦ર૪ થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩ર,ર૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ રૂ. ૬૧૭ કરોડની જોગવાઈ અને પોષણલક્ષી યોજના માટે રૂ. ૮ર૦૦ કરોડની ફાળવણી કરી છે.

નાણામંત્રીએ કહ્યું કે 'સંત સુરદાસ યોજના' હેઠળ ૮૦ ટકાને બદલે હવેથી ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮પ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક રૂ. ૧ર હજારની સહાય અપાશે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી 'ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ' નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઈકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને પ૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.

અમદાવાદના આઈ-હબજ અને આઈ-ક્રીએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઈકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રિજિયનમાં આઈ-હબની સ્થાપનાનું આયોજન છે.

આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી ઈજનેરી કોલેજ, અમદાવાદમાં અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે.

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ ર૯૦ કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔદ્યોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી 'મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના' માટે ર૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે, જેમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઓ માટે ૩૬૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઈલ નીતિના કારણે પ લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઈલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુરદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના મેઠળ ૮પ હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક ૧ર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.

નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. ર૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર ૧.૭૦ લાખ રૂપિયા સબસિડી આપશે.

નાણામંત્રીએ કહ્યું કે, આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જ્યંતીના ૧૫૦મા વર્ષને "જનજાતિય ગૌરવ વર્ષ" તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.પ% ના વધારા સાથે રૂ. ૧૧૦૦ કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.

આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ. રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત આ બેંકેબલ યોજનામાં ૧૦ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને ૭% તથા પુરૂષ લાભાર્થીઓને ૬% વ્યાજ સહાયનો લાભ મળશે.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્દઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂ. ર૭૪ કરોડની જોગવાઈ કરાઈ છે.

નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે. એમએસએમઈ, ટેક્સટાઈલ વિગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઈને પ્રોત્સાહન, નવી ટેક્સટાઈલ નીતિ, મેન્યુફેકચરીંગ પાર્ક વિગેરેને લીધે રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે.

ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંશાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યકરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે રૂ. ૪૮ર૭ કરોડની જોગવાઈ સૂચવું છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વિગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં "ઘરનું ઘર" સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની રૂ. ૧ લાખ ર૦ હજારની સહાયમાં મકાનદીઠ રૂ. પ૦ હજારના માતબર વધારા સાથે રૂ. ૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા

ગુજરાતના બજેટની આછેરી ઝલક...

ગત વર્ષની સરખામણીમાં વધારો રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ

૧૦ જિલ્લામાં ર૦ સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયો

પ્રવાસન વિભાગનું બજેટ ૩૧% વધારી રૂપિયા ૬પ૦પ કરોડની ફાળવણી

પ્રવાસન સ્થળોને સાંકળવા રસ્તાઓનો વિકાસ થશે

વાજપેયિ બેંકેબલ યોજના હેઠળ ધિરાણ-સહાયની રકમમાં વધારો

લોકોનું ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા ૩ લાખ આવાસ પૂરા પડાશે

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ નીતિ અંતર્ગત પ૦ હજારથી વધુ રોજગારીનું સર્જન

૧૦ પઢાઈ ભી - પોષણ ભી યોજના ૧૦ માટે ૬૧૭ કરોડની જોગવાઈ કરાઈ

રાજ્યના આદિજાતિના સર્વાગિ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના

રાજયના ૪ રીજીયનમાં આઈ-એચયુબી સ્થપાશે.

રાજ્યની ૬ એન્જિનિયરીંગ કોલેજમાં એઆઈ લેબની સ્થાપના કરાશે.

૮૧ લાખ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ. ૪૮ર૭ કરોડની ફાળવણી

૬૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને વાર્ષિક ૧ર હજારની સહાય અપાશે

મેન્યુફેકચરીંગ પાર્ક અને ટેક્સટાઈલ નીતિથી પાંચ લાખ રોજગારીનું સર્જન કરાશે

એસસી, એસટી અને ઓબીસી વર્ગના યુવાનોમાં સ્વરોજગારી વધારવાની તક માટે લોન પર વ્યાજ સહાય

આંગણવાડી યોજના માટે રૂ. ર૭૪ કરોડની ફાળવણી કરાઈ છે

૭ર તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝડ કીચન માટે રૂ. પપ૧ કરોડની જોગવાઈ થઈ છે

પોષણલક્ષી યોજના માટે રૂ. ૮ર૦૦ કરોડની ફાળવણી થઈ છે

કિસાન સૂર્યોદય યોજનાઃ રૂ. ર૧૭પ કરોડની ફાળવણી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh