Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને વર્ષ ર૦૧૯ માં લોકસભાની ચૂંટણીના પ્રચાર પછી કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતુંઃ
નવી દિલ્હી તા. ૩૦ઃ આજે છેલ્લા તબક્કાની લોકસભાની ચૂંટણીના પ્રચાર-પદઘમ શાંત થયા પછી કન્યાકુમારી જશે, અને ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.
વર્ષ ર૦૧૯ ની ચૂંટણી પછી પી.એમ. મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું, પરંતુ આ વખતે તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલ જવાના છે, તેના સંદર્ભે તેઓ આજે કન્યાકુમારી પહોંચશે. ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરશે. તે પછી તેઓ સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.
વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમને લઈને દરિયાઈ સુરક્ષા સહિત ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે, અને ગુરુવારથી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં તેઓના ૪પ કલાકના રોકાણ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન તેઓ અહીં ધ્યાન કરશે.
દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં બે હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે. પાંચ વર્ષ પહેલા તેમણે ર૦૧૯ ની ચૂંટણી પ્રચાર પછી કેદારનાથ ગુફામાં ધ્યાન કર્યું હતું.
લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત થયા પછી પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બનેલા રોક મેમોરિયલ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ આજે સાંજથી ૧ જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે, તેમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.
૧ જૂને બપોરે ૩ વાગે પીએમ મોદી નજીકના ખડક પર બનેલી મહાન કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત લેશે અને તેમને હાર પહેરાવશે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
તિરૂનેલવેલી રેન્જના પોલીસ મહાનિરીક્ષક (ડીઆઈજી) પ્રવેશ કુમારે પોલીસ અધિક્ષક ઈ. સુંદરાવથનમ સાથે રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને કન્યાકુમારીમાં સ્ટેટ ગેસ્ટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ કન્યાકુમારી અને તેની આસપાસ લગભગ ર,૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ છે. પીએમ મોદીના કાર્યક્રમ મુજબ તેઓ આજે બપોરે તેમના આધ્યાત્મિક રોકાણ માટે કન્યાકુમારી પહોંચશે. આ પછી તે સ્મારક પર જશે, તેમ જાણવા મળે છે.
આજે પીએમ મોદી પંજાબના હોશિયારપુરમાં તેમની છેલ્લી રેલી કરશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી તમિલનાડુના કન્યાકુમારી જવા રવાના થશે. પીએમ ત્યાં બીચથી પ૦૦ મીટર દૂર સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચશે અને ૩૧ મેથી ૧ જૂન (ર૪ કલાક) સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે.
લોકસભા ચૂંટણી ર૦૧૯નો પ્રચાર પૂરો થતાં જ પીએમ મોદી ફરી એકવાર કેદારનાથ પહોંચ્યા હતાં. પીએમ મોદી ૧૮ મે ર૦૧૯ ના રોજ અહીં ગયા હતાં. તેમણે સૌથી પહેલા કેદારનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તે પછી તેમણે ગુફામાં ધ્યાન કર્યું. આખી રાત તેમણે ત્યાં જ વિતાવી હતી. ગઢવાલ મંડળ વિકાસ નિગમ અનુસાર, હવે અહીં રાત્રિ રોકાણનો ખર્ચ ૩૭૦૦ રૂપિયા છે. જ્યારે પીએમ મોદી અહીં ગયા હતા ત્યારે અહીં રાત્રિ રોકાણની ફી ૧પ૦૦ રૂપિયા હતી અને આખા દિવસ માટે ૯૯૦ રૂપિયા હતી. દરિયાઈ સપાટીથી ૧ર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી આ ગુફામાં વાઈ-ફાઈ, ફોન અને બેડની પણ વ્યવસ્થા છે, ત્યારે ગુફામાં ધ્યાન કરતા પીએમ મોદીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
તે પહેલાં પીએમ મોદી ર૦૧પમાં કોલકાતા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે બેલુર મઠમાં ધ્યાન કર્યું હતું. ર૦૧૪ માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી ૧૧ મે ર૦૧પ ના રોજ બેલુર મઠ પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન તેમણે તે રૂમમાં ધ્યાન કર્યું. જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે ધ્યાન કરતા હતાં.
લોકસભાની ચૂંટણી માટે ર૦૧૪મા પ્રચાર પૂર્ણ થયા પછી પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી, જ્યાં શિવાજીએ વાઘનખથી અફઝલ ખાનનું પેટ ફાડી નાખ્યું હતું. આમ કયારેક ઊંચા પહોડોનું મૌન, કયારેક ઘુઘવતો દરિયો તો કયારેક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કિલ્લાઓ, પીએમ મોદી માટે સામાજિક સંદેશ માટે વિવિધ રીતે પ્રતીક બની જાય છે. પ્રતાપગઢની મુલાકાતની ખૂબ ચર્ચા થઈ હતી.
સ્વામી વિવેકાનંદને અહીંથી થઈ હતી વિશેષ જ્ઞાનપ્રાપ્તિ
એ જાણીતી વાત છે કે વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે ૧૮૯૩ માં શિકાગો ગયા હતાં. તેમણે એ ભાષણ આપ્યું હતું, જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો. આજે પણ તેમના ભાષણની ચર્ચા થાય છે. એવું કહેવાય છે કે તે પ્રવાસ પહેલા તેઓ ર૪ ડિસેમ્બર ૧૮૯ર ના રોજ કન્યાકુમારીની મુલાકાતે ગયા હતાં. અહીં દરિયા કિનારેથી લગભગ પ૦૦ મીટર દૂર તેમણે પાણીની વચ્ચે એક વિશાળ પથ્થર જોયો. તેઓ તરીને ત્યાં પહોંચ્યા અને ત્યાં જઈને ધ્યાનમાં મગ્ન થઈ ગયા.. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર વિવેકાનંદ બની ગયા. સ્વામી વિવેકાનંદે અહીં જ તપસ્યા કરી અને વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
વર્ષ ૧૯૭૦ માં પથ્થરની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. જેમાં ચાર મંડપ છે. આ મંદિરનું આર્કિટેકચર ડીટેઈલ એન્ટિક સ્ટાઈલનું છે. આ ૭૦ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્વામી વિવેકાનંદની મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. કાંસાની બનેલી આ પ્રતિમાની ઊંચાઈ લગભગ સાડા આઠ ફૂટ છે. માન્યતાઓ અનુસાર, દેવી પાર્વતીએ પણ આ સ્થાન પર બેસીને ભગવાન શિવની રાહ જોઈ હતી. આ સ્થાન ભારતનો દક્ષિણ છેડો છે. આ ઉપરાંત આ સ્થાન હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે.
ફેબ્રુઆરી-ર૦ર૪ માં દ્વારકાના દરિયામાં ડૂબકી
વડાપ્રધાને આ ફેબ્રુઆરીએ ગુજરાતના દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવી હતી. પીએમ મોદીની તસવીરો સામે આવી છે, જેમાં તેઓ ડાઈવિંગ હેલ્મેટ અને ભગવા કપડા પહેરીને સમુદ્રતળ પર પલાઠી વાળીને બેઠા હતાં. પીએમએ ત્યાં પણ ધ્યાન ધર્યું હતું. આ મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે સમુદ્રમાં દ્વારકાને જોઈને વિકસિત ભારત માટેનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial