Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મણિપુરના ૮૬ વિસ્તારો જળમગ્નઃ સેંકડો ઘરોની જળસમાધી
ઈમ્ફાલ તા. ૩૦ઃ વરસાદ અને પૂરના કારણે મણિપુરના ૮૬ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. પૂર્વોત્તરના ૪ રાજ્યોમાં કુદરતી તબાહી મચી ગઈ છે. ભારતે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૪૩ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે.
રેમલ વાવાઝોડાથી ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દૃશ્યો છે. મણિપુરની ઈમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈમ્ફાલ નદીના વહેણને કારણે ઘણાં વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા યે. આ પછી વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો છે. નમબુલ નદીમાં પૂર આવવાને કારણે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ખુમાન લેમ્પક, નાગારમ, સગોલબંદ, ઉરીપોક, કેસમથોંગ અને પાઓના વિસ્તારો સહિત ઓછામાં ઓછા ૮૬ વિસ્તારો જળમગ્ન થયા છે.
અવિરત વરસાદને કારણે ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાંગ, ખાબમ અને લારિયાંગબમ લેઈકાઈ વિસ્તારો પાસે ઈમ્ફાલ નદીના કાંઠા તૂટી ગયા છે અને ઘણાં વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે, સેંકડો ઘરો ડૂબી ગયા છે. ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના હેનગાંગ અને ખુરાઈ વિધાનસભા ક્ષેત્રના ઘણાં વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ઘણાં વિસ્તારોમાં પૂરના પાણી છાતીના સ્તરે પહોંચી ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની એક ટીમ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા માટે લગભગ ૧૦ વાગ્યે એરફોર્સની વિશેષ ફ્લાઈટ દ્વારા ઈમ્ફાલ પહોંચી હતી. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે જણાવ્યું હતું કે, 'કેટલાક વિસ્તારોમાં નદીકાંઠાના ડેમના ભંગને કારણે નાગરિકો અને પ્રાણીઓને અસર થઈ છે. રાજ્ય સરકારના અધિકારીઓ, સુરક્ષા અને એનડીઆરએફના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકો સહિત તમામ સંબંધિત સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.'
ઈમ્ફાલ અને સિલચરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૭ પરનો ઈરાંગ બેઈલી બ્રિજ તૂટી પડ્યો હતો. જેના કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે. પોલીસ વિભાગ અને અન્ય એજન્સીઓ ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરી રહી છે.
આધારભૂત સૂત્રો જણાવે છે કે, ચક્રવાત રેમલને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. તેના કારણે ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોમાં માર્ગ અને રેલ સંચાર પર પણ વિપરીત અસર પડી છે. ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને ભુસ્ખલનને કારણે ૪૩ નાગરિકોના મોત થયા છે. મિઝોરમમાં ર૯, નાગાલેન્ડમાં ૪, આસામમાં ૩ અને મેઘાલયમાં ર અને અન્યત્ર પ નાગરિકોના મોત થયાના અહેવાલ છે.
આઈઝોલમાં મલ્થમ અને હિલીમેન વચ્ચેની ખાણ સ્થળ પરથી અત્યાર સુધીમાં રપ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય ઘણાં લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. જિલ્લાના સાલેમ, આઈબક, લુંગસેઈ, કેલ્હીસ અને ફાલ્કનમાં ભૂસ્ખલનને કારણે છ લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે, તેમ સૂત્રો જણાવે છે, જ્યારે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર સોનિતપુરના ઢેકિયાજુલીમાં એક સ્કૂલ બસ પર ઝાડની ડાળી પડી હતી, જેમાં ૧ર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. મોરીગાંવમાં અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકો ઘાયલ થયા હોવાનું ઓથોરિટીએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial