Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમીથી રાહત મેળવવા જતાં બાળકોએ જિંદગી ગૂમાવીઃ
જામનગર તા. ૩૦ઃ કાલાવડના બાલંભડી ગામમાં મજૂરી માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની શ્રમિક પરિવારના બે બાળક ગઈકાલે નદીમાં ન્હાવા ઉતર્યા ત્યારે ડૂબી ગયા છે. ગરમીમાં રાહત મેળવવા આ પરિવારનો આઠ વર્ષનો પુત્ર અને છ વર્ષની પુત્રી નદીમાં ન્હાવા ઉતર્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પિતાનંુ નિવેદન નોંધ્યું છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.
કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં ખેતમજૂરી માટે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખારવા ગામના વતની સુનિલભાઈ નરસુભાઈ ભુરીયા તથા તેમના પત્ની આવ્યા હતા. આ દંપતી ત્યાં ભૂપતભાઈ હીરપરા નામના ખેડૂતના ખેતરમાં રહી ત્યાં જ મજૂરી કામ કરતા હતા.
આ દંપતીને સંતાનમાં પુત્ર ચિરાગ (ઉ.વ.૮) તથા પુત્રી શ્વેતા (ઉ.વ.૬) છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ સુનિલભાઈએ પોતાના પુત્ર ચિરાગને અભ્યાસ માટે નજીકમાં આવેલી શાળામાં મૂક્યો હતો. ગઈકાલે સવારથી સુનિલભાઈ તથા તેમના પત્ની ખેતરના કામમાં વળગ્યા હતા. જ્યારે બંને બાળકો રહેણાંકના સ્થળે હતા. તે પછી બપોરે બારેક વાગ્યે બહુ ગરમી લાગતા ચિરાગ તથા શ્વેતા નજીકમાં આવેલી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. આ વેળાએ બંને ભાઈ-બહેને પોતાના કપડા નદીના કાંઠે મૂક્યા હતા અને ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા.
તે પછી બપોરે દોઢેક વાગ્યે જ્યારે સુનિલભાઈ તથા તેમના પત્ની ખેતરમાંથી ભોજન લેવા માટે રહેણાંક પર આવ્યા ત્યારે તેઓએ ચિરાગ તથા શ્વેતાને ન જોતા આજુબાજુના ખેતર સહિતના સ્થળોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં નદીના કાંઠેથી બંને બાળકોના કપડા મળી આવતા ચિરાગ તથા શ્વેતા નદીમાં ઉતર્યા હોવાની આશંકા સેવી સુનિલભાઈ અને અન્ય વ્યક્તિઓએ નદીમાં ભૂસકો મારી બંને બાળકોની શોધ આરંભી હતી. જેમાં બપોરે અઢી વાગ્યે ચિરાગ તથા શ્વેતાના નશ્વરદેહ પાણીમાંથી મળી આવતા અરેરાટી પ્રસરી છે.
બંને બાળકોને બહાર કાઢી ચકાસવામાં આવતા બંનેના મૃત્યુ નિપજ્યાનું ખૂલ્યું છે. બનાવથી પોલીસને વાકેફ કરાતા કાલાવડ શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી સુનિલભાઈ ભુરીયાનું નિવેદન નોંધ્યું છે. આ બનાવે કાલાવડ પંથકમાં ખેતમજૂરી કરતા પરિવારોમાં ગમગીની પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial