Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નવરાત્રિ પર્વની ઉજવણીમાં 'સોનાની થાળીમાં લોઢાની મેખ'
જામનગર તા. પઃ જામનગર શહેરમાં નવરાત્રિ પર્વની ઉજવણીમાં મહાનગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની મંજુરી આપવા બાબત તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા બાબતમાં બેદરકારી અને તમામ નીતિ-નિયમો, કાયદાઓને નેવે મૂકી થતા આયોજનો પ્રત્યે મીઠી નજરના કારણે નવરાત્રિ ઉત્સવની ઉજવાતી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહી છે.
જામનગર શહેરની મધ્યમાં આવેલા પંચેશ્વર ટાવર વિસ્તારમાં ત્રિશાલી પાંઉભાજીથી પંચેશ્વર ટાવર અને પંચેશ્વર ટાવરથી ગોવાળની મસ્જિદ સુધીના માર્ગો ટ્રાફિકથી સતત અતિ વ્યસ્ત રહે છે. આ માર્ગો પર આટલા વિસ્તારમાં જ ચાર-ચાર ગરબીના આયોજનો થયા છે.
રસ્તાઓ ઉપર, રસ્તા બંધ કરીને સ્ટેજ બાંધવા, કમાનો બાંધવી, વીજળીના વાયરો, લાઈટો ટીંગાડવી વગેરેના કારણે ત્રિશાલી પાંઉભાજીથી લઈને ગોવાળની મસ્જિદ સુધીનો માર્ગ રાત્રે ૮ વાગ્યાથી જ અવરજવર માટે બંધ થઈ જાય છે. વાહનચાલકો, રાહદારીઓને ક્યાંથી જવું તે મોટી સમસ્યા સર્જાય છે.
આ માર્ગોની આસપાસ નાની ગલીઓમાં પ૦૦ થી વધારે રહેણાંકોના લોકો વસવાટ કરે છે. આ પરિવારોમાંથી કોઈને શહેરમાં અન્ય સ્થળે આવવા-જવા માટે અન્ય શેરી-ગલીઓમાંથી ચક્કરો મારીને આવવું જવું પડે છે. તેમાં વળી આ રહેણાંક વિસ્તારોમાં ગરબી જોવાવાળાના ટુ-વ્હીલરો, ફોર વ્હીલરો આડેધડ પાર્ક થઈ ખડકાય જાય છે, કારણ કે આ માર્ગ ઉપર ક્યાંય પાર્કિંગની આમેય કોઈ સુવિધા કે વ્યવસ્થા જ નથી!
આવી સ્થિતિમાં દિવસના સમયે પણ લોકોને અવારનવાર ટ્રાફિકજામની પરેશાની ભોગવવી પડે છે. ઢોરના અડીંગા પણ યથાવત્ જ છે. રાત્રે તો સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયેલો રહે છે. જો કોઈ બીમાર વ્યક્તિને દવાખાને કે હોસ્પિટલ લઈ જવા પડે તો રાત્રે તો અશક્ય જ થઈ જાય છે.
ગુજરાત સરકાર દ્વારા અને રાજ્યના ઉચ્ચ પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ છે કે લોકોની અવરજવરને, ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતના જાહેર માર્ગો કે ચોકમાં ગરબીના આયોજનોને મંજુરી આપવી નહીં! તો જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં માર્ગો ઉપર સ્ટેજ-સમિયાણા બાંધી સમગ્ર શહેરની જનતાને ભારે પરેશાની થાય તેવી રીતે થયેલા આયોજનને મંજુરી કેવી રીતે આપી દેવામાં આવી? સંબંધિત તંત્રએ સરકારના અને પોલીસ વિભાગના આદેશને સરેઆમ ઉલાળિયો કરીને રાજકીય ભલામણોને જ ધ્યાને લઈ આવી મંજુરી આપી હોય તેમ જણાય છે અને શહેરની પ્રજાને ત્રાસરૂપ થતા આયોજનોને મંજુરી મળે તેવી ભલામણ કરનારાઓ જો અહીંથી પસાર થાય તો ખબર પડે કે આપણે કેવી હેરાનગતિ પ્રજાને આપી રહ્યા છીએ!
આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ આદેશ છે અને તેનો સમગ્ર દેશમાં ચૂસ્તપણ અમલ પણ થઈ રહ્યો છે કે રાત્રેદસ વાગ્યા પછી અને જે તે પ્રદેશ/રાજ્યને તેમના તહેવારો દરમિયાન રાત્રે ૧ર વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાની સખ્ત મનાઈ છે.
પણ પંચેશ્વર ટાવર પાસેની ગરબીવાળાઓ તો સર્વોચ્ચ અદાલતના આદેશનો પણ બિન્દાસપણે ભંગ કરી રહ્યા છે. રાત્રે બે-અઢી વાગ્યા સુધી ભયંકર મોટા અવાજ સાથે લાઉડ સ્પીકરો ચાલુ જ રહે છે.
રાજ્યના ગૃહમંત્રીએ સવારે પાંચ વાગ્યા સુધી નવરાત્રિની ઉજવણી કરવાની છૂટ આપવા સાથે ખુલાસો કરવો પડ્યો કે સર્વોચ્ચ અદાલતના રાત્રે ૧ર વાગ્યે લાઉડ સ્પીકર બંધ રહેવાના આદેશનું તો કડકપણે પાલન કરવાનું જ રહેશે. ૧ર વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરીને ઢોલ શરણાઈ જેવા વાજીંત્રો સાથે ગરબી ચાલુ રાખી શકાશે.
જામનગરમાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની નૈતિક ફરજ છે કે આસપાસના કોઈ રહેવાસીની કે અન્ય નાગરિકની ફરિયાદ આવે કે ન આવે રાત્રે ૧ર વાગ્યા પછી કડક કાર્યવાહી કરી લાઉડ સ્પીકર બંધ કરાવી જ દેવા જોઈએ.
પંચેશ્વર ટાવરની ગરબીવાળા તો કોણજાણે ક્યાંથી સાઉન્ડ સિસ્ટમો લઈ આવ્યા છે કે છાતીના પાટિયા બસી જાય, આસપાસના મકાનોની દીવાલો, બારી-બારણા ધ્રૂજી જાય તેટલા મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડી રહ્યા છે. લાઉડ સ્પીકરની સાઉન્ડ સિસ્ટમમાં પણ સર્વોચ્ચ અદાલતનો અમુક ડેસિબલથી વધુ ડેસીબલવાળી સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ છે. આ વિસ્તારમાં વૃદ્ધો, નાના બાળકો અને રહેવાસીઓ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી આ પ્રકારના અતિ ઘોંઘાટવાળા વાતાવરણના કારણે ઊંઘ લઈ શકતા નથી. આ બાબતે જવાબદાર તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી?
આ ઉપરાંત જાણવા મળતી વિગતો પ્રમાણે ભડકા જેવા અતિ ઊંચા અવાજવાળી સાઉન્ડ સિસ્ટમ, સેંકડો લાઈટો, સીરીઝો માટે વીજતંત્રના નિયમ પ્રમાણે કામ ચલાઉ અલગથી મીટર લેવાનું હોય છે.તે માટે જરૂરી ડિપોઝિટ ભરવાની હોય છે, પણ અહીં મોટાપાયે વીજચોરી થતી હોવાની પણ શંકા અસ્થાને નથી!
આપણાં નગરમાં દર વર્ષે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે કોઈપણ જાતના તણાવ કે તંગદિલી વગર માતાજીની આરાધનાનું આ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે, પણ પંચેશ્વર ટાવર વિસ્તારમાં થતી ગરબીઓના કારણે પંદર પંદર દિવસ સુધી સર્જાતી ટ્રાફિક સમસ્યા, ઘોંઘાટ, નિયમો/કાયદાઓનો સરેઆમ ભંગ વગેરેના કારણે લકોને પારાવાર નહીં પણ અતિ પારાવાર મુશ્કેલી પડી રહી હોવાથી જામનગરના નવરાત્રિ પર્વની ઉજવણીમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ થયો છે.
જામનગરના ધર્મપ્રેમીઓ, ઉત્સવ પ્રેમીઓ પણ પંચેશ્વર ટાવરની ગરબીઓના કારણે થતી અવ્યવસ્થા, મુશ્કેલીઓના કારણે રોષે ભરાયેલા છે અને ખાસ કરીને જવાબદાર તંત્રની આ પ્રકારની બેદરકારીભરી અથવા પ્રજાને પડતી મુશ્કેલીઓને બાજુમાં રાખી આયોજકો પ્રત્યેની મીઠી નજર પ્રત્યે પણ ફીટકાર વરસાવી રહ્યા છે. ધાર્મિક તહેવારોની ઉજવણી કાયદા-નિયમોની મર્યાદામાં થાય તો જ સાચી ભક્તિ થઈ ગણાય... ધાર્મિક ઉત્સવોના આયોજનોમાં તંત્રો/સરકાર દ્વારા થોડીઘણી છૂટછાટ પણ શક્ય હોય છે, પણ અહીં તો આખું કોળું દાળમાં જેમ તમામ નિયમોનો રીતસર સરેઆમ ઉલાળિયો કરી રીતસર મનસ્વીપણે લોકોને ત્રાસ આપવા સાથેના રાસ-ગરબા લેવાય છે. પંચેશ્વર ટાવર પાસે રાત્રે ભારે ભીડ જમા થાય છે, તેની પાછળનું કારણ આ ગરબીઓની લોકપ્રિયતા તો નથી જ, પણ શહેરની મધ્યમાં હોવાથી જ ભીડ થાય છે. આયોજકો તે બાબતમાં ગર્વ લઈ વધુ પડતા ઉત્સાહમાં આવીને નિયમોનો ભંગ કરી રહ્યા હોય તેમ જણાય છે.
સૌથી નવાઈની વાત એ છે કે પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો નથી! સ્થળ ઉપર મૂકાયેલ પોલીસ દૂર શાંતિથી બેસીને ફરજ પૂરી કરતા હોય છે. એક તરફનો માર્ગ તો કમ-સે-કમ અવરજવર માટે ખુલ્લો રાખવો જ જોઈએ, તેના બદલે સદંતર બંધ રહ્યાને કારણે આ ગરબીના આયોજન ત્રાસરૂપ, અડચણરૂપ અને અળખામણા બની રહ્યા છે.
લોકોની સુખાકારી માટેઃ સુચારૂ ટ્રાફીક વ્યવસ્થા જરૂરી
પંચેશ્વર ટાવર થી ગોવાળની મસ્જીદ તથા પંચેશ્વર ટાવર થી મણિભદ્ર એપાર્ટમેન્ટ સુધી સાંજે ૬ થી રાત્રીના ૧રઃ૩૦ સુધી સુચારૂ ટ્રાફીક વ્યવસ્થા માટે સખત બંદોબસ્ત ગોઠવાય તેવી તંત્રએ વ્યવસ્થા કરવી જરૂરી છે. ત્યાં આવતા દરેક એપાર્ટમેન્ટ કે રહેણાંક વિસ્તારોની ગલીઓ બંધ ન થઈ જાય તેની તકેદારી રાખી લોકોની સુવિધા માટે આયોજન કરવું જોઈએ. તથા રાત્રીના બાર વાગ્યા પછી સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ સાઉન્ડ સીસ્ટમપણ સદંતર બંધ કરાવવી જોઈએ. અને ભવિષ્યમાં આવા રોડ બંધ કરી કોઈ પણ આયોજનોને તંત્રએ મંજુરી ન આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial