Advertisement
Author: નોબત સમાચાર

ફીર વોહી રફ્તાર...!! સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપને જનાદેશઃ સલાયા સહિતના કેટલાક અપવાદઃ કોંગ્રેસનું ધોવાણ...

આજે હાલાર સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વાભાવિક રીતે જ જેનો વિજય થાય, તે ખુશ થાય અને તેના સમર્થકો-કાર્યકરો દ્વારા વિજયના વધામણા થાય અને જેનો પરાજય થયો હોય ત્યાં થોડી નિરાશા વ્યાપે, પરંતુ આપણે ત્યાં લોકશાહી એટલી પૂખ્ત થઈ છે કે પરાજય પછી હારેલા ઉમેદવારો (મોટાભાગે) વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન આપે અને પોતે જનસેવા કરતા રહેશે તેવા પ્રતિભાવો આપે. કેટલીક વખત અપવાદરૂપ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલતો હોય છે.

મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી અટકળો થઈ હતી, અંદાજો કરાયા હતાં અને ગણિત મંડાયા હતાં. આજે પરિણામો આવ્યા પછી નવેસરથી ગણિત મંડાશે અને નવા સમિકરણો પણ કેટલાક સ્થળે રચાશે. મુખ્યત્વે દ્વિપક્ષિય મુકાબલો હોવા છતાં કેટલાક સ્થળે સબળ અપક્ષ ઉમેદવારો તથા અન્ય રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી જ મહેનત પણ કરવી પડી હતી, અને આજે આવી રહેલા પરિણામો આપણી સામે જ છે ને?

આજે વિજય મેળવ્યા પછી હવે વિજેતા ઉમેદવારોએ પહેલેથી જ સક્રિયતાથી કામે લાગી જવું પડશે અને ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ પૂરા કરવામાં લાગી જવું પડશે. જો આ વખતે મતદારોને છેતરાયા હોવાનો અહેસાસ થશે, તો બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના પડઘા પડશે અને ગુજરાત લેવા જતા હવેલી ખોવા જેવો ઘાટ સર્જાશે, તેથી બી કેર ફૂલ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટાભાગે સ્થાનિક મુદ્વાઓ પ્રભાવી રહેતા હોય છે, અને સ્થાનિક કક્ષાની એન્ટી-ઈન્કમબન્સી કે પ્રો-ઈનકમ્બન્સીની પણ અસર થતી હોય છે, તે ઉપરાંત રાજકીય પક્ષોની આંતરિક ખેંચતાણ તથા ભાઈ-ભત્રીજાવાદ તથા ઘણી વખત સ્થાપિત હિતો પણ ભૂમિકા ભજવતા હોય છે, તેથી આ ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભની ચૂંટણીઓથી થોડી ભિન્ન હોય છે, જો કે 'ત્રિપલ એન્જિનની સરકાર'વાળો નારો સૌથી વધુ કામ કરી ગયો હોય, તેમ જણાય છે.

આજે પરિણામો આવ્યા પછી પંચાયત-પાલિકાઓમાં જેને સત્તા મળે, તેની જવાબદારી એટલા માટે પણ વધી જવાની છે કે જનાદેશ મળ્યા પછી નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી સમસ્યા ઉપરાંત કેટલીક નવી ઊભી થયેલી સમસ્યાઓ તથા લોકોમાં ઊભી થયેલી નવી આકાંક્ષાઓની પૂર્તિ માટે પણ નવા પડકારો ઊભા થવાના છે. એટલું જ નહીં, ચૂંણી સમયે લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે મહેનત પણ કરવી જ પડશે, ખરૃં કે નહીં?

આજે હાલારની ૬ નગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. કેટલીક બેઠકો પર બિનહરિફ પણ જાહેર થઈ હતી. આજે જામજોધપુર, ધ્રોળ, કાલાવડ, દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓ તથા કેટલીક તાલુકા પંચાયતની ખાલી બેઠકોની મતગણતરી પણ થઈ રહી છે. આજે સવારે નવેક વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને બપોર થતા સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ પણ થવા લાગ્યું હતું.

આજે મગણતરી શરૂ થઈ ત્યારથી જ પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત પેટાચૂંટણીઓમાં પણ મહદ્અંશે ભાજપની જ લીડ જોવા મળી રહી હતી, અને કેટલાક સ્થળે કોંગ્રેસ પણ હાજરી નોંધાવી રહી હતી, પરંતુ અત્ર-તત્ર-સર્વત્ર કમળ સોળે કળાએ ખિલી રહ્યું હતું. મતદારોએ ભાજપને ખોબલે-ખોબલે મતો આપ્યા છે, અને જ્યાં ઓછું મતદાન થયું, ત્યાં પણ ભાજપને જ ફાયદો થઈ રહેલો જણાય છે. કેટલાક સ્થળે સપા, બસપા, આપ તથા અન્ય પક્ષોના ઉમેદવારો પણ જીત્યા છે.

જો કે, ભાજપને સલાયા નગરપાલિકા સહિતના કેટલાક સ્થળે ઝટકો પણ લાગ્યો છે. કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ જનાદેશ મળ્યો છે, પરંતુ એકંદરે જોઈએ તો કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક જ નહીં, પરંતુ આત્મચિંતનનો સંકેત આપનારા પણ ગણાય, ખરૃં ને?

કેટલાક સ્થળે ભાજપને લાંબા સમયે જનાદેશ મળ્યો છે, તો ઘણાં સ્થળે અપસેટ અને અપવાદો પણ સર્જાયા છે, પરંતુ એકંદરે સાર્વત્રિક ભાજપનો જ દબદબો રહ્યો છે, જેને વિશ્લેષકો પ્રો-ઈન્કમ્બન્સી નહીં, પરંતુ વિપક્ષોની કમજોરી તથા ગુજરાતમાં જળવાઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની ફલશ્રૂતિ ગણાવે છે, જો કે કેટલીક નગરપાલિકાઓમાં બસપા, સમાજવાદી પાર્ટી, આપ અને કોંગ્રેસને મળેલી સરસાઈ તેમાં અપવાદ છે.

હાલારમાં પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, તે મુજબના પરિણામો આવી રહ્યા છે. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચના પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, અને સલાયાની સંભાવનાઓ પણ પહેલેથી જ જગજાહેર થઈ ચૂકી હતી.

હવે ટોપ ટુ બોટમ ભાજપનો દબદબો અને 'ત્રિપલ એન્જિનની સરકાર' પર જનતાએ આટલો બધો ભરોસો મૂક્યો છે, ત્યારે ભાજપની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે, જો જો... ભરોસાની લાજ રાખજો...હો...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh