Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ નદી પર બ્રિજ બનાવવાની મંજુરી સામે ઉગ્ર વિરોધ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર મહાનગરપાલિકાના તા. ૨૦મી જૂને યોજાયેલી સામાન્ય સભામાં સમાણા રોડના બ્રિજ નજીક રેવન્યુ સર્વે નં. ૧૧૩૩/૧થી રેવન્યુ સર્વે નં. ૯૨૪ને જોડતો બ્રિજ રંગમતિ નદી પર બનાવવાનો ઠરાવ પસાર કરી વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેની સામે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદાએ મ્યુનિ. કમિશ્નરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી આ ઠરાવ તથા વહીવટી મંજુરી સામે વાંધો રજુ કરી તેને રદ કરવા ઉચ્ચ રજુઆત કરી છે.

આ બ્રિજ બનાવવાથી ખૂબ નુકસાન છે. એક તરફ જામનગર મહાનગરપાલિકા નદીના વહેણમાં આવતા દબાણો દૂર કરે છેેે. બીજી તરફ આવા બ્રિજ બનાવવાથી દબાણો વધશે તેમજ ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની રેવન્યુ સર્વે નં. ૧૧૩૩/૧ જે રીઝર્વ ફોર જે.એમ.સી. લેન્ડ વાળી જગ્યા છે અને સર્વે નં. ૯૨૪ ને આ રીઝર્વ ફોર લેન્ડ જે.એમ.સી. લેન્ડ વાળી જગ્યામાં થઈ રંગમતિ નદીના સામે બ્રિજ બનાવવાથી નુકસાન છે. કારણ કે કોર્પોરેશનની જગ્યા કેટલી કપાત થાય છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી, કોર્પોરેશનની કેટલી જગ્યા બ્રિજમાં જાશે તેનો કોઈ ઉલ્લેખ નથી. કોર્પોરેશનને કોઈ વળતર નથી. ને આ બ્રિજથી કોર્પોરેશનને કોઈ જાતનો ફાયદો નથી. ઉલ્ટાનું સર્વે નં. ૯૨૫,૯૨૬,૯૨૭,૯૨૦ વાળાને આ બ્રિજ બનાવવાથી ફાયદો છે. અને બિનખેતી કરીને બિલ્ડરોને કમાવી દેવાનો એક કારસો છે, કારણ કે ફક્ત એક જ સર્વે નં. ૯૨૪ ની અરજીના આધારે આ બ્રિજ મંજુર કરવામાં આવેલ છે. જો કે, કાયદા મુજબ તમામએ અલગ-અલગ અરજી કરવાની હોય, તેના ઉપર આ બ્રિજ બનાવવાની ગેરકાયદેસર મંજૂરી આપેલ છે. જે સરકારશ્રીના નીતિ-નિયમો અને પરિપત્રની વિરૂદ્ધનું છે. જી.પી.એમ.સી.ની વિરૂદ્ધ છે. કારણ કે કોમન જી.ડી.સી.યા ૨૦૧૭ના ક્લોઝ નં. ૧૭.૧ વોટર બોડી મુજબ નદીની બાઉન્ડ્રીથી ૩૦ મિટર સુધીના વસ્તરમાં કોઈ બાંધકામ કરી ન શકાય. જો બ્રિજનું બાંધકામ કરવમાં આવે તો વિભાજન થઈ જશે અને રીઝર્વ લેન્ડ ફોર જે.એમ.સી.ની જગ્યા બે ભાગમાં વહેંચાઈ જશે. અને રીઝર્વ લેન્ડ ફોર જે.એમ.સી.ના બે ભાગ પડી જાય તે રીતે બ્રિજની મંજુરી આપી શકાય નહીં. છતાં પણ લાગતા-વળવતાના જોરે આ નકશાઓ તૈયાર કરવામાં આવેલ, અને કોર્પોરેશનની રીઝર્વ જગ્યામાંથી ગેરકાયદેસર પૂલ બની શકે નહીં. ડીસ્ટ્રીક્ટ ઈન્સ્પેકટર લેન્ડ રેવન્યુ કચેરી દ્વારા કાયદેસર સરકારી ધારા-ધોરણ મુજબ માપણી કરવામાં આવેલ નથી. પ્રાઈવેટ એજન્સી મારફત લાગવગના જોરે નકશા તૈયાર થયેલ છે.

જામનગર મહાનગરપાલિકાની એજન્ડા આઈટમ નં. ૬ની ફાઈલ ખુદ સ્ટે. કમિટીના ચેરમેન જે જનરલ બોર્ડ સમક્ષ મુકેલી ફાઈલમાં સ્ટે. કમિટીના ચેરમેનએ પોતાના ૨૦-૨-૨૦૨૫ ના પત્રથી ડે ઈન્જિનિયર પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા જામનગર મહાનગરપાલિકાને ખૂબજ ગંભીરતાથી પત્ર દ્વારા જણાવેલ કે ઓરીજનલ અરજી વિના ફાઈલની દરખાસ્ત ક્યા આધાર ઉપર કરવામાં આવેલ...? અરજીઓ ઈન્વર્ડ થયેલ નથી તો શાખામાં અરજીઓ પહોંચી કઈ રીતે ? ઓરીજનલ અરજી જ નથી. આમ બિલ્ડર દ્વારા રાજકીય લાગવગના હિસાબે આ એજન્ડા દ્વારા મંજુર કરાવેલ છે. જે જામનગરની પ્રજા અને કોર્પોરેશન માટે ખૂબ જ નુકસાનકારક છે.

રંગમતિ નદીનો રિવરફ્રન્ટનો હજુ સુધી ડી.પી.આર. તૈયાર થયેલ નથી. જયાં સુધી આ ડી.પી.આર. તૈયાર ન થાય ત્યાં સુધી આવા બ્રિજની મંજુરી આપી શકાય નહીં. ભવિષ્યમાં નદીના પાણીનું વહેણનો પ્રશ્ન રહેશે. અને નદીના વહેણના પાણીને આ બ્રિજ રોકી શકે તેમ છે. અને તેનાથી કોર્પોરેશન તથા લોકોને ભયંકર પારાવાર નુકસાન વેઠવાનો વારો આવશે અને જેના માટે કોર્પોરેશન જવાબદાર રહેશે.

રેવન્યુ સર્વે નં.૯૨૪ વાળાના કોઈ રસ્તો આવવા-જવાનો બંધ થયેલ નથી. રેવન્યુ સર્વેનં. ૯૨૪ પાસે વૈકલ્પિક રસ્તો હોવા છતાં ગેરકાયદે આ રીતે બ્રિજ બનાવીને રેવ.સર્વે. ૯૨૪,૯૨૫,૯૨૬,૯૨૦ આ તમામ જમીનો બિનખેતી કરીને ત્યાંથી અવર-જવરના રસ્તા કરીને બિલ્ડરોને કરોડો રૂપીયા કમાવી દેવાનું એક જાતનું કૌભાંડ છે. કોર્પોરેશનની રીઝર્વ ફોર લેન્ડમાંથી કઈ રીતે બ્રિજ બનાવી શકાય. અને જે.એમ.સી.ની કેટલી જગ્યામાંથી પસાર થશે તેમજ ૯ મીટરનો જે રોડ નીકળતા જગ્યાનું વિભાજન થશે કે નહીં, તે લેન્ડ બોર્ડર એરિયામાંથી પસાર થશે કે નહીં, કેટલી જગ્યા જાય છે, કોઈ પણ જાતનો ઉલ્લેખ કે સ્પષ્ટતા કરેલ નથી. સર્વેનં. ૯૨૪ વાળા ખેતીની જમીનને આવવા-જવા માટે રસ્તો નથી કરવો પરંતુ કોર્પોરેશનની રીઝર્વ વાળી જગ્યા સર્વેનં.૧૧૩૩માંથી પૂલ બનાવી ગેરકાયદેસર રસ્તો કરવો છે. જે થઈ શકે નહીં. આ પુલ બનવાથી કોર્પોરેશનને કોઈપણ જાતનો ફાયદો નથી ઉલ્ટાનું કોર્પોરેશનની જગ્યા દબાણ થાય છેે. કોઈ વળતર નથી. ફકત બિલ્ડરને રાજકીય ઈશારે આ એજન્ડા મંજુર કરવમાં આવેલ છે. જેની સામે સખત વાંધો અને તકરાર છે.

કોર્પોરેશનનું હિત અને નુકસાન, આર્થિક નુકસાન થાય તેમ છે. અને જનરલ બોર્ડ જે એજન્ડા આઈટમ નંબર ૬ મંજુર કરેલ છે તેની વહીવટી મંજુરી આપવી નહીં અને કોર્પોરેશનના લેન્ડ ફોર જે.એમ.સી. વાળી ૧૧૩૩ માંથી સર્વે નં.૯૨૪ ને જોડતો બ્રિજની મંજુરી આપવી નહીં અને છતાં પણ આજે કે ભવિષ્યમાં આ બ્રિજ બનાવવાથી કોઈપણ જાતની તકલીફ કે નુકસાની વેઠવી પડશે. તો તેના માટે મ્યુનિ. કમિશ્નર જવાબદાર છે. કારણ કે કોર્પોરેશનની કેટલી જગ્યા કપાત થાય છે તેની કોઈ વિગત નથી. કોર્પોરેશનને કોઈ વળતર આપતું નથી.નદીનો પ્રવાહ અટકી જશે તો આ નદીના કાંઠા થી ૩૦ મીટર દૂર બાંધકામ કરવાનું જોગવાઈનું ઉલ્લંઘન થશે જેથી બ્રિજની મંજુરી આપવી નહીં તેવો આદેશ કરવા રજુઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh