Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મામલતદાર કચેરી, આયુર્વેદિક હોસ્પિટલ-જોડીયાના સંયોજન સાથે હુન્નરશાળા સંચાલિત
જોડિયા તા. ૨૪: સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ગાંધીવાદી સંસ્થા શ્રી શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા સંચાલિત શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયામાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી મામલતદાર ઓફિસ, જોડિયા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન પછી યુનોએ તા. ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું જાહેર કરતા દર વર્ષે આ ઉજવણી દેશભરમાં થાય છે. આ ઉજવણીના ભાગરૂપે શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય જોડીયામાં તા. ૧૫, ૧૬, ૧૭ અને ૨૦ જૂનના ધોરણ ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થી અને બાલમંદિરના બાળકોને શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશી દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિદ્યાર્થીઓને અને બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમની ઉજવણીની ખબર બાળકોના વાલી અને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી હતી.
આ ઐતિહાસિક દિવસે સંસ્થામાં જોડિયાના મામલતદાર દિગ્વિજયસિંહ ગોહિલ, આર એમ ડાંગર, સરકારી આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ અધિકારી ડો. આનંદ જયસ્વાલ, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, અશોકભાઈ વર્મા, મંત્રી પારુબેન સુખપરિયા, શાળાના આચાર્ય ક્રિષ્નાબા ચુડાસમા, ફોરેસ્ટ ઓફિસના બહાદુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, તેમજ જોડિયા તાલુકા આંગણવાડીના અધિકારીઓ અને સ્ટાફ, મામલતદાર ઓફિસનો સ્ટાફ તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલનો સ્ટાફ અને સંસ્થાના તમામ વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો, વાલીઓ સહિત ૩૨૫ લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શ્લોકથી કરવામાં આવી. ત્યારબાદ, હળવી કસરત ગરદનનું પરિભ્રમણ, કાંડાનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવી હતી. ત્યારબાદ યોગાસન કરવામાં આવ્યા હતા. જેમાં ઉભા આસનોમાં તાડાસન, વૃક્ષાસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન વગેરે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, બેઠા આસનોમાં વજ્રાસન, વક્રાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાકાસન વ્યાયામ શિક્ષિકાબેનના માર્ગદર્શન નીચે કરવામાં આવી હતી. ત્યારપછી સૂતા સૂતા કરવાના આસનમાં પવન મુક્તાસન, ભુજંગાસન, ઉત્તાનપાદાસન, શવાસન કરવામાં આવ્યા હતા. પછી પાંચ મિનિટનો વિરામ રાખી કપાલભાતિ યોગ, અનુલોમ વિલોમ, શીતલી, ભ્રામરી અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. સૌ લોકોના ગુંજનથી વાતાવરણ રોમાંચિત થયુ હતું.
ત્યારબાદના આસનમાં ધ્યાન આસન મુદ્રા કરવામાં આવ્યું હતું અને અંતિમ ચરણમાં વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, ગ્રામજનો અને સમગ્ર વિશ્વમાં એકતા જળવાઈ રહે અને દરેક મનુષ્યને સ્વસ્થ, સારા અને પ્રિય બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શાળામાં યોગ ઉપર 'યોગા પાર્ક' અને 'યોગા અનપ્લગ્ડ' અંતર્ગત વિશેષ સ્પર્ધાઓ જેવીકે નિબંધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને શ્રેષ્ઠ યોગ નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતા વિદ્યાર્થીની બહેનોને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયા દ્વારા મુમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
તમામ વિદ્યાર્થીની બહેનોને સંસ્થા દ્વારા યોગદિવસ ઉપર સહભાગી થવા માટે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. શ્રીમતી યુ. પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયાને ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયાના ડો. આનંદ જયસ્વાલ દ્વારા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જોડિયા દ્વારા યોગાભ્યાસ વિષય પર ખાસ ચાર્ટ પ્રદર્શન ગોઠવવામાં આવેલ જેનો સર્વે લાભ લીધો હતો. કાર્યક્રમના અંતમાં તેમના દ્વારા આયોજીત અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું શાળાના આચાર્ય ક્રિષ્નાબા ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial