Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦: દ્વારકામાં ગઈકાલે એક વૃદ્ધને મળી ગયેલી બે મહિલાએ બાઈક પર મૂકી જવાની વિનંતી કર્યા પછી તેને મૂકવા ગયેલા વૃદ્ધને ત્યાં આવી ચઢેલા ત્રણ અજાણ્યા શખ્સે ધોકાવી મોબાઈલ ઝૂંટવી લીધા પછી તેમના ફોનમાંથી રૂ.૩૯ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. આવી જ રીતે અન્ય એક આસામીના પણ રૂ.૪ હજાર પડાવી લેવાયા હતા. પોલીસે આ ટોળકીની શોધ શરૂ કરી છે. તે ઉપરાંત ભાટીયાના એક આસામીનું મકાન સળગાવવાની ધમકી આપનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે અને મોટરસાયકલ સાથે મોટર ટકરાઈ પડતા એક શખ્સે ધોકાથી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
દ્વારકા શહેરમાં અંબુજા નગરમાં વસવાટ કરતા જગદીશભાઈ મનસુખભાઈ દવે નામના ૬૧ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે બારેક વાગ્યે ભડકેશ્વર મહાદેવ મંદિરેથી દર્શન કરીને નીકળ્યા પછી બે અજાણી સ્ત્રી તેમને સામી મળી હતી. આ મહિલાઓએ દ્વારકામાં કંઈ જોયું નથી તેમ કહી પોતાને પટેલ સમાજ પાસે મૂકી જવા જગદીશભાઈને કહ્યું હતું.
આ બંને મહિલાને બાઈકમાં બેસાડી જગદીશભાઈ મૂકવા જતા હતા ત્યારે પટેલ સમાજ સામેના બગીચા પાસે બાઈક ઉભુ રાખી આ મહિલાઓએ વાતો કરવાની લાલચ બતાવી હતી અને જગદીશભાઈ ત્યાં વાતો કરતા હતા. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સ આવી ચઢયા હતા.
તે પછી પાંચેય વ્યક્તિએ જગદીશભાઈને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કરી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. તે ફોનનો પાસવર્ડ જાણી લીધા પછી બે મહિલા અને ત્રણ પુરૂષે નજીકમાં આવેલા બારાઈ પેટ્રોલપંપ પર ક્યુઆર કોડ સ્કેન કરાવી તેમાંથી રૂ.૩૯ હજાર ઓન લાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. બનાવથી ડઘાયેલા જગદીશભાઈએ પોતાના મિત્ર અનિલભાઈ મગનલાલને તેની વાત કરી હતી. જેમાં અનિલભાઈએ પણ આવી જ રીતે પોતાની પાસેથી રૂ.૪ હજાર ઉપરોક્ત મહિલા-પુરૂષો એ ઝૂંટવી લીધાની કેફિયત આપતા બંને વ્યક્તિ પોલીસ મથકે દોડી ગયા હતા. જયાં જગદીશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩૧૦ (ર), ૩૫૨, ૬૧ (ર) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં યોગેશ્વરનગરમાં રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણઝારીયા નામના આસામીની મોટર દોઢેક મહિના પહેલાં સળગાવી નખાઈ હતી. તેઓએ દ્વારકાના દીપક વાલજીભાઈ પરમાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તે બાબતનો ખાર રાખી ગઈ તા.૭ના દિને દીપકે ભાટીયાની મુખ્ય બજારમાં રણછોડભાઈના પિતરાઈ રાજેશ નારણભાઈ કણઝારીયાને રોકી હજી રણછોડની ગાડી સળગાવી છે હવે મકાન પણ સળગાવી નાખીશ અને ક્યાંક મળી જશે તો તેને પતાવી દઈશ તેમ કહી ગાળો ભાંડી હતી. રણછોડભાઈએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુમેર કલબ રોડ પર જોલીબંગલા નજીક ઓશવાળ કોલોની-૧માં રહેતા નિલેશભાઈ દેવાભાઈ કદાવલા તથા તેમના સંબંધી ગઈકાલે બપોરે ભાણવડના ઘુમલી રોડ પરથી જીજે-૩-ડીએન ૭૧૦૨ નંબરની મોટરમાં વિજયપુરથી બાલા ગામ જતા હતા. તે દરમિયાન જીજે-૧૦-એન ૮૦૬૩ નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને પ્રફુલ નામના શખ્સે અચાનક ઓવરટેક કરી નજીકમાં આવેલા ખેતરમાં બાઈક વાળી લેતા તેની પાછળ મોટર ટકરાઈ પડી હતી. આથી ઝઘડો કરી પ્રફુલે ધોકાથી હુમલો કરી નિલેશ તથા અન્ય એક વ્યક્તિને માર માર્યાે હતો અને ગાળો ભાંડી મોટરમાં તોડ ફોડ કરી નાખી હતી. ભાણવડ પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ એ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial