Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેલેબ્રિટીઝ, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો, અગ્રણીઓએ કર્યું વોટીંગઃ બન્ને ગઠબંધનોએ કર્યા જીતના દાવાઃ ઝારખંડમાં સવારથી જ ઉત્સાહઃ યુપીમાં ડખ્ખો
નવી દિલ્હી તા. ર૦: આજે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ બેઠકો તથા ઝારખંડમાં છેલ્લા તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે, અને વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે. સેલેબ્રિટીઝ, દિગ્ગજો અને વિવિધ ક્ષેત્રોના માધાંતાઓ પણ મતદાન કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મતદારોને અટકાવાઈ રહ્યા હોવાનો વિવાદ શરૂ થયો છે.
મહારાષ્ટ્રમાં આજે રર૮ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, જેમાં બપોર સુધીમાં ૩૫% મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં ઉત્સાહપૂર્વક બપોર સુધીમાં ૪૭% મતદાન થયું છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં મતદરોને મતદાન કરતા અટકાવાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે અખિલેશ યાદવે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી, તો ભાજપના કાર્યકરો પણ પોલીંગ એજન્ટના મુદ્દે ધરણા પર બેસી ગયા છે. આજે મહારાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે ૭ વાગ્યાથી બન્ને રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. ર૩ મીએ પરિણામ જાહેર કરાશે.
બીજી તરફ ઝારખંડમાં આજે બીજા (અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ર૩ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની ૧પ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. તે પૈકી ઉત્તરપ્રદેશમાં ડખ્ખો થયા પછી ચુંટણી પંચે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.
મુંબઈની લગભગ દોઢ કરોડની વસતીમાં કુલ મતદારોની સંખ્યા ૧,૦૨,૨૯,૭૦૮ છે, જેમાં મુંબઈ શહેરમાં ૨૫,૪૩,૬૧૦ અને મુંબઈ ઉપનગરમાં ૭૬,૮૬,૦૯૮ છે. તો લોકસભા ૨૦૨૪ની ચૂંટણી બાદ મુંબઈ શહેર જિલ્લામાં ૫૩,૩૭૨ મતદારોમાં વધારો થયો છે. તો મુંબઈ ઉપનગર જિલ્લામાં ૨,૩૭,૭૧૫ મતદારોનો વધારો થયો છે.
આ દરમિયાન મોટી ઉંમરના તથા દિવ્યાંગોને મતદાન કરવાની સગવડ ઉપલ્બધ કરી આપવામાં આવી હતી, જેમાં મુંબઈ શહેર જિલ્લામાં કુલ ૨,૧૫૪ અને મુંબઈ ઉપનગર જિલ્લામાં ૪,૧૧૮ લોકો એમ કુલ ૬,૨૭૨ લોકોએ ઘરેથી મતદાન કર્યું હતુ.
આ વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં કુલ ૧૦,૧૧૭ પોલિંગ બૂથમાંથી ૭૬ જેટલા પોલિંગ બૂથ કિટ્રિકલ પોલિંગ બૂથ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ પોલિંગ બૂથમાં ભૂતકાળમાં સરેરાશ ૧૦ ટકા મતદાન થયું હતું. ઉદાહરણ તરીકે જો સરેરાશ મતદાન ૫૦ ટકા થયું હોય તેમાં કોઈપણ પોલિંગ બુથમાં ૧૦ ટકા કરતા ઓછું મતદાન થાય તો તે કિટ્રિકલ શ્રેણીમાં આવી જાય. ૭૬ કિટ્રિકલ પોલિંગ બૂથમાં મુખ્યત્વે કોલાબા, જુહુ અને મલાડ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
રાજયપાલ સી.પી. રાધાકૃષ્ણને કોલાબા વિધાનસભા મતવિસ્તાર હેઠળના મુંબઈમાં રાજભવન ખાતેના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. આર.એસ.એસ. ચીફ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કેન્દ્ર પર મતદાન કર્યા બાદ તેમની શાહીવાળી આંગળી બતાવી હતી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપીના ઉમેદવાર અજિત પવારે મત આપ્યા બાદ કહયું કે, લોકસભા દરિમયાન પણ અમારા પરિવારના સભ્યો એકબીજા સામે ચૂંટણી લડતા હતા અને બધાએ તે જોયું છે. મેં બારામતીમાં બધાને મળવાનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે આ વખતે બારામતીની જનતા મને વિજયી બનાવશે.
ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર તથા ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મુંબઈમાં મતદાન કર્યુ હતું. તેમણથે સોશિયલ મીડિયામાં તસવીર પણ શેર કરી છે. સચિને લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, તમે પણ વોટ કરો, કારણ કે દરેક વોટ કિંમતી હોય છે.
મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.
અભિનેતા અક્ષય કુમાર, રાજકુમાર રાવ, કબીર ખાન, સોનુ સૂદ, જોન અબ્રાહમ અને રિતેશ દેશમુખે વહેલી સવારે જ મતદાન કર્યું હતું.
યુપીમાં બબાલઃ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અખિલેશ યાદવના આક્ષેપો પણ ચૂંટણી પૂર્વે તત્કાલ કદમ ઉઠાવીને કેટલાક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.
મતદાનની સાથે સાથે...
આજે મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભાઓ તથા કેટલાક રાજ્યોની પેટાચૂંટણીઓના મતદાન દરમિયાન કેટલાક સ્થળે હોબાળાઓ થયા હતાં.
ચૂંટણી પંચે તત્કાળ કદમ ઊઠાવીને કેટલાક પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, 'તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો, તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે'.
ભાજપ દ્વારા સુપ્રિયા સુલેની એક ઓડિયો વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં પૈસાની હેરાફેરીનો આરોપ છે. એવામાં સુપ્રિયાએ કહ્યું છે કે મેં તો સાઈબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ આપી છે. આટલું જ નહીં, ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી સામે નોટીસ પણ આપી છે.
શરદ પવારના પૌત્ર રોહિત પવારનો આરોપ છે કે ઈવીએમમાં મારા નામ સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ નિશાનને તાત્કાલિક હટાવે.
બિટકોઈન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે 'ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે, સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મટી સંખ્યામાં મતદાન કરે'.
વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતા કહ્યું છે કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે.
બિટકોઈન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, 'ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઈન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પર બદનક્ષીનો કેસ કરીશું.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial