Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લામાં સેવા સેતુ, હેલ્થ ચેક-અપ કેમ્પ, સ્વચ્છતા રેલી સંપન્ન

'એક પેડ ર્માં કે નામ' કાર્યક્રમ હેઠળ મહાનુભાવોના હસ્તે સામૂહિક વૃક્ષારોપણ

જામનગર તા. ૧૮: જામનગર તાલુકાના ફલ્લા ગામે સ્વચ્છતા હી સેવા અને જિલ્લા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો અને ''એક પેડ ર્માં કે નામ'' કાર્યક્રમ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું.

આગામી તારીખ ૦૨-૧૦-૨૪ ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સ્વચ્છતા હી સેવા આંદોલન નિમિત્તે જન આંદોલન થકી સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સફાઈમિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છતા કી જન ભાગીદારી અને સંપૂર્ણ સ્વચ્છતા- આમ ૩ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૩૧ ઓકોટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમોની સમગ્ર જિલ્લામાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા'' ની થીમ નિર્ધારિત કરવામાં આવી છે. 

૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના કુલ ૧૩ વિભાગોને લગત ૫૫ જેટલી વિવિધ પ્રકારની સેવાઓ જાહેર જનતાને સ્થળ પર જ આપવામાં આવશે. સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી નિયત કરાયેલા સ્થળ અને તારીખના સરકારી કર્મીઓ સ્વયં હાજર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

જામનગર જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને જિલ્લા સેવા સેતુ કાર્યકમોનો શુભારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર તાલુકામાં આવેલ ફલ્લા ગામની તાલુકા શાળાએથી કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં લોક આગેવાન રમેશભાઈ મુંગરા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. રમેશભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સૌ જામનગરવાસીઓ સ્વચ્છતાનો સંકલ્પ ગ્રહણ કરે અને આપણા સૌના જીવનમાં આ વાત ઉતરે એ મહત્ત્વનું પગલું છે. માત્ર બાહ્ય સ્વચ્છતા જ નહીં પરંતુ ભીતરની સ્વચ્છતા પણ જીવનમાં એટલી જ મહત્ત્વપૂર્ણ છે. એ માટે આ વર્ષે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા નો નારો આપવામાં આવ્યો છે.

નિયામક શ્રી શારદાજીએ જણાવ્યું હતું કે માત્ર આપણા ઘરની સ્વચ્છતા યોગ્ય રીતે જ થાય તે પૂરતું નથી. આપણી આસપાસની કચેરીઓ, જાહેર માર્ગો, જાહેર સ્થળો પર સ્વચ્છતાનું નિયમિતપણે પાલન થાય અને લોકો સ્વયં આ બાબતે આગળ આવે તો જ એ સાચી સફળતા છે. જિલ્લાના તમામ નાગરિકોએ વહીવટી તંત્રને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવો તે તેમની નૈતિક ફરજ છે.

કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. ઢોલ નગારાના તાલ સાથે મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ સ્વાગત ગીત અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં સર્વેની સ્વાગતવિધિ અને આભાર- વિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાનું યોગદાન આપવા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ હાજર સર્વેને વૃક્ષના રોપ આપવામાં આવ્યા હતા.

જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું ઉપસ્થિત મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ સફાઈ મિત્રો માટે સ્થળ પર જ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને અન્ય તપાસણી કરાઈ હતી. આ ઉપરાંત ગામમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે લોક્ભાગીદારીથી બ્લેક સ્પોટ અને લેગસી વેસ્ટની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું.

ઉક્ત સમગ્ર સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા, જામનગર ગ્રામ્ય મામલતદાર દવે, ડીઆરડીએ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર વિજય ગોસ્વામી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, આજુબાજુના ગામોમાંથી પધારેલા લોક આગેવાનો, ફલ્લા અને આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચો, ગ્રામ પંચાયતના સદસ્યો, વિવિધ વિભાગના કર્મચારીગણ, અરજદારો, શાળા પરિવારના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh