Advertisement
Author: નોબત સમાચાર

ડિજિટલ યુગને શીર્ષાસન કરાવવાની પહેલમાં જીએસઆરટીસી

શું જીએસઆરટીસીની બધી બસોમાં પ્રિન્ટર લાગશે?!

જામનગર તા.૮: ભારત જ્યારે ડિજિટલ ઈન્ડિયાના નવા રૂપમાં પોતાને ઢાળી રહ્યું છે ત્યારે જીએસઆરટીસી (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ડિજિટલ સિસ્ટમને શીર્ષાસન કરાવી બસ મુસાફરોની અગવડો અને મૂંઝવણોને વધારી રહ્યું છે.

બસની ઓનલાઈન ટિકીટ બુકીંગની વાત કરીએ તો, ઈ ટિકીટ જનરેટ થાય તેને ડાઉનલોડ કરી જોવામાં આવે તો તેમાં અંગ્રેજીમાં માહિતી લખી હોય છે કે, 'ઓળખપત્ર સાથે મુસાફરે ઈ-ટિકીટની પ્રિન્ટ આઉટ પણ સાથે રાખવી. ડિજિટલ ઈ-ટિકિટ મુસાફરના મોબાઈલમાં જોઈ કંડકટર પોતાના લિસ્ટમાં મુસાફરનું નામ, સીટ નંબર ચેક કરી તેનું ઓળખપત્ર ચકાસી મુસાફરી કરવા માટે સહમતિ આપે, પરંતુ, ઈ-ટિકીટની પ્રિન્ટ પણ સાથે રાખવાની તેવો નિયમ શા માટે?

મને તાજેતરમાં એસટી બસની મુસાફરીમાં ટિકીટ અંગે થયેલા કડવા અનુભવની વાત કરું તો તા. ૪-૭-ર૪ ના મારે ભૂજથી જામનગર રાત્રે ૮-૦૦ વાગ્યાની (ભૂજ-દ્વારકા નામની એસટી સ્લીપર) એસટી બસમાં આવવાનું હતું. સાંજે ૭-૪૧ વાગ્યે મને મોબાઈલમાં ટેકસ્ટ મેસેજ આવ્યો જેમાં બસનું પીકઅપ સ્ટેન્ડ ભૂજ, પીએનઆર નંબર, તારીખ-સમય, બસનો નંબર લખેલો હતો. મેં બસમાં સામાન ચઢાવી મારા મોબાઈલનો ટેકસ્ટ મેસેજ જ્યારે કંડકટરને બતાવ્યો તો તેણે કહ્યું કે, આ મેસેજ ના ચાલે. કારણ કે તમે કાઉન્ટર ટિકિટ જામનગર એસટી બસ ડેપોથી એડવાન્સ ઓનલાઈન બુક કરી છે. ટિકીટની પ્રિન્ટ બચાવો. મેં તેમને કહ્યું કે, મારી પાસે ટિકીટની પ્રિન્ટ નથી પણ તમે તમારા લિસ્ટમાં ચેક કરી લો મારી ત્રણ નંબરની સીટ છે. મારું નામ તોરલ ઝવેરી છે. અને આ ઓળખપત્ર ચકાસી લો. તેણે પોતાની પાસે રહેલું લીસ્ટ ચેક કર્યું 'હા' કહી પછી કહે એ બધું બરોબર છે પણ ટિકિટની પ્રિન્ટ તો જોશે  જ!

બસ ઉપડવાનો સમય થઈ રહ્યો હતો એટલે મેં દોડીને ભૂજ ઈન્કવાયરી કાઉન્ટર પર કહ્યું કે, તમે લોકો મને ઓનલાઈન સિસ્ટમમાં જોઈ આપો અથવા તે ટિકિટની ડુપ્લીકેટ ટિકીટ કોમ્પ્યુટરમાં જનરેટ થઈ હોય તો એકસ્ટ્ર ચાર્જ લઈ તેની પ્રિન્ટ આપો. તો તેમણે જણાવ્યું કે એવું ન હોય, ભલે પીએનઆર નંબરવાળો તમારો ટેકસ્ટ મેસેજ હોય ટિકીટની પ્રિન્ટ જોઈએ જ નહીં તો નવી ટિકીટ ખરીદો !

ફરી હું દોડીને બસમાં ચઢી કેમ કે, બસ ઉપડી રહી હતી. કંડકટરને મેં કહ્યું કે, હું ટ્રાય કરૃં છું કે જામનગર એસટી બસ સ્ટેશનથી મેં આ ટિકીટ લીધી હતી તો ત્યાંથી કદાચ ડુપ્લીકેટ ટિકીટ મળી જાય તો તમને ફોટો બતાવું મોબાઈલમાં.

મેં ચાલુ મુસાફરીએ એક પરિચિતને ફોન કરી જામનગર એસટી બસ સ્ટેન્ડ તાત્કાલિક દોડાવ્યા તેમણે ઓનલાઈન બુકીંગ કાઉન્ટર પર જઈ વાત કરી તો રાત્રે ૮ વાગ્યા આસપાસ ત્યાં ફરજ પર રહેલા નયનભાઈ બારોટ નામના કર્મચારીએ તેમને જવાબ આપ્યો કે, ટિકીટ ખોવાઈ ગઈ એ ન ચાલે નવી ટિકીટ ખરીદો. તો પેલા ભાઈ વિનંતી કરી કે, મુસાફરનો મોબાઈલમાં પીએનઆર નંબર, બસ નંબર વગેરે  તમામ વિગતો છે, કંડકટરના લિસ્ટમાં બહેનનું નામ પણ છે તો ટિકિટની પ્રિન્ટ જ જોઈએ એવું શા માટે ? નયનભાઈએ અકળાઈને વ્યંગ અને તોછડાઈથી જવાબ આપ્યો કે, મારી પાસે સમય નથી નહીં તો તમને હું બહુ સારી રીતે સમજાવત! મુસાફરો સાથે એસટી સ્ટાફ કેવું વર્તન કરે છે તે અંગે એસટી મેનેજર સાહેબે થોડા કલાસ લેવાની જરૂર લાગે છે.

બીજી તરફ, ભૂજ-દ્વારકાની બસમાં કંડકટરનું રટણ ચાલુ હતું કે, તમારી પાસે ટિકિટની પ્રિન્ટ નથી આવું ન ચાલે. (આ કેવો જીએસઆરટીસીનો નિયમ !) જીએસઆરટીસી દ્વારા જ મુસાફરના મોબાઈલમાં પીએનઆર નંબર, બસ નંબર, તારીખ-સમયની વિગતો મોકલવામાં આવે, કંડકટર પોતાના લીસ્ટમાં વિગતો ચકાસે, મુસાફરનું ઓળખપત્ર ચકાસે તો પણ જીએસઆરટીસી એ જ મોકલેલો ટેકસ્ટ મેસેજ માન્ય ન રાખે. જો એક મહિલા પત્રકારને મધ્યરાત્રિની મુસાફરીમાં આવી માનસિક ત્રાસદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તો સામાન્ય મુસાફરોમાં તો કેવા હાલ થતા હશે?

આ અંગે જામનગર એસટી બસ સ્ટેન્ડના મેનેજર નિશાંત વરમોરાને પૂછતાં, તેમણે પણ લાચારી દર્શાવતા જણાવ્યું કે, નિયમ છે પ્રિન્ટ જોઈએ.

મૂળ મુદ્દો એ છે કે, જીએસઆરટીસી જે નિયમો બનાવે છે તે મુસાફરોની સગવડ માટે છે કે અગવડ વધારવા ! ઈ-ટિકીટ કે કાઉન્ટર ટિકીટની પ્રિન્ટનો જ દુરાગ્રહ રાખી કાગળ બગાડવા હોય તો દરેક બસમાં જ પ્રિન્ટર રાખવા જોઈએ.

કંડકટરને જ્યારે સમજાવ્યું કે જામનગરથી ડુપ્લીકેટ ટિકીટનો ફોટો આવશે એટલે હું તમને બતાવીશ તો કહે ફોટો ન ચાલે પ્રિન્ટ જ જોઈએ.

કોઈ મુસાફરને કોઈ ઈમરજન્સી હોય અને પોતે બસ ટિકીટ લેવા ન જઈ શકે અને પોતાના કોઈ પરિચિતને બસ સ્ટેન્ડે મોકલી ઓનલાઈન એડવાન્સ બુકીંગ કરાવે બાદમાં, તે પરિચિત તેમને મોબાઈલથી તે ટિકીટનો ફોટો મોકલી દે, અને મુસાફરના મોબાઈલમાં તો ટિકીટ બુકીંગનો ટેકસ્ટ મેસેજ જનરેટ કરવામાં આવે છે. જીએસઆરટીસી દ્વારા, તો આ રીતે મુસાફરની સગવડ સચવાઈ જાય.

જીએસઆરટીસી એ ટિકીટ બુકીંગના નિયમોને માનવતા અને વાસ્તવિકતાના ધોરણોથી ચકાસી જરૂરી સુધારા-વધારા કરવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh