Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ સામાન તથા એક લાખની રિક્ષા કબજેઃ
જામનગર તા. ૮: જામનગરના ખંંભાળિયા નાકા બહાર નવા બનતા એક મકાનમાં વાપરવા માટે રાખવામાં આવેલા વાયરના બંડલ તથા નળ સહિતનો રૂ. ૫૮ હજારનો સામાન ચોરાયો હતો. પોલીસે તે ગુન્હામાં મુદ્દામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા એમ.જે. પાર્કમાં એક આસામીના નવા બની રહેલા ટેનામેન્ટ માટે લાવવામાં આવેલા પિત્તળ તથા સ્ટીલના નળ તેમજ વાયરના ૧૩ બંડલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
તે ગુન્હાની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી તપાસ શરૂ કરી હતી. જેમાં સ્ટાફના આર.એ. જાડેજા, વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે ખંભાળિયા નાકા પાસેથી જીજે-૧૦-ટીઝેડ ૧૨૧૯ નંબરની રિક્ષા રોકી લીધી હતી. તે રિક્ષાની તલાશી લેવાતા તેમાંથી સ્ટીલ-પિત્તળના નળ, વાયરના ૧૩ બંડલ મળી આવ્યા હતા.
ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી પોલીસે રિક્ષામાં જઈ રહેલા ધરારનગર-૧વાળા હસન સીદીક ખફી, હુસેન અલી જોખીયા ઉર્ફે હુસના ચોર તથા આબીદ રસીદ ચંગડા નામના ત્રણ શખ્સની પૂછપરછ કરતા આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી છે. પોલીસે રૂ. ૫૮ હજારનો સામાન અને રૂ. ૧ લાખની રિક્ષા કબજે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.