Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રાઈમ સિરિયલ જોઈ પિતાને મોતને ઘાટ ઉતાર્યાઃ જમીનના ભાગનો મામલોઃ
જામનગર તા. ૮: દ્વારકાના લાડવા ગામની સીમમાં ગયા ગુરૂવારની રાત્રે ખેતરે રખોપુ રાખવા ગયેલા પ્રૌઢની માથામાં કોઈ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરી નખાઈ હતી તેની પોલીસે બારીકાઈથી તપાસ કરતા મૃતકનો પુત્ર જ પકડાઈ ગયો છે. તેણે જમીનના ભાગના મામલે પિતાની હત્યા કરી નાખ્યાની કબૂલાત આપી છે. ક્રાઈમ સિરિયલ જોઈ તેણે હત્યાનો પ્લાન ઘડી કાઢયો હતો પરંતુ તમામ હોશિયારી પોલીસ સમક્ષ ચાલી ન હતી અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાડવા ગામની સીમમાં મંદિર સામે આવેલા એક ખેતરમાં ગઈ તા.૪ની રાત્રે રખોપુ રાખવા ગયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના પ્રૌઢની રાત્રિના સમયે કોઈએ માથામાં તિક્ષણ હથિયારનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ પ્રૌઢ સવારે ઘેર નહીં આવતા તેમના પુત્ર સહિતના પરિવારે શરૂ કરેલી શોધખોળમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.
પોલીસે બનાવની નોંધ કરી હત્યાનો ગુન્હો નોંધ્યો હતો અને અલગ અલગ ટીમોને શંકાસ્પદ સ્થળ, વ્યક્તિની તપાસમાં લગાડવામાં આવી હતી. કેટલાક સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસ્યા હતા. જેમાં ખૂલ્યું હતું કે, મૃતક મોહનભાઈ દસેક વર્ષ જેટલા સમયથી પોતાના પરિવાર સાથે અલગ રહેવા ગયા છે અને તેઓ જમીનમાંથી ભાગની માગણી પણ કરતા હતા. તેથી ભાગના મુદ્દે મોહનભાઈની હત્યા કરવામાં આવી છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ સઘન બનાવી હતી.
તપાસમાં મૃતકના પુત્ર રાજેશ પર પોલીસને શંકા ગઈ હતી તેથી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે રાજેશ સોનગરાને પોલીસ મથકે બોલાવી લઈ આકરી પૂછપરછ કરતા આ શખ્સે ભાંગી પડી પોતે જ પિતા મોહનભાઈની હત્યા કરી નાખ્યાની કબૂલાત આપી છે.
પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા રાજેશે જણાવ્યા મુજબ પાંચેક વર્ષથી તે શખ્સ વીજ કંપનીમાં આસી. ઈલેકટ્રીશિયન તરીકે નોકરી કરે છે. તે પોતાના પિતાને હેરાન કરવા ઘર પાસે સ્ટ્રીટલાઈટ બંધ કરી નાખતો હતો અને રાત્રિના સમયે પથ્થર ફેંકી પિતાને પજવતો હતો. તે દરમિયાન તેણે પિતાને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કરી પાંચેક દિવસથી રેકી શરૂ કરી હતી. તે પછી ગઈ તા.૪ની રાત્રે પિતાના ખેતર પાસે મંદિરમાં દર્શનના બહાને જઈ તેણે જાણ્યું હતું કે, આજે રાત્રે તેના પિતા મોહનભાઈ રખોપુ કરવા આવવાના છે તેથી આજે રાત્રે જ તેણે પોતાનો મલિન ઈરાદો પાર પાડવાનો નિર્ણય કરી લીધો હતો. તેને અમલમાં મુકતા પહેલાં પોતાના અનુભવથી વીજળીની લાઈન કાપી નાખી હતી અને તે પછી ખેતરમાં જઈ પિતાને જગાડી ઘરે લઈ ગયો હતો અને પછી માથામાં હથોડી ઝીંકી પિતાને પતાવી દીધા હતા અને લોહીવાળી હથોડી અને લોહી ઉડયું હતું તેવા પોતાના કપડા ધોઈ નાખી કંઈ જ બન્યું ન હોય તેમ બસ મારફતે જામનગર જતો રહ્યો હતો.
તે પછી બીજા દિવસે સવારે મોહનભાઈની હત્યા થયાનું ખૂલતા પોતાને કાંઈ જ જાણકારી ન હોય તે રીતે લાડવા ગામમાં દોડી આવી તેણે સામાન્ય વર્તન શરૂ કરી દીધુ હતું અને પોતે કંઈ જાણતો ન હોવાનું નાટક કર્યું હતું પરંતુ પોલીસની પારખી નજરથી તે છૂપાઈ શક્યો ન હતો તેના પર શંકા પડતા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, દ્વારકા પીઆઈ ટી.સી. પટેલ, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા સહિતના સ્ટાફે તેની પૂછપરછ કરતા આ શખ્સ ભાંગી પડ્યો હતો અને પિતાની હત્યાની કબૂલાત કરી હતી.
આ શખ્સે પોલીસને જણાવ્યા મુજબ તેણે પોતાના પિતાની હત્યા કેમ કરવી તેનો પ્લાન ઘડવા માટે આ પ્રકારના કૃત્યો કઈ રીતે કરી શકાય તે માટે યૂ-ટ્યૂબ પર ક્રાઈમ સિરિયલ જોવાનું શરૂ કર્યું હતું અને તેમાં એક કેસમાં તેને હત્યાનો પ્લાન મળી ગયો હતો. હત્યા પછી પુરાવાઓ ન રહે તે માટે બારીકાઈથી તેણે પ્લાનીંગ કર્યું હતું પરંતુ તેના તમામ પ્લાન પર પોલીસે પાણી ફેરવી દઈ ભેદ ઉકેલી નાખ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial